ઇંગ્લૅન્ડનું મિનીએચર વર્ઝન એટલે મારું માટુંગા

નાટકો અને સિરિયલોનો ઍક્ટર ધર્મેન્દ્ર ગોહિલ કહે છે...

માટુંગાની વાત જ અલગ છે. અહીંનું કલ્ચર, અહીંના બ્રૉડ રસ્તાઓ, અહીંનું વેધર અને અહીંની પરંપરા. માટુંગામાં જ મારો જન્મ થયો છે અને માટુંગામાં જ હું ભણ્યો છું. રુઇયા કૉલેજમાં મેં મારું ગ્રૅજ્યુએશન પૂરું કર્યું એ પછી મારી પાસે ઑપ્શન હતા કે હું સબર્બમાં શિફ્ટ થઈ શકું, પણ મારે જ માટુંગા છોડવું નહોતું. આજે પણ હું દરરોજ સવારના સબબ્ર્સમાં આવું છે. સિરિયલનું શૂટિંગ તો છેક નાયગાવમાં હોય તો મારે ટ્રાવેલ કરીને ત્યાં સુધી જવું પડે, પણ જ્યારે એ બધું કામ પૂરું કરીને હું પાછો માટુંગા આવતો હોઉં ત્યારે મને જબરદસ્ત શાંતિ મળે છે. એમાં પણ મૉન્સૂનના દિવસોનું માટુંગા તો જબરદસ્ત રોમૅન્ટિક થઈ જાય. આ દિવસોમાં જો તમે માટુંગા જુઓ તો તમને એ ઇંગ્લૅન્ડનું મિનીએચર વર્ઝન જ લાગે. ચારે તરફ ગ્રીનરી, ફૂલોની ખુશ્બૂ અને લાંબા બ્રિટિશ સ્થાપત્યના રસ્તાઓ.

માટુંગાની બીજી એક ખાસિયત એ છે કે એ આખા મુંબઈનું એક નાનું સ્વરૂપ પણ છે. માટુંગામાં તમને ગુજરાતી પણ મળે, પંજાબી પણ મળે, કૅથલિક સોસાયટી પણ છે, ટિપિકલ મરાઠી પરંપરા ધરાવતા લોકો પણ છે, રિસર્ચ કે સ્ટડી કરવા માટે આવેલા ફૉરેનર્સ પણ જોવા મળે અને પારસીઓ પણ જોવા મળે. મુંબઈનું એક પણ પરું આટલું વૈવિધ્ય ધરાવતું હોય એવું મેં તો જોયું નથી. બોરીવલી અને કાંદિવલીમાં તમને ગુજરાત દેખાય, પરેલ મહારાષ્ટ્રિયન લાગે, સાઉથ મુંબઈના કેટલાક વિસ્તારોમાં પંજાબીપણું દેખાય તો કેટલીક જગ્યાએ માત્ર પારસીઓ જ દેખાય; પણ માટુંગા એક જ એવું છે જે ટોટલી કૉસ્મોપૉલિટન રહ્યું છે.

કૉલેજના દિવસોમાં અમે રુઇયા કૉલેજ પાસે આવેલી મણિઝ નામની રેસ્ટોરાંમાં બહુ બેસતા હતા. એ અમારો ચિલ-આઉટ અડ્ડો હતો. આજે પણ અમે ફ્રેન્ડ્સ આ જગ્યાએ બેસીએ છીએ અને મજા કરીએ છીએ. મૈસૂર ઑડિટોરિયમની બાજુમાં આવેલી કૅફે મદ્રાસ અને કૅફે મૈસૂરની વાનગીઓની સુગંધ તો છેક રસ્તા પર પણ આવે. રુઇયા કૉલેજ અને પોદાર કૉલેજની વચ્ચે એક ગલી છે. અમે કૉલેજમાં હતા ત્યારે એ ગલીનું નામ કંઈ નહોતું, પણ આજે એનું નામ પ્રેમગલી પડી ગયું છે. આ નામ અમે સ્ટુડન્ટ્સે પાડ્યું હતું. આ પ્રેમગલીમાં છોકરાઓ-છોકરીઓની ભીડ હોય અને છતાં કોઈ એકબીજાની સામે જોયા વિના પોતાના પાર્ટનર સાથે ગુટરગુ કરવામાં વ્યસ્ત હોય. પ્રેમગલીના ખૂણા પર સિનિયર સ્ટુડન્ટ્સ ઊભા હોય, જેથી અંદર બેઠેલાં છોકરાઓ-છોકરીઓને કોઈ હેરાન કરવા ન આવે. આ પ્રેમગલીમાં મળેલાં અને પ્રેમમાં પડેલાં અનેક કપલના ઘરે આજે બચ્ચાંઓ રમે છે.

માટુંગાનું મને જો કંઈ ન ગમતું હોય તો એ અહીંનું રીડેવલપેમન્ટ છે. રીડેવલપમેન્ટના નામે માટુંગામાં જે નાના બંગલાઓ અને નાની સાઇઝના અપાર્ટમેન્ટ્સ હતા એ હવે ખતમ થઈ રહ્યા છે. હવે માટુંગામાં ઠેર-ઠેર વીસ-પચીસ માળનાં બાંધકામો શરૂ થઈ ગયાં છે. મારું ઘર એશિયન બિલ્ડિંગમાં આવ્યું છે જે સ્ટેશનની સામે છે. એક સમયે મને મારા અપાર્ટમેન્ટમાંથી આસાનીથી એક કિલોમીટર દૂરનો નઝારો જોવા મળતો હતો, પણ હવે માંડ હજાર ફૂટ દૂર જોઈ શકાય છે. માટુંગામાં આજે પણ બીજાં સબબ્ર્સ કરતાં અનેકગણી વધારે ગ્રીનરી છે, પણ જો રીડેવલપમેન્ટના નામે કૉન્ક્રીટનું જંગલ ઊભું થતું રહ્યું તો બહુ ઝડપથી એની બ્યુટી ખતમ થઈ જશે અને બ્યુટી માટે માટુંગામાં ટકી રહેલા લોકો પણ માટુંગા છોડવાનું વિચારવા લાગશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK