ટૅક્સીવાળાઓનું ભીખ માગવાનું આંદોલન રંગ લાવ્યું

દાદર અને મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશનો પર ૧૮ નવેમ્બરે ૩૦૦ જેટલા ટૅક્સીવાળાઓએ સવારે દસ વાગ્યાથી ભીખ માગવાના દેખાવો કર્યા એ રંગ લાવ્યા છે અને રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ટૅક્સી-સ્ટૅન્ડ વધારવાનો નિર્ણય કર્યો છે. ટૅક્સી-સ્ટૅન્ડની માગણી સરકાર સંતોષતી ન હોવાથી ટૅક્સીવાળાઓ ભીખ માગવાના દેખાવો કરીને સરકારને જગાવવા માગે છે એ સંબંધી એક અહેવાલ ૧૮ નવેમ્બરે ‘મિડ-ડે’માં છપાયો હતો.


ખરેખર ટૅક્સીવાળાઓએ દાદર અને મુંબઈ સેન્ટ્રલ રેલવે-સ્ટેશન પર ટૅક્સી-સ્ટૅન્ડ માટે લોકો સમક્ષ ભીખ માગી હતી એના પગલે ૨૦ નવેમ્બરે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને ટૅક્સી યુનિયનો વચ્ચે બેઠક થઈ હતી જેમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ટૅક્સીવાળાઓની સ્ટૅન્ડની માગણી સંતોષવા માટે સંમત થયો હતો. ડિપાર્ટમેન્ટે ગઈ કાલે કહ્યું હતું કે આ પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે અને ટૅક્સી-સ્ટૅન્ડ માટે ટેન્ડરો બહાર પાડવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા સુધરાઈને કહી દેવામાં આવ્યું છે.

ટેક્સીમેન્સ યુનિયનના નેતા એ. એલ. ક્વૉડ્રોસે કહ્યું હતું કે ‘અમને વચન આપવામાં આવ્યું હતું કે રાજ્યના આગામી બજેટમાં આ માટે ૬૦ લાખ રૂપિયા ફાળવવામાં આવશે. હવે અમે સુધરાઈ સાથે પણ બેઠક કરીશું.’

હાલમાં મેટલ ફ્રેમ અને પેઇન્ટેડ પોલવાળાં ૨૪૨ ટૅક્સી-સ્ટૅન્ડ ઊભાં કરવા માટે એક સ્ટૅન્ડદીઠ ત્રણેક હજાર રૂપિયાનો ખર્ચ આવી શકે છે. જોકે શહેરમાંથી ૧૨૦૦ જેટલાં ટૅક્સી-સ્ટૅન્ડ (ના, આવાં બોર્ડ) કાં તો ચોરાઈ ગયાં છે અને અથવા તો ડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે એને નુકસાન થયું હોવાથી સરવાળે ભૂંસાઈ ગયાં છે એવો દાવો ટૅક્સી યુનિયનોનો છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK