વાહ દાદી

૮૧ વર્ષનાં ગુજરાતી મહિલાએ ગજબની હિંમત દેખાડીને બનાવટી પોલીસ બનીને દાગીના તફડાવવા આવેલા ઠગને લાઠી વીંઝીને પકડાવી દીધો


પુષ્પાબહેન તેમની સોસાયટીમાંથી નીકળી રહ્યાં હતાં ત્યારે ઠગ અલી જાફરીએ તેમને જોયાં. તેના સાગરીતો ટૅક્સીમાં બેઠા હતા.


જાફરીએ પુષ્પાબહેનને મળીને પોતાનું આઇડેન્ડિટી કાર્ડ બતાવ્યું, એમ કહીને કે પોતે પોલીસ છે.

અલી જાફરીએ પુષ્પાબહેનને કહ્યું કે તમે અસુરક્ષિત વિસ્તારમાં છો, તમારી બંગડીઓ કાઢીને સુરક્ષિત મૂકી દો.


જ્યારે અલી જાફરીએ જબરદસ્તી કરી તો પુષ્પાબહેને તેના પર પોતાની લાઠી વીંઝી દીધી.

રાહદારીઓ આ ઘર્ષણ જોઈને મદદ માટે દોડી આવ્યા અને જાફરીને પકડાવી દીધો. તેના સાગરીતો ભાગી છૂટ્યા. ઇલસ્ટ્રેશન્સ : ઉદય મોહિતે


81-year-old Pushpaben. Pic/Rane Ashish

સૌરભ વક્તાણિયા

અમે પોલીસ છીએ એમ કહીને વૃદ્ધ મહિલાઓને રસ્તામાં લૂંટી લેતા લેભાગુઓને ગઈ કાલે દાદરનાં ૮૧ વર્ષનાં પુષ્પા ભલ્લાએ તેમની ચાલવાની લાકડીનો સ્વાદ ચખાડીને એમાંથી એક જણને પકડી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે.

ગઈ કાલે સવારે દસ વાગ્યે પુષ્પાબહેન દાદરના ડૉ. આંબેડકર રોડ પરથી હનુમાનના મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં ત્યારે આમ્બિવલીના ૪૮ વર્ષના અલી રઝા અઝીઝ જાફરીએ પુષ્પાબહેનને તેમના નિવાસસ્થાનથી થોડે દૂર ઊભાં રાખ્યાં હતાં. જાફરીએ પુષ્પાબહેનને હિન્દીમાં ખોટું આઇ-કાર્ડ બતાવીને કહ્યું હતું કે અમે પોલીસ ક્રાઇમ બ્રાન્ચમાંથી છીએ અને સિવિલ ડ્રેસમાં ફરીને આખા વિસ્તારમાં પૅટ્રોલિંગ કરીએ છીએ.

પુષ્પાબહેને આપેલી માહિતી મુજબ જાફરીએ તેમને કહ્યું હતું કે ‘આ બહુ જ સેન્સિટિવ એરિયા છે એટલે તમારા હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ કાઢીને મારી બૅગમાં મૂકી દો. એક વાર તમે જોખમી વિસ્તારમાંથી પસાર થઈ જાઓ એ પછી અમે તમને બીજા નાકે મળીશું અને તમારાં ઘરેણાં તમને પાછાં આપી દઈશું.’

તેનો દેખાવ જોઈને મને તેના પર શંકા ગઈ હતી એમ જણાવતાં પુષ્પાબહેને કહ્યું હતું કે મેં જાફરીને મને એકલી છોડી દેવા જણાવીને કહ્યું હતું કે મને કોઈના રક્ષણની જરૂર નથી, મારું રક્ષણ હું જાતે જ કરી લઈશ.

પુષ્પાબહેનની ચબરાક આંખોએ એ સમયે જાફરીની સાથે બીજા લોકો પણ છે એ જોઈ લીધું હતું. બીજા બે જણ નજીકમાં પાર્ક કરેલી એક ટૅક્સીમાં બેઠા હતા. એ વિશે જાણકારી આપતાં પુષ્પાબહેને કહ્યું હતું કે ‘જાફરી મને ફરીથી સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ હું ટસની મસ થઈ નહોતી. આમ છતાં તે મને ફોર્સ કરી રહ્યો હતો. હું મારી વાત પર મક્કમ રહીને તેની એક પણ વાત માનતી નહોતી. તેણે મારો હાથ પકડતાં જ મેં મારા હાથમાં રહેલી લાકડી તેને ત્રણથી ચાર વાર મારી હતી. આ જોઈને રોડની બીજી બાજુ બેઠેલો એક શાકવાળો અને બીજા રાહદારીઓ મારી મદદે આવ્યા હતા.’

ત્યાર પછીના બનાવની વાત કરતાં પુષ્પાબહેને કહ્યું હતું કે ‘જેવા રાહદારીઓએ જાફરીની પૂછપરછ શરૂ કરી એટલે તેને અંદાજ આવી ગયો કે આજે તેણે ખોટા માણસ સાથે પંગો લીધો છે. એટલે તે ભાગવા જતો હતો, પરંતુ રાહદારીઓએ તેને પકડી લીધો હતો. આ દરમ્યાન એક રાહદારીએ પોલીસ-કન્ટ્રોલમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી. પોલીસે આવીને તેની ધરપકડ કરી હતી.’

પુષ્પાબહેનના ૫૭ વર્ષના પુત્ર અને રેસ્ટોરાંના માલિક હરેન્દ્ર ભલ્લાએ તેમની મમ્મીની હિંમતનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘હું માની નથી શકતો કે મારી મા આ ઉંમરે આટલી હિંમત બતાવી શકે છે. મને તેના માટે પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે. તેની આ હિંમતમાંથી અમારે પણ શીખવું પડશે.’

પુષ્પાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું આખા બનાવમાં સહેજ પણ ડરી નહોતી. મેં હિંમતથી સામનો કર્યો હતો. મારી સાથે આવું ફરી બનશે ત્યારે પણ હું આવી જ હિંમત બતાવીશ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK