દાદર માર્કેટ સામે કચરો ઉપાડી લીધા પછી પણ કલાકો સુધી પાર્ક થાય છે સુધરાઈનાં ડમ્પર

એને કારણે અસહ્ય દુર્ગંધ આવતી હોવાની અને ધંધા પર માઠી અસર થતી હોવાની દુકાનદારોની ફરિયાદ


બકુલેશ ત્રિવેદી

દાદર-વેસ્ટના ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે રોડ પર આવેલી સુધરાઈની સ્વાતંત્ર્યવીર સાવરકર માર્કે‍ટ (શાકભાજી માર્કે‍ટ)માંથી રોજ-રોજ કચરો ઉપાડવા માટે સુધરાઈનાં ડમ્પર આવે છે, પરંતુ સમસ્યા એ છે કે એ ડમ્પર કચરો ઉપાડી લીધા પછી પણ કલાકો સુધી ત્યાં જ પાર્ક થયેલાં રહે છે જેને કારણે આજુબાજુના દુકાનદારોને એટલો વખત અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે. મુખ્ય વાત એ છે કે એ સમય દરમ્યાન તેમની દુકાનમાં ગ્રાહકો પણ આવવાના ઓછા થઈ જાય છે અને એની ધંધા પર માઠી અસર પડે છે.

કચરાના આ ડમ્પરની સમસ્યા વિશે જણાવતાં ત્યાંના એક દુકાનદારે કહ્યું હતું કે ‘શાકભાજીની માર્કે‍ટ હોવાથી રોજેરોજ બહુ મોટા પ્રમાણમાં કચરો થાય એ સ્વાભાવિક છે અને સુધરાઈની ગાડી એ કચરો એ ઉપાડી જાય એ પણ સારી વાત છે, પણ સમસ્યા એ છે કે કચરો ઉપાડી લીધા પછી પણ કલાકો સુધી એ ડમ્પર ત્યાં જ પાર્ક કરેલું હોય છે જેને કારણે અમારે તો દુર્ગંધ સહન કરવી જ પડે છે, પણ કચરાની ગાડી સામે ઊભી હોવાથી એ પિરિયડ દરમ્યાન ભાગ્યે જ કોઈ ગ્રાહક દુકાનમાં આવે છે અને આવે તો પણ ઘણી વાર ખરીદી કર્યા વગર જ ચાલતો થઈ જાય છે. પહેલાં કચરો ઉપાડવાનું કામ સુધરાઈએ કૉન્ટ્રૅક્ટરને આપ્યું હતું. તે કૉન્ટ્રૅક્ટરની ગાડીઓ દિવસ દરમ્યાન ગિરદી રહેવાથી આ રોડ પર ન આવતાં રાતે દુકાનો બંધ થઈ જાય પછી આવતી અને કચરો ઉપાડીને જતી રહેતી. આથી દિવસ દરમ્યાન કોઈ પ્રૉબ્લેમ નહોતો આવતો. હવે સુધરાઈ એ કામ જાતે કરે છે. એના કર્મચારીઓ કચરો તો ઉપાડી લે છે, પણ પછી ચા પીવા જતા રહે અથવા વાતો કરતા બેસી રહે. જો પૂછીએ તો કહે કે મુકાદમ બહાર ગયો છે, થોડી વાર બાદ આવશે. આમ કોઈ ને કોઈ બહાને તેઓ ત્યાં જ ધામા નાખે છે અને કલાકો સુધી બેસી રહે છે. કચરો ઉપાડવાનું કામ તો પંદરથી વીસ મિનટિમાં પતી જાય છે, પણ તેઓ ઘણી વાર તો કલાક-દોઢ કલાક સુધી ત્યાંથી હટતા નથી.’

આ બાબતે અન્ય એક વેપારીએ કહ્યું હતું કે ‘જો તેઓ જલદી તેમની ચોકીએ પહોંચી જાય તો તેમને બીજા એરિયામાં કચરો ઉપાડવા જવું પડે છે. આથી એક જ એરિયામાંથી કચરો ઉપાડવામાં તેઓ વધુ સમય લે છે અને જો સમય બચે તો તેઓ આ રીતે ટાઇમ પાસ કરે છે, જેથી તેમનો બીજા એરિયાનો વધારાનો ફેરો બચી જાય.’

ફૂટપાથનો તૂટેલો ભાગ રિપેર નથી થતો

આ જ માર્કે‍ટમાં કચરો આસાનીથી લઈ શકાય એ માટે કચરો ઠાલવવાની એક ખાસ જગ્યા બનાવવામાં આવી છે જે રાનડે રોડ તરફ ઓપન છે. જોકે એની સામે એટલા જ ભાગની ફૂટપાથ તોડી પાડવામાં આવી છે. બને છે એવું કે રસ્તા પર ચાલવાની ઓછી જગ્યા હોવાથી ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટિઝનો ફૂટપાથ પર ચાલવાનું પસંદ કરે છે. તેમને આ પૅચમાં ખાડાનો અનુભવ થાય છે. વળી ત્યાંથી કચરો ઉપાડવામાં આવતો ન હોવાથી ગંદકી પણ રહે છે. એથી જો આ ફૂટપાથ વ્યવસ્થિત બનાવવામાં આવે તો તેમને રાહત રહે એવું તેમનું કહેવું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK