દાદરમાં સ્ટેશનના વિસ્તારમાં અતિશય ગંદકીનું સામ્રાજ્ય

સુધરાઈ તો રોજ કચરો ઉપાડે છે, પરંતુ ફેરિયાઓ અને પાનવાળાને કારણે ગંદકી થતી હોવાની લોકોની ફરિયાદદાદર-વેસ્ટમાં સ્ટેશનની બહાર કામત હોટેલથી સાઉથ મુંબઈ તરફ જતા સાંકડા રસ્તા પર એટલી ગંદકી થાય છે કે પ્રવાસીઓ અને રાહદારીઓનું ત્યાંથી ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. સ્ટેશન પાસે થતી ગંદકીને કારણે વાસ આવે છે અને લોકોએ કચરા પરથી અથવા પાન ખાઈને થૂંકેલા ગંદા પરિસરમાંથી જવું પડે છે. સુધરાઈના અધિકારી સાથે વાત કરતાં તેમણે રોડ પરથી રેગ્યુલર કચરો ઉપાડતા હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિક દુકાનદાર પ્રકાશ પટેલે આ વિશે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું મનીષ માર્કેટમાં હોલસેલનો ધંધો કરું છું અને રોજ ટ્રેનથી ટ્રાવેલ કરતો હોવાથી આ જ રસ્તા પરથી પસાર થાઉં છું. અહીંથી દાદર-વેસ્ટમાં જવા માટે શૅર-અ-ટૅક્સીઓ ઊભી રહે છે. આ રસ્તા પર વાહનો તેમ જ લોકોની અવરજવર વધુ હોવાથી અને રસ્તો સાંકડો હોવાથી ભીડ રહે છે. એવામાં ગંદકી હોવાથી લોકો ત્યાંથી ચાલવાનું ટાળે છે, પરંતુ ભીડના સમયે કોઈ વિકલ્પ ન રહેતાં અને ઉતાવળ હોવાથી લોકો ત્યાંથી ચાલે છે અને પડે પણ છે. સુધરાઈ અહીંથી કચરો તો રોજ ઉપાડે છે, પરંતુ ફેરિયાઓને કારણે કચરો હંમેશાં રહે છે. અમુક ફેરિયાઓ કચરાપેટી રાખે છે, પરંતુ અહીં પાનની દુકાન હોવાથી દુકાને આવનારા પાન ખાઈને સામેની જ દીવાલ પર થૂંકે છે અને એને કારણે ગંદકી થાય છે.’

ત્યાંથી પસાર થઈ રહેલા પ્રવાસી અનંત યાદવે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં પાન ખાઈને થૂંકતા લોકોને કારણે ગંદકી થાય છે અને એના પર દુકાનદાર પાણી નાખે છે. આમ પરિસર ચીકણો અને ભીનો થતો હોવાને કારણે ઘણી વાર ઉતાવળમાં ટૅક્સી પકડતી વખતે સ્લિપ થઈને પડી જવાય છે. હું આ પહેલાં બે વાર સ્લિપ થયો છું અને પાનવાળાને પાણી નાખવાની ના પણ પાડી છે, પરંતુ પાનવાળો એકનો બે થવા તૈયાર નથી. આમ અહીં કચરો અને ગંદકીને કારણે વિસ્તાર ગંદો રહે છે.’

સુધરાઈના અધિકારીએ નામ ન આપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે રેગ્યુલર કચરો ઉપાડીએ છીએ. સ્ટેશનનો વિસ્તાર ભીડભાડવાળો હોવાને કારણે પ્રવાસીઓ જ પરિસર ગંદો કરે છે. જો તેઓ સફાઈમાં અમને સર્પોટ કરશે તો પરિસર ગંદો થશે જ નહીં.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK