દાદરમાં ટિળક બ્રિજને કનેક્ટેડ બ્રિજ તોડી પાડતા પૅસેન્જરો પરેશાન

મુસાફરોએ હવે પ્લૅટફૉર્મ-નંબર પાંચ અને છ પર પહોંચવા માટુંગાથી દાદરનું ચક્કર લગાવવું પડશે



બકુલેશ ત્રિવેદી

વેસ્ટર્ન રેલવેમાંથી ગુજરાત તરફ જતી લાંબા અંતરની ટ્રેનો પકડવા સામાન સાથે વાહન દ્વારા બાય રોડ દાદર આવતા પૅસેન્જરોએ હવે દાદરના લાંબા અંતરનાં પ્લૅટફૉર્મ-નંબર પાંચ અને છ પર પહોંચવા માટુંગાથી દાદરનું ચક્કર લગાવવું પડશે. 

દાદર વેસ્ટર્નમાં લાંબા અતરની ટ્રેનો પ્લૅટફૉર્મ-નંબર પાંચ અને છ પર આવે છે. ફૅમિલી સાથે અને લગેજ કૅરી કરવાનું હોવાથી અનેક લોકો દાદરના એ પ્લૅટફૉર્મ સુધી પહોંચવા બાય રોડ ટૅક્સી કરીને કે પછી પોતાનાં વાહનોમાં આવતા હોય છે. ગયા અઠવાડિયા સુધી દાદર વ્વ્ અને દાદર-વેસ્ટને જોડતા ટિળક બ્રિજ પરથી ત્યાં પહોંચવા કનેક્ટેડ બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હતો એ હવે તોડી પાડવામાં આવ્યો છે. પહેલાં આ બ્રિજને કારણે સેન્ટ્રલ સાઇડથી આવતા પૅસેન્જરો દાદર પ્લાઝા પાસેથી યુ-ટર્ન લઈ તિલક બ્રિજને કનેક્ટેડ એ બ્રિજ પરથી પ્લૅટફૉર્મ સુધી પહોંચતા હતા અને વેસ્ટર્ન લાઇનના લોકો પણ એ કનેક્ટેડ બ્રિજનો ઉપયોગ કરતા હતા.

જોકે હવે એ બ્રિજ તોડી પાડવામાં આવતાં પૅસેન્જરોએ વેસ્ટર્ન રેલવેના માટુંગા રોડ સુધી તેમનાં વાહનો લઈ જઈ માટુંગા રેલવે ક્વૉર્ટર્સના રસ્તે થઈ દાદર આવવું પડશે. ઘણા લોકોને આ રસ્તાની જાણ ન હોવાથી તેમને મુશ્કેલી પડી રહી છે, જ્યારે ટૅક્સી લેતા પૅસેન્જરોને સ્ટેશન પહોંચવામાં મોડું થાય છે અને ટૅક્સીનું ભાડું પણ વધુ ચૂકવવું પડી રહ્યું છે.

આ બાબતે સાઇટ પર કામ કરી રહેલા કૉન્ટ્રૅક્ટરના સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘નવો બ્રિજ બની રહ્યો છે, પણ એ બનતાં હજી દોઢ વર્ષનો સમય સહેજે લાગી શકે એમ છે. ત્યાં સુધી લોકોને હાડમારી ભોગવવી પડશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK