ઇન્ટરનેટ કેબલે ખોરવી નાખી મોનોરેલની સર્વિસ

વાયર કાપવા માટે ફાયર-બ્રિગેડની મદદ લેવી પડી : બીજી ફેરીમાં પણ પ્રૉબ્લેમ થયો : પૅસેન્જરો એક કલાકથી વધુ સમય મોનોરેલમાં જ ફસાયા

MONO RAILરોહિત પરીખ


ચેમ્બુર અને વડાલા વચ્ચે લગભગ દસ મહિના પછી શનિવારે ફરી શરૂ થયેલી મોનોરેલને ગઈ કાલે પ્રાઇવેટ કેબલ ઑપરેટરના ઇન્ટરનેટના વાયરનું ગ્રહણ લાગ્યું હતું. એક વાર ફાયર-બ્રિગેડે કેબલના વાયરો કાપી નાખીને મોનોરેલ શરૂ કર્યા પછી ફરીથી એ જ જગ્યાએ મોનોરેલ ફરીથી અટકી પડી હતી. આથી મોનોરેલમાં રવિવાર રજાના મૂડમાં મુસાફરી કરી રહેલા પૅસેન્જરોએ હાલાકી ભોગવવી પડી હતી.

ગઈ કાલે બપોરે ૨.૨૫ વાગ્યે ચેમ્બુરનાકા પાસે વડાલાથી આવી રહેલી મોનોરેલના ટાવરમાં હવામાં લટકતા પ્રાઇવેટ કેબલ ઑપરેટરના ઇન્ટરનેટના કેબલના વાયર ફસાઈ ગયા હતા. આ વાયર કાઢવા માટે ફાયર-બ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયર-બ્રિગેડ આવ્યા પછી ફાયર-બ્રિગેડના જવાનોએ લાંબી સીડીનો ઉપયોગ કરીને કેબલના વાયરો કાપી નાખ્યા હતા. આ આખી પ્રક્રિયામાં અંદાજે એક કલાક સુધી મોનોરેલને બંધ રાખવી પડી હતી. ત્યાર બાદ પણ મોનોરેલને કેબલના વાયરોનું ગ્રહણ દૂર થયું નહોતું. આ બાબતની માહિતી આપતાં મોનોરેલમાં મુસાફરી કરી રહેલા એક પૅસેન્જરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોનોરેલ ચેમ્બુર પહોંચીને પાછી વડાલા તરફ જવા નીકળી હતી ત્યારે ફરીથી ઇન્ટરનેટના બીજી બાજુના વાયરોએ મોનોરેલને રોકી દીધી હતી. જોકે બીજી વખતે વડાલા જતી મોનોરેલને પાછી ચેમ્બુર પાછી લઈ જવામાં આવી હતી. એને લીધે પૅસેન્જરોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી. અમારી હાલત એવી હતી કે અધવચ્ચે અટકેલી મોનોરેલમાંથી અમે નીચે ઊતરવામાં પણ અસમર્થ હતા. એટલે અમારે નાછૂટકે મોનોરેલમાં જ બેઠા રહેવું પડ્યું હતું. આ બનાવો પછી પણ કોઈ ટેક્નિકલ ખામીને કારણે મોનોરેલની સર્વિસને બંધ કરવામાં આવી હતી જે અંદાજે એક કલાક પછી શરૂ થઈ હતી.’

આ બનાવ પછી મોનોરેલની સર્વિસને થોડો સમય બંધ રાખવી પડી હતી એનું કારણ આપતાં પ્પ્ય્Dખ્ના ડેપ્યુટી કમિશનર દિલીપ કવઠકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવો પછી એક મોનોરેલમાં ટેક્નિકલ ખામી સર્જાતાં અમારે થોડી વાર માટે સર્વિસ બંધ કરવી પડી હતી, જે ખામી દૂર થયા પછી અમે તરત જ શરૂ કરી દીધી હતી.’
આ પહેલાં નવેમ્બર-૨૦૧૭માં મૈસૂર કૉલોની સ્ટેશન પર મોનોરેલમાં અચાનક આગ લાગવાથી મોનોરેલની સર્વિસ MMRDAએ દસ મહિના માટે બંધ કરી દીધી હતી. દસ મહિના પછી હજી શનિવારથી આ સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી છે. ત્યાં જ ગઈ કાલે આ રેલ-સર્વિસ ફરીથી કલાકો માટે અટકી પડી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK