દાદર રેલવે-સ્ટેશનને ઉડાવી મૂકવાની ધમકી

વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેમાં સૌથી વધુ ભીડવાળા ગણાતા દાદર સ્ટેશનને ઉડાવી મૂકવાના ધમકીભર્યા ફોને ગઈ કાલે રેલવે-પોલીસ સહિત સિટી પોલીસને દોડતી કરી મૂકી હતી.


ગઈ કાલે પીક-અવર્સમાં સવારે રેલવે-પોલીસની સાથે ડૉગ-સ્ક્વૉડ, બૉમ્બ-સ્ક્વૉડ અને મુંબઈ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને તપાસ હાથ ધરી હતી; પણ કંઈ હાથ લાગ્યું નહોતું.

દાદર રેલવે-પોલીસના સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે પુણેની રેલવે-પોલીસની ઑફિસમાં એક નનામો ફોન આવ્યો હતો, જેમાં દાદર સ્ટેશનને સાંજ સુધીમાં બૉમ્બથી ઉડાવી મૂકવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. પુણે પોલીસે તરત રેલવે કન્ટ્રોલને ફોન કરી જાણ કરતાં તાબડતોબ ડૉગ-સ્ક્વૉડ, બૉમ્બ-સ્ક્વૉડ સહિત તમામ ટુકડીઓ દાદર સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને દાદર સ્ટેશનનાં તમામ પ્લૅટફૉર્મની તપાસ કરી હતી; પણ કંઈ હાથ લાગ્યું નહોતું. જોકે આ ફોનને હળવાશથી લેવાને બદલે ગઈ કાલે મોડે સુધી દાદર પર ભારે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.’

આ દરમ્યાન પુણે રેલવે-પોલીસને ફોન કરી બધાને હેરાન લેનારા અજાણ્યા શખસને પુણે પોલીસે મોડેથી પકડી પાડ્યો હતો અને પૂછપરછ હાથ ધરી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK