દાદરમાં બ્રિટિશ યુવતીનો વિનયભંગ થયો કે પછી તેને લૂંટી લેવાનો પ્રયાસ?

અંગ્રેજ કપલ કાલે વતન પાછું જવાનું હતું એને બદલે એક બદમાશને લીધે અટવાઈ ગયું
સુરેશ કે. કે. અને નેહા ત્રિપાઠી

શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં બાવીસ વર્ષની બ્રિટિશ યુવતી વિક્ટોરિયાએ (નામ બદલ્યું છે) ગઈ કાલે બપોરે સેક્સ્યુઅલ અસૉલ્ટની ફરિયાદ નોંધાવી હતી. તેણે તેની ફરિયાદમાં કહ્યું હતું કે દાદરના પ્લાઝા સિનેમાની સામે આવેલા વીર કોતવાલ ગાર્ડનમાં તેના ફ્રેન્ડ જિમી (નામ બદલ્યું છે) સાથે તે સમય પસાર કરી રહી હતી ત્યારે આરોપીએ પાછળથી અયોગ્ય રીતે તેની હાથ ફેરવ્યો હતો. જોકે સામા પક્ષે પોલીસનું કહેવું છે કે આરોપીનો ઇરાદો વિનયભંગનો નહીં પણ કાંઈક ઝૂંટવવાનો-ચોરી કરવાનો હતો.  

હમણાં થોડા વખતથી મુંબઈ આવેલાં વિક્ટોરિયા અને જિમી બન્ને ગઈ કાલે બ્રિટન પાછાં ફરવાનાં હતાં. જોકે તેમને એ માટે સાંજે ૬ વાગ્યાની ફ્લાઇટ પકડવા માટે ૩ વાગ્યે ઍરર્પોટ પર પહોંચવાનું હતું અને એથી સમય પસાર કરવા બન્ને જણ દાદરના પ્લાઝા સિનેમાની સામે આવેલા વીર કોતવાલ ઉદ્યાનમાં સમય પસાર કરી રહ્યાં હતાં. તેઓ ફોટો ક્લિક કરી રહ્યાં હતાં ત્યારે ૨૦ વર્ષનો આરોપી રાજુ કલાલ દોડતો તેમની તરફ આવ્યો હતો જે જિમીએ જોયું હતું. તે કાંઈ વિચારે એ પહેલાં તો રાજુએ વિક્ટોરિયાના નિતંબ પર હાથ ફેરવી દીધો હતો. વિક્ટોરિયાએ પણ ઑબ્જેક્શન લીધું હતું અને જિમીએ રાજુને પકડી લીધો હતો. તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. રાજુએ એ દરમ્યાન તેની પાસેના ચાકુથી જિમી પર વાર કરી દીધો હતો, જેને કારણે જિમીને અંગૂઠામાં ઈજા થઈ હતી અને તેને લોહી નીકળવા માંડ્યું હતું. આ જોઈને અન્ય લોકો તેમની મદદ કરવા દોડ્યા હતા અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટના બે પોલીસમેન પણ આવી પહોંચ્યા હતા. પોલીસે રાજુ કલાલને પકડી લીધો હતો અને તરત જ જિમીને મદદ કરી હતી.

પોલીસનું એમ કહેવું છે કે રાજુ કલાલનો વિનયભંગ કરવાનો ઇરાદો નહોતો, પણ તેણે યુવતી પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવવા માટે આમ કર્યું હતું. શિવાજી પાર્કના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પરશુરામ કક્કડે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિમીએ અમને વિક્ટોરિયાની છેડતી થઈ છે એવું નથી કહ્યું. અમને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આરોપી રાજુ કલાલ તે યુવતી પાસેથી કાંઈક ઝૂંટવવા માગતો હતો ત્યારે જિમીએ તેને જોયો એથી આરોપીએ તેનું ચાકુ કાઢ્યું હતું જેને કારણે જિમી ઘાયલ થયો હતો. અમે રાજુ કલાલ સામે જાણીજોઈને ઈજા પહોંચાડવી અને જાણીજોઈને અપમાન કરવા સંદર્ભે‍ ગુનો નોંધ્યો છે અને તેને એ વખતે દારૂ પીધો હતો કે નહીં એ જાણવા મેડિકલ ટેસ્ટ માટે મોકલાવ્યો છે. અમે મેડિકલ રિપોર્ટની રાહ જોઈએ છીએ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK