દાદરના વેપારીઓએ ટૉઇલેટની પરેશાનીથી કંટાળી સુધરાઈના કમિશનરને લીગલ નોટિસ મોકલી

ટૉઇલેટ ૩૦ દિવસમાં બાંધી આપવાની માગણી કરી : એવું ન થયું તો સુધરાઈ સામે રિટ પિટિશન ફાઇલ કરશે


દાદરના રાનડે રોડ પર આવેલા સુધરાઈના સ્વાતંત્ર્યવીર સાવરકર માર્કે‍ટના વેપારીઓના અસોસિએશને છેલ્લા નવ મહિનાથી તોડી પાડવામાં આવેલા માર્કે‍ટના ટૉઇલેટને કારણે ભોગવવી પડતી મુશ્કેલીને ઉકેલવા હવે સુધરાઈ કમિશનર સીતારામ કુન્ટેને લીગલ નોટિસ મોકલી છે અને વહેલી તકે એ ટૉઇલેટ બનાવી આપવામાં આવે એવી માગણી કરી છે. 

ટૉઇલેટ તોડી પાડવામાં આવ્યું હોવાના આ મુદ્દે માર્કે‍ટના વેપારીઓના અસોસિએશન સ્વાતંત્ર્યવીર સાવરકર મંડઈ પુનર્વિકાસ સમિતિ દ્વારા સુધરાઈ કમિશનરને નોટિસ મોકલી એ ટૉઇલેટ ૩૦ દિવસમાં બાંધી આપવાની માગણી કરી છે એમ જણાવતાં એના પ્રમુખ સુદર્શન સદાનંદ મંડલિકે કહ્યું હતું કે જો સુધરાઈ કમિશનર આ બાબતને ગંભીરતાથી નહીં લે તો અમે સુધરાઈ સામે રિટ પિટિશન ફાઇલ કરીશું.

અસોસિએશનના ઍડ્વોકેટ આનંદ ઉપાધ્યાયે આ વિશે કહ્યું હતું કે ‘સુધરાઈના કમિશનરે તરત જ જવાબદાર ડિપાર્ટમેન્ટને આ બાબતે પગલાં લેવાનું જણાવી એક મહિનાના સમયમાં ટૉઇલેટ બનાવી આપવું જોઈએ. કમિશનરે ચોક્કસ સમયગાળામાં આ ટૉઇલેટ ઑપરેટિંગ માટે બિડ મગાવવી જોઈએ અથવા એના પે ઍન્ડ યુઝ બેસિસના ઑપરેશન માટે અને રીકન્સ્ટ્રક્શન માટે  ટેન્ડર બહાર પાડવાં જોઈએ. એ ઉપરાંત તેમના જ માર્કે‍ટ ડિપાર્ટમેન્ટના ઑફિસરો સામે તેઓ ફરજ ચૂક્યા હોવાને કારણે પગલાં લેવાં જોઈએ.’

સુધરાઈ દ્વારા દાદર માર્કે‍ટમાં એ ટૉઇલેટ બનાવવામાં આવ્યું હતું અને એક સંસ્થાને ચલાવવા આપ્યું હતું. એના મેઇન્ટેનન્સ માટે એ સંસ્થા યુઝર્સ પાસેથી નૉમિનલ ચાર્જ લઈ શકે એવી ગોઠવણ કરવામાં આવી હતી. જોકે ૨૦૧૩ના જૂન મહિનામાં સુધરાઈના ઞ્ વૉર્ડના ઑફિસરે નોંધ્યું કે એની કન્ડિશન બહુ જ જર્જરિત થઈ ગઈ છે એટલે એ વિશે રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. એ પછી ટૉઇલેટની છત તોડી પાડવામાં આવી હતી અને એને અંદરથી તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે એનું બહારનું માળખું એમનું એમ રાખવામાં આવ્યું હતું જેને કારણે એનો વપરાશ થઈ શકે એમ નહોતો. અત્યારે વેપારીઓએ ડિસિલ્વા રોડ પર આવેલા અન્ય માર્કે‍ટના ટૉઇલેટમાં જવું પડે છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK