દાદર સ્ટેશનની ૧૩૬ કરોડ રૂપિયાના ખર્ચે થશે કાયાપલટ

એસ્કેલેટર, એલિવેટેડ રોડ, બસ-ટર્મિનસ માટે જગ્યા અને હૉકર-ફ્રી એન્ટ્રી-પૉઇન્ટ જેવી સુવિધાઓ સાથે એને આલીશાન બનાવવામાં આવશે


સ્ટેશન સુધી પહોંચવા એલિવેટેડ રસ્તાઓ, એકબીજા સાથે જોડાયેલા ઇન્ટર્નલ ફૂટઓવર બ્રિજ, પ્લૅટફૉર્મની ઉપર આવેલા મિની મૉલ, દરેક એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પર એસ્કેલેટર અને સ્વૅન્કી ટિકિટ-કાઉન્ટર્સને કારણે જાણે ઍરર્પોટ પર આવી ગયા હોઈએ એવી અનુભૂતિ દાદર સ્ટેશન પર થોડા વખતમાં થશે. મુંબઈના બહુ જ ગીચ રેલવે-સ્ટેશન દાદરનું નૂતનીકરણ આ વર્ષમાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

દાદર સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેને જોડતું મહત્વનું સ્ટેશન છે. એના નાના દાદરા, ક્યારેય પૂરી ન થતી ટિકિટોની લાઇનો અને ફેરિયાઓ દ્વારા પચાવી પાડેલી એક્ઝિટની જગ્યાને કારણે અત્યારે પૅસેન્જરોએ ભારે હાડમારી ભોગવવી પડે છે. નવા પ્લાન મુજબ દાદર સ્ટેશન તરફ આવતી ટૅક્સીઓ અને અન્ય વાહનો માટે એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. આ રોડ દાદર (ઈસ્ટ)માં સ્વામિનારાયણ મંદિર સામે બનાવવામાં આવશે. આ ઉપરાંત એકબીજાને જોડતા એવા ૧૬,૧૫૦ સ્ક્વેર મીટર લાંબા ઇન્ટર-કનેક્ટેડ ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવશે. એ સિવાય પ્લૅટફૉર્મની ઉપર ૧૯૫૫ સ્ક્વેર ફીટ જગ્યા દુકાનો માટે ફાળવવામાં આવશે. એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે કે સ્ટેશન પર ગેરકાયદે ફેરિયાઓ અડ્ડો ન જમાવે. ખુશીની વાત એ છે કે પ્લૅટફૉર્મ અને એન્ટ્રી તથા એક્ઝિટ પૉઇન્ટ મળીને કુલ ૨૭ એસ્કેલેટર ત્યાં મૂકવામાં આવશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK