ધારાવી માટે સરકારની હવે ટેક ઇટ ઑર લીવ ઇટ ઑફર

૩૫૦ ફુટનાં ઘર આપવાનો પ્રસ્તાવ : ૧૫ વર્ષથી કંઈ નથી થયું એટલે રહેવાસીઓ ૪૦૦ ફુટની જીદ જતી કરવાના મૂડમાં

dharvi


સરકારે ધારાવીના રીડેવલપમેન્ટ માટે છેલ્લી ઑફર કરી છે. જો ધારાવીના રહેવાસીઓ આ ઑફર નહીં સ્વીકારે તો ધારાવીનું રીડેવલપમેન્ટ ખોરંભે પડશે એવાં ચિહ્નો જણાય છે. સરકારે ધારાવીના રીડેવલપમેન્ટ માટે નવો રસ્તો અખત્યાર કરી પહેલાંનાં ૨૬૯ ચોરસ ફુટને બદલે ૩૫૦ ચોરસ ફુટનાં ઘરો આપવાની ઑફર મૂકી છે. આ ઑફર ધારાવીના રહેવાસીઓની ૪૦૦ ચોરસ ફુટનાં ઘરોની માગણીની અપેક્ષાએ ૫૦ ફુટ ઓછી છે. સરકાર મુખ્ય સચિવ સ્વાધીન ક્ષત્રિયના નેતૃત્વમાં આગામી બે અઠવાડિયાંમાં બેઠક બોલાવીને છેલ્લો નિર્ણય લેશે.   એમ જાણવા મળે છે કે ધારાવીના રહેવાસીઓ નવા ઘર માટે અને ઊંચા જીવનધોરણ માટે ઉત્સુક છે એથી તેઓ આ ઑફરનો સ્વીકાર કરશે.


ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ૨૪૦.૩૫ હેક્ટરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે જેમાંનાં ૫૭.૬૮ હેક્ટર પ્રાઇવેટ માલિકીનાં છે અને આ જમીન અધિગ્રહણ કરવી પડશે. સમગ્ર ધારાવીને પાંચ સેક્ટરમાં વહેંચી નાખવામાં આવ્યું છે જેમાં સેક્ટર પાંચને મ્હાડા ડેવલપ કરશે. 


ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના વડા નર્મિલકુમાર દેશમુખે ૩૫૦ ચોરસ ફુટનાં ઘરોની બાબતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે ‘જનતાની ઘણી માગણીઓ હોય છે જે પૂરી કરી શકાય એમ નથી. મને ખાતરી છે કે આ ૩૫૦ ચોરસ ફુટનાં ઘરોની ઑફર  ધારાવીની જનતા સ્વીકારી લેશે. અમે આગામી બે અઠવાડિયાંમાં મુખ્ય સચિવ સાથે બેઠક કરીશું અને આ બાબતે વધુ ચર્ચા કરીશું.’ 


ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખે મુંબઈનું શાંઘાઈમાં રૂપાંતર કરવાનું સ્વપ્ન સેવતાં ધારાવી પ્રખ્યાત થઈ ગયું હતું. ૨૦૦૩માં ધારાવીના રીડેવલપમેન્ટની યોજના ઘડવામાં આવી ત્યારથી આ વિશે ખાસ કંઈ થયું નથી. સિવાય કે મ્હાડાએ સેક્ટર પાંચમાં એક બિલ્ડિંગ બાંધ્યું છે. 


ધારાવીના રહેવાસીઓને ૩૫૦ ચોરસ ફુટનાં ઘરોનો ખાસ વાંધો નથી, કારણ કે છેલ્લાં ૧૫ વર્ષમાં તેમને સરકાર પાસેથી કાંઈ મળ્યું નથી. જો આ નિર્ણયથી તેમને ઘરો અને વધુ સારું જીવનધોરણ મળતું હોય તો તેઓ એ સ્વીકારવા તૈયાર છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK