ફાઇવ ગાર્ડન્સની જવાબદારી કૉર્પોરેટ કંપનીને સોંપી દેવા માંગ

સ્થાનિક રહેવાસીઓ કહે છે કે સુધરાઈ આ ગાર્ડન્સની જાળવણી કરવા અસમર્થ હોય તો કોઈ કંપનીને એની કૅર-ટેકર બનાવી દે


રોહિત પરીખ

દાદર-માટુંગા વચ્ચે આવેલાં મંચેરજી જોશી ફાઇવ ગાર્ડન્સની ઘણાં વષોર્થી હાલત કથળી ગઈ છે આમ છતાં સુધરાઈ એની જાળવણી કરતી નથી. મુંબઈની શાન સમાં ગાર્ડન્સની જાળવણી કરવા માટે સુધરાઈ અસમર્થ હોય તો સુધરાઈએ આ ગાર્ડન્સ કોઈ કૉપોર્રેટ કંપનીને જાળવણી માટે સોંપી દેવાં જોઈએ એવી માગણી આ ગાર્ડનમાં ફરવા આવતા સિનિયર સિટિઝનો કરી રહ્યા છે.

ફાઇવ ગાર્ડન્સની ખાસિયત એ છે કે આ ગાર્ડન્સના એક ભાગમાં ચિલ્ડ્રન્સ પાર્ક છે તો બીજા ભાગમાં સ્પોટ્ર્‍સ પાર્ક અને ત્રીજા ભાગમાં જૉગિંગ પાર્ક છે. આમ આ ગાર્ડન્સ અલગ-અલગ ભાગમાં વહેંચાયેલાં છે. જોકે જેટલી આ ગાર્ડન્સમાં ખાસિયત છે એટલી જ એમાં સમસ્યાઓ પણ છે.

સમસ્યાઓની વાત કરતાં ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM-ફામ)ના વાઇસ-પ્રેસિડન્ટ તથા માટુંગાના રહેવાસી અરુણ દોશી અને તેમની સાથે વષોર્થી રોજ સવારે ગાર્ડનમાં વૉકિંગ માટે આવતા સિનિયર સિટિઝનોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ગાર્ડનની સમસ્યાઓ વર્ણવવાની જરૂર નથી. એક સામાન્ય માનવી આ ગાર્ડનમાં એક રાઉન્ડ મારે ત્યાં જ તેની સામે આ ગાર્ડનની બધી જ સમસ્યાઓ દૃષ્ટિપાત થઈ શકે એમ છે. આ ગાર્ડનમાં હવે ગ્રીનરી ઓછી થઈ ગઈ છે. ગાર્ડનની બાઉન્ડરીઓના મોટા ભાગના સ્ટીલના રૉડ તૂટી ગયા છે. અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. જમીન સમથળ નથી રહી. સ્પોર્ટ્સ ગાર્ડનમાં જિમનાં સાધનો છે પણ એ જે જગ્યાએ છે એ જમીન સમથળ નથી. અમુક સાધનો ચોરાઈ ગયાં છે. આવી અનેક સમસ્યાઓ હવે આ ગાર્ડનમાં છે. એનું મુખ્ય કારણ સુધરાઈ દ્વારા આ ગાર્ડનની જાળવણી પ્રત્યેની બેદરકારી છે. સુધરાઈને જાળવણી ન પરવડતી હોય તો એણે કોઈ કંપનીને એનું કૅર-ટેકિંગનું કામ સોંપી દેવું જોઈએ.’

આ સિનિયર સિટિઝનોની જેમ જ દાદરની હિન્દુ કૉલોનીમાંથી રોજ યોગ કરવા આવતા ગ્રાફિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા રમેશ સોની અને નિવૃત્ત જીવન જીવી રહેલા વિનોદ દાવડાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગાર્ડનના અનેક ભાગોમાંથી ઘાસ સાફ થઈ ગયું છે. ગાર્ડનની મહત્તા ગ્રીનરીથી જ છે. ગાર્ડનમાં રોજ સાફસફાઈ થાય છે, પણ એ વખતે નાના-નાના પથરાઓને ત્યાંથી ઊંચકી લેવામાં નથી આવતા. ગાર્ડનમાં આવતા ડાયાબિટીઝના દરદીઓ માટે આ પથરા જોખમી છે. એ પગમાં વાગી જાય તો એ વ્યક્તિ ગૅન્ગ્રીનના દર્દનો ભોગ બની શકે છે. વૃક્ષો સુકાઈ રહ્યાં છે. વૃક્ષોની આજુબાજુ બનાવેલી દીવાલ એટલી ઊંચી બાંધવામાં આવી છે કે એનો બેસવા માટે ઉપયોગ નથી થઈ શકતો. આ દીવાલોની ઊંચાઈ બેસવાની બેન્ચોની લેવલની હોવી જોઈએ અને એની જાળવણી થતી ન હોવાથી એ પણ તૂટી ગયેલી છે. સૌથી બદતર હાલત ચિલ્ડ્રન્સ પાર્કની છે. અહીંની જમીન સમથળ નથી. એનું પ્રવેશદ્વાર જ બિસમાર હાલતમાં છે જે એમાં ચાલતાં બાળકોને વાગી શકે છે. આખા પાર્કમાં ઠેર-ઠેર મોટા-મોટા પથ્થર છે જેને હટાવવાની સુધરાઈ તસ્દી નથી લેતી. બાળકોને રમવા માટેની બધી જ રાઇડ્સ બિનઉપયોગી હાલતમાં છે. બાળકો સાથે ગાર્ડનમાં આવનાર પેરન્ટ્સને બેસવા માટે ફક્ત બે જ બેન્ચ રાખવામાં આવી છે.’

આ ગાર્ડનમાં દરરોજ ફરવા આવનારાઓએ ફરિયાદ કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એક સમય હતો કે ગાર્ડનની આજુબાજુ એક પણ ફેરિયો દેખાતો નહોતો. હવે વહેલી સવારથી શાકભાજીવાળા અને ખાદ્ય પદાથોર્વાળા આવીને બેસી જાય છે અને એથી આ વિસ્તારમાં ગંદકી વધી રહી છે.’

સિગ્નલ જરૂરી

વડાલાથી ગાર્ડન તરફ આવતા રસ્તા પર ટ્રાફિક-નિયંત્રણ કરવા માટે સિગ્નલ રાખવું ખૂબ જરૂરી છે એ સંદર્ભે બોલતાં મસ્જિદબંદર સ્ટેશન પાસે દુકાન ધરાવતા ગુણવંત શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રસ્તા પરથી પૂરઝડપે આવતાં વાહનો પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આ વાહનોને લીધે રસ્તો ક્રૉસ કરવામાં ગાર્ડનમાં ફરવા આવતાં સિનિયર સિટિઝનો, મહિલાઓ અને બાળકોને પ્રૉબ્લેમ થાય છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK