ફેરિયાઓના ત્રાસથી લાચાર લોકો કરે તો શું કરે?

દાદર હોય, માટુંગા હોય કે સાયન; બધે જ પ્રૉબ્લેમ


દાદર અને સાયન સ્ટેશનની બહાર પથારો કરીને બેસી ગયેલા ફેરિયાઓથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ત્રાસી ગયા છે એટલું જ નહીં, માટુંગાની ગાંધી માર્કેટની બહાર ફેરિયાઓ દાદાગીરીથી ફૂટપાથ પર કબજો કરીને બેસતા હોવાથી લોકોએ ભારે હાલાકી વેઠવી પડે છે. ફેરિયાઓને હટાવવા સુધરાઈએ અનેક પ્રયાસ કર્યા છતાં એ નિષ્ફળ રહે છે.

આ બાબતે માહિતી આપતાં સાયનમાં રહેતા મનીષ શેઠે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સાયન સ્ટેશનની બહાર બેસેલા ફેરિયાઓને લીધે ફૂટપાથ પર ચાલવાની જગ્યા ખૂબ સાંકડી થઈ જાય છે. લોકો ફૂટ ઓવર બ્રિજનો વપરાશ પણ કઈ રીતે કરે? દાદરા પાસે જ ફેરિયાઓ પોતાનો સામાન ગોઠવી દેતા હોવાથી બ્રિજ પર ચડવું મુશ્કેલ થઈ જાય છે. એટલેસ્તો બ્રિજનો વપરાશ કોઈ કરતું નથી.’

 દાદર સ્ટેશન નજીકના એક દુકાનદારે કહ્યું હતું કે ‘ગયા ૨૫ દિવસ પહેલાં સુધરાઈએ ફેરિયા હટાવ ઝુંબેશ ચલાવી હતી. સુધરાઈએ કાર્યવાહી કરતાં ૩-૪ દિવસ ફેરિયાઓ ગાયબ હતા, પણ પાંચમા દિવસે ફરી ગોઠવાઈ ગયા હતા. આ ફેરિયાઓને હટાવવા કોઈ કડક કાયદો લાવવો પડશે, અન્યથા આ ફેરિયાઓ હટશે નહીં. ફેરિયાઓની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે.’

માટુંગાની ગાંધી માર્કેટની બહાર ફૂટપાથ પરથી પસાર થતી નિકિતા ગણાત્રા નામની યુવતીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લગભગ મારે દરરોજ આ ફૂટપાથ પરથી જવાનું થાય છે. અહી ધંધો કરતા ફેરિયાઓ ફૂટપાથ પરથી પસાર થતી યુવતીઓને ખરાબ નજરથી જોતા હોય છે. ઘણી વાર તો ફેરિયાઓ કન્ટિન્યુઅસ ઘૂરતા રહીને એકબીજા વચ્ચે કમેન્ટ પાસ કરતા હોય છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK