ફેરિયાઓની સંતાકૂકડી

દાદર-વેસ્ટની માર્કેટમાં સુધરાઈની ગાડી આવી અને હૉકર્સ ગાયબ, ગાડી ગઈ અને ૧૫ મિનિટમાં પાછા : કોણ ફેરિયાઓને સુધરાઈની કાર્યવાહીની જાણકારી આપે છે?


દાદર-વેસ્ટના સ્ટેશન પાસેની માર્કેટમાં સોમવારે બપોરે સુધરાઈનો હાઈ ડ્રામા ખરેખર જોવાલાયક હતો. આ ડ્રામામાં સુધરાઈ તેમની ગાડી લઈને સ્ટેશન પાસે બેસતા ફેરિયાઓ પર કાર્યવાહી કરવા નીકળી હતી, પણ સુધરાઈ તેમની ગાડી લઈને માર્કેટમાં પહોંચી ત્યારે એક પણ ફેરિયો સુધરાઈને દેખાયો નહોતો અને માર્કેટની ફૂટપાથો પણ ખાલી મળી હતી. આ ફેરિયાઓ ૧૦ મિનિટમાં ક્યાં ગાયબ થઈ ગયા એની જાણ સુધરાઈને પણ થઈ શકી નહોતી.

સુધરાઈના અધિકારીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ફેરિયાઓને અમારી કાર્યવાહીની જાણ અગાઉ જ થઈ ગઈ હતી અને તેઓ નાસી ગયા હતા. અમારી ગાડી માર્કેટમાં પહોંચી ત્યારે અમને એક પણ ફેરિયો દેખાયો નહોતો.’

દાદર-વેસ્ટના વેપારીઓએ કહ્યું હતું કે ‘સોમવારે બપોરે લગભગ ૧૨ વાગ્યે ફેરિયાઓને સુધરાઈની ગાડી કાર્યવાહી કરવા પહોંચવાની છે એની જાણકારી અગાઉથી જ થઈ ગઈ હતી. આ જાણકારી મળતાંની સાથે જ તેઓ તેમની વસ્તુઓ લઈને નાસવા લાગ્યા હતા અને ફૂલ માર્કેટ અને અન્ય રસ્તાઓ પર છુપાઈને બેસી ગયા હતા. સુધરાઈની ગાડી કાર્યવાહી કરવા પહોંચી ત્યારે એક પણ ફેરિયો દેખાયો નહોતો, પણ આ ગાડી પાછી ફરી જતાં ૧૫ મિનિટ બાદ ફરી આ ફેરિયાઓ તેમનો ધંધો લગાવીને બેસી ગયા હતા.’

દાદર મર્ચન્ટ્સ અસોસિએશનની ફેરિયાઓ વિરુદ્ધની લડાઈ નિષ્ફળ

દાદર મર્ચન્ટ્સ અસોસિએશન છેલ્લાં ઘણાં વષોર્થી આ ફેરિયાઓને હટાવવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે, પણ તેમની મહેનત પર સુધરાઈ પાણી ફેરવી દે છે. આ સંસ્થાના વેપારીઓનું કહેવું છે કે ‘અમે દુકાનો લઈને ધંધો કરી રહ્યા છીએ, પણ આ ફેરિયાઓ અહીં અડ્ડો જમાવીને ધંધો કરી રહ્યા છે. દાદર માર્કેટનો એરિયા ‘નો હૉકિંગ ઝોન’ તરીકે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એટલું જ નહીં, દાદર-સ્ટેશનની બાજુમાં એક પોલીસ-ચોકી પણ છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. સુધરાઈ આ ફેરિયાઓ વિરુદ્ધ ફક્ત ડ્રામા દેખાડવા માટે અમુક વાર કાર્યવાહી કરે છે.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK