દાદરના સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ત્રિદશાબ્દી મહોત્સવ

હજારો ભાવિકોએ મહાપૂજા, પાટોત્સવ વિધિ અને સાંસ્કૃતિક દિનની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો

ત્રિદશાબ્દી મહોત્સવ નિમિત્તે શણગારવામાં આવેલું દાદરનું સ્વામિનારાયણ મંદિર.


મંગળવારે દાદરના સ્વામિનારાયણ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી થઈ રહેલી ૩૩ કળશની પૂજા. એ પછી એમાં રહેલાં જળ અને અન્ય દ્રવ્યોથી મંદિરની તમામ મૂર્તિઓ પર અભિષેક કરવામાં આવ્યો હતો.

વડાલાના ભક્તિ પાર્કમાં મહોત્સવના પહેલા દિવસે રવિવારે બનાવવામાં આવેલા વિશાળ સ્ટેજ પર ર્કીતન રજૂ કરી રહેલા યુવાનો.મંગળવારે અભિષેક બાદ ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ અને રાધા-કૃષ્ણની મૂર્તિઓને શણગાર કરવામાં આવ્યો હતો.વડાલાના ભક્તિ પાર્કમાં રવિવારે યોજાયેલી મહાપૂજામાં ૩૦૦૦ કપલોએ ભાગ લીધો હતો.બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના દાદર (ઈસ્ટ)માં આવેલા સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ત્રીસ વર્ષ પહેલાં ૧૯૮૩માં પ્રમુખસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવી હતી અને એથી આ મંદિરના ત્રિદશાબ્દી મહોત્સવની ઉજવણી માટે ત્રણ દિવસનો કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિના સમન્વય વડે ઊજવવામાં આવ્યો હતો. પહેલી અને બીજી ડિસેમ્બરે વડાલાના ભક્તિ પાર્કમાં સાંસ્કૃતિક દિવસ અને મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે મંગળવારે ત્રીજા દિવસે મંદિરમાં પાટોત્સવ વિધિ સંસ્થાના વરિષ્ઠ સંતોના હસ્તે પાર પડી હતી.

આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં ત્યાગવલ્લભસ્વામીએ કહ્યું હતું કે ‘૧૯૬૧માં યોગીજી મહારાજે દાદરમાં અક્ષર ભવન અને સત્સંગ હૉલ બનાવ્યો હતો અને એમાં રવિવારે સભા યોજાતી હતી. એ સમયે ગેટવે ઑફ ઇન્ડિયાના ઘુમ્મટ નીચે જળઝીલણી જેવા કાર્યક્રમો થતા હતા.’

મંદિરો સમાજમાં શા માટે ઉપયોગી છે એ વિશે બોલતાં ડૉક્ટર સ્વામીએ જણાવ્યું હતું કે ‘મંદિરો બ્રહ્મવિદ્યાની કૉલેજો છે. આવી બ્રહ્મવિદ્યા ભણનારા અનેક મહાન કાર્યો કરી શકે છે. પ્રમુખસ્વામી મહારાજ માત્ર છઠ્ઠા ધોરણ સુધી જ ભણ્યા છે, પણ તેમણે અનેક મંદિરો બનાવ્યાં છે અને તમામનો ઇતિહાસ પણ અજોડ છે.’

આ મહોત્સવના પહેલા દિવસે સંસ્થાનાં મુંબઈ બાલ યુવક અને સત્સંગ મંડળોએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં આશરે ૧૫,૦૦૦થી વધુ હરિભક્તોએ હાજરી આપી હતી. બીજા દિવસે ૩૦૦૦ કપલોએ મહાપૂજામાં ભાગ લીધો હતો. તમામ લોકોની ઇચ્છાઓ પૂરી થાય એ માટે આ મહાપૂજા કરવામાં આવી હતી. મંગળવારે દાદરના સ્વામિનારાયણ મંદિરમાં ૩૩ કળશની પૂજા કરવામાં આવ્યા બાદ નીલકંઠવર્ણી મૂર્તિ સહિત મંદિરની તમામ મૂર્તિઓ પર ખાસ અભિષેક પણ કરવામાં આવ્યો હતો અને પછી મૂર્તિઓને શણગારવામાં આવી હતી.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK