દાદર સ્ટેશન બ્લડ ડોનેશન માટે હૉટ ફેવરિટ

બ્લડ ડોનેશનના ઉમદા હેતુ માટે દાદર સ્ટેશન અનેક સંસ્થાઓનું માનીતું રહ્યું છે. લાખો લોકોની અવરજવરવાળા દાદર સ્ટેશન પર વચ્ચેના મોટા બ્રિજને જોડનારા ટિકિટ-વિન્ડો કાઉન્ટરની સામેની વિશાળ ઓપન સ્પેસમાં સંસ્થાઓ બ્લડ બૅન્કની મદદથી બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરતી હોય છે અને એમને મોટા ભાગે સારો રિસ્પૉન્સ મળતો હોય છે.


નાયર હૉસ્પિટલના કાન્તિલાલ ભંવરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મોટી સંખ્યામાં લોકોની અહીં અવરજવર હોવાથી લોકોનું બ્લડ ડોનેશન તરફ ધ્યાન ખેંચી શકાય છે. વૉલન્ટિયર્સ દ્વારા પણ લોકોને માહિતી આપવામાં આવતાં ઘણા લોકો બ્લડ ડોનેશન કરવા તૈયાર થઈ જતા હોય છે. એમ છતાં નિયમ મુજબ વજન અને હીમોગ્લોબિનનો રેટ નક્કી થયા બાદ અને જો વ્યક્તિ સ્વસ્થ હોય તો જ તેનું બ્લડ અમે લેતા હોઈએ છીએ. જનરલી બીજા લોકોને બ્લડ ડોનેશન કરતા જોઈને લોકો બ્લડ ડોનેશન કરવા આગળ આવતા હોય છે. દાદર સ્ટેશન પર અમને હંમેશાં સારો રિસ્પૉન્સ મળતો હોય છે.’  

મંગળવારે ત્યાં નાયર હૉસ્પિટલની મદદથી લાયન્સ ક્લબ જુહુ દ્વારા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જુહુની સી. યુ. શાહ કૉલેજ ઑફ ફાર્મસી અને સાનપાડાની ઓરિયેન્ટલ કૉલેજ ઑફ ફાર્મસીના ૩૦ જેટલા સ્ટુડન્ટ્સ દ્વારા સેવા આપવામાં આવી હતી. એ સિવાય નાયર હૉસ્પિટલની બ્લડ બૅન્કના ડૉક્ટરો અને ટેક્નિશ્યનની ૧૮ જણની ટીમે આ કૅમ્પમાં સહયોગ આપ્યો હતો. સવારના દસથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી ચાલેલા આ કૅમ્પમાં ૧૬૧ બૉટલ બ્લડ જમા થયું હતું. 


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK