દાદર-માટુંગામાં વૃક્ષ પડ્યાં એમાં મોટરો કચડાઈ અને સ્ટ્રીટ-લાઇટ પણ તૂટી ગઈ

દાદર-વેસ્ટના ગોખલે રોડ પર આવેલું એક વૃક્ષ રવિવારે મોડી રાત્રે અને માટુંગા સેન્ટ્રલના મહેશ્વરી ઉદ્યાન પાસે આવેલું એક વૃક્ષ મંગળવારે સવારે ઢળી પડ્યું હતું. આ બન્ને ઘટનામાં સદ્નસીબે કોઈને ઈજા પહોંચી નહોતી, પરંતુ આ વૃક્ષોની નીચે પાર્ક કરેલી કાર પર આ વૃક્ષો પડવાથી કારને ઘણું નુકસાન થયું હતું. મૉન્સૂનને કારણે આ વૃક્ષો નબળાં થઈ ગયાં હોવાથી પડી ગયાં હોવાનું સુધરાઈના અધિકારીઓએ કહ્યું હતું.



દાદર-વેસ્ટના ગોખલે રોડના રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વૃક્ષ પડી જતાં સ્ટ્રીટ-લાઇટ તૂટી ગઈ અને અમુક કાર પણ કચડાઈ ગઈ તથા અહીંનાં અમુક બિલ્ડિંગની પાણીની પાઇપલાઇન પણ ફૂટી જતાં ઘણું પાણી વેડફાઈ ગયું હતું. જોકે સુધરાઈએ આ પાઇપલાઇન વહેલી સવારે રિપેર કરાવી લીધી હતી.’

માટુંગા સેન્ટ્રલના મહેશ્વરી ઉદ્યાન પાસે રહેતા રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વૃક્ષ મંગળવારે સવારે લગભગ ૧૧ વાગ્યે પડ્યું હતું અને એ સમયે સ્કૂલનાં બાળકો અને મહિલાઓ તથા સિનિયર સિટિઝનો પણ આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતાં. આ વૃક્ષ રસ્તા તરફ પડવાથી એ કાર પર પડ્યું હતું, પણ જો આ વૃક્ષ ફૂટપાથ પર પડ્યું હોત તો કોઈકનો જીવ ગયો હોત.’

સુધરાઈના અધિકારીઓએ આ વૃક્ષની ઘટના બાબતે કહ્યું હતું કે ‘અમે હાલમાં દરેક વૃક્ષોની તપાસ કરી રહ્યા છીએ અને દરેક જોખમી વૃક્ષની તપાસ કરીને કાર્યવાહી કરી રહ્યા છીએ. આ વૃક્ષો ફંગસ અટૅકને કારણે નબળાં થઈ ગયાં હશે અને એને કારણે ઢળી પડ્યાં હશે એવો અમને અંદાજ છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK