દાદરના હિન્દમાતાના વેપારીઓ સુધરાઈ ને ન્યુઝ-ચૅનલોથી નારાજ

ચોમાસા માટે સુધરાઈ કંઈ કરતી નથી અને ટીવીવાળા આખો દિવસ અહીં ભરાયેલાં પાણી દેખાડ્યા કરે એટલે ગ્રાહકો આવતા નથી


મૉન્સૂનમાં આ વર્ષે સાયનમાં આવેલા ગાંધી માર્કેટમાં ખૂબ ઓછું પાણી ભરાયું હોવાથી અહીંના વેપારીઓ ઘણા ખુશ થયા છે, જ્યારે બીજી તરફ દાદરમાં આવેલા હિન્દમાતા વિસ્તારમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જતાં આ વિસ્તારના વેપારીઓને જાણે સજા મળી હોય એવું તેઓ અનુભવી રહ્યા છે.

ગાંધી માર્કેટમાં નવી મોટી અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનો અને હાઈ-ટેક મશીનો ઇન્સ્ટૉલ કયાર઼્ હોવાને કારણે આ વિસ્તારમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષથી પાણી ભરાવાની સમસ્યા ઓછી થઈ છે. જોકે સુધરાઈએ હિન્દમાતા વિસ્તારમાં પણ આવી જ રીતે નવી મોટી પાઇપલાઇનો અને હાઈ-ટેક મશીનો ઇન્સ્ટૉલ કરવાં ખૂબ જ જરૂરી છે.

હિન્દમાતામાં આવેલી કલર્સ ફૅબ્રિક્સ નામની દુકાન ધરાવતા બાવન વર્ષના હિતેશ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દર વર્ષે અમારી દુકાનમાં ત્રણ ફૂટથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે, પણ સુધરાઈ અમારી કોઈ પણ પ્રકારની મદદ કરી શકતી નથી. આ વિસ્તારના રહેવાસીઓ રસ્તા પર જ કચરો નાખે છે અને સૌથી વધુ કચરામાં પ્લાસ્ટિકનો સમાવેશ છે અને અહીંની ગટરો સાફ થતી ન હોવાથી દર વર્ષે અમારે આ સમસ્યાનો ભોગ બનવો પડે છે.’

હિન્દમાતામાં આવેલી લ્થ્ એન્ટરપ્રાઇઝિસ નામની દુકાન ધરાવતા ૩૮ વર્ષના વિશાલ દેઢિયા અને તેમના બિઝનેસ-પાર્ટનર સૂર્યકાંત ગડાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમને મૉન્સૂનમાં સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે અમારે ત્યાં જો ૧૫ મિનિટ પણ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે અને ન્યુઝ-ચૅનલવાળાઓ આખો દિવસ હિન્દમાતાના ન્યુઝ ચલાવતા હોવાથી અમારા ગ્રાહકો ન્યુઝમાં જોઈને અમારી દુકાનમાં આવવાનું ટાળી દે છે.’

મહારાજા ટેક્સટાઇલ્સ નામની દુકાન ધરાવતા ૫૩ વર્ષના મહેન્દ્ર લાપસિયા અને ૫૧ વર્ષના વિજય લાપસિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હિન્દમાતા વિસ્તાર સૌથી નીચાણમાં આવ્યો હોવાથી આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે. એથી આ વર્ષે અમે અમારી દુકાનમાં જમીનથી દોઢ ફૂટ સુધીની ઊંચાઈમાં જ સામાન રાખી રહ્યા છીએ.’

ગાંધી માર્કેટના વેપારીઓ ખુશ

ગાંધી માર્કેટમાં આવેલી પારસ ડ્રેસિસ નામની દુકાન ધરાવતા ૩૮ વર્ષના ભરત શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી દુકાનમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષથી પાણી ભરાતું જ નથી. એથી અમે ઘણા ખુશ છીએ. મૉન્સૂનમાં અમારો ધંધો પણ સારો ચાલી રહ્યો છે.’

ગાંધી માર્કેટમાં આવેલી જનતા સ્ટોર્સ નામની દુકાન ધરાવતા ૫૧ વર્ષના રાજેશ મોતા અને ૪૧ વર્ષના હિરેન મોતાએ કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં મોટી પાઇપલાઇનો અને હાઈ-ટેક મશીનો ઇન્સ્ટૉલ કયાર઼્ હોવાથી વરસાદ પડતાંની સાથે જ આ મશીનો શરૂ કરી દેવામાં આવે છે. એથી અમારા વિસ્તારમાં ભરાયેલું પાણી થોડા સમયમાં જ ખાલી થઈ જાય છે.’

મહાત્મા ગાંધી માર્કેટમાં આવેલી મેઘદૂત એનએક્સ ૨ નામની દુકાન ધરાવતા ૫૮ વર્ષના મોહન મારુએ કહ્યું હતું કે ‘અમારી દુકાનમાં આ મૉન્સૂનમાં થોડું પણ પાણી ભરાયું નથી. જોકે એમ છતાં અમે મૉન્સૂનની તૈયારી કરી રાખી છે. અમે ઘણા ખુશ છીએ.’

હિન્દમાતામાં એક પણ કચરાપેટી નથી

હિન્દમાતા વિસ્તારમાં એક પણ કચરાપેટીની વ્યવસ્થા નથી તથા આ વિસ્તારમાં સુધરાઈની ગાડી પણ કચરો લેવા માટે આવતી નથી એટલે આ વિસ્તારમાં રહેતા લોકોએ પ્રાઇવેટ કચરો ઊંચકનારા લોકોને રાખ્યા છે. આ લોકો રોજ સવારે એક જ વખત કચરો સાફ કરે છે અને કચરો ઊંચકીને કચરાપેટી સુધી પહોંચાડે છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK