દાદર-વેસ્ટની દરેક ફૂટપાથનાં ઝૂપડાંઓ આવતી કાલે ડિમોલિશ થશે

સુધરાઈએ મિડ-ડે LOCALને આપ્યું વચન


દાદર-વેસ્ટના સ્ટેશન પાસેના લગભગ દરેક રસ્તાની ફૂટપાથ પર ઝૂંપડાંઓ જોવા મળી રહ્યાં છે, પણ આવતી કાલે આ ઝૂંપડાંઓને ડિમોલિશ કરવાની છે એવું સુધરાઈએ મિડ-ડે LOCALને વચન આપ્યું છે. આ ફૂટપાથ સુધરાઈએ લોકોને ચાલવા માટે બનાવી હતી, પણ આ ફૂટપાથ પર હવે સ્લમના લોકોએ કબજો જમાવી દીધો છે. મિડ-ડે LOCAL દ્વારા રવિવારે કરવામાં આવેલા નિરીક્ષણમાં દાદર-વેસ્ટમાં સ્ટેશન પાસેની લગભગ દરેક ફૂટપાથ પર કમસે કમ ૫૦થી વધુ ઝૂંપડાંઓ જોવા મળ્યાં હતાં.

મિડ-ડે LOCALના નિરીક્ષણમાં દાદર-વેસ્ટની ફૂલ-માર્કેટમાં રવિવારે હજારોની સંખ્યામાં લોકો આવ-જા કરતા જોવા મળ્યાં હતા એટલું જ નહીં, તેમને સ્ટેશન પાસેની એક પણ ફૂટપાથ ચાલવા માટે નહોતી બચી. આ ફૂટપાથ પરથી પસાર થતા લોકોએ ફૂટપાથને બદલે રસ્તા પરથી ચાલીને પસાર થવું પડી રહ્યું છે. આ નિરીક્ષણમાં મિડ-ડે LOCALને દાદર-વેસ્ટના સેનાપતિ બાપટ માર્ગ પર આવેલા સુધરાઈના વૉટર-ડિપાર્ટમેન્ટની ઑફિસની બહારની જ ફૂટપાથ પર તથા દાદર-વેસ્ટની બહાર નીકળતાંની માટુંગા તરફ જતી ફૂટપાથ પર આ ઝૂંપડાં મળી આવ્યાં હતાં.

દાદર-વેસ્ટમાં રહેતા રાહુલ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ફૂટપાથ પર રહેતા લોકોને કારણે અમે ફૂટપાથ પરથી ચાલી નથી શકતા. આ સમસ્યાને કારણે અહીંથી પસાર થતી મહિલાઓ, બાળકો અને સિનિયર સિટિઝનોને સૌથી વધુ તકલીફ થઈ રહી છે. આ સમસ્યા બદલ દાદરના વેપારીઓ સહિત અહીંના ઘણા રહેવાસીઓએ વારંવાર સુધરાઈને ફરિયાદ કરી છે, પણ આ ઝૂંપડાંઓ વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં  નથી આવી.’

દાદર-વેસ્ટમાં રહેતા અમિત પટેલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ફૂટપાથ સુધરાઈએ અમને ચાલવા માટે બનાવી છે, પણ સુધરાઈ આ સ્લમના લોકો પર ઘણી મહેરબાન છે એટલે કોઈ કાર્યવાહી નથી કરતી. આ સમસ્યાથી અમે કંટાળી ગયા છીએ. સુધરાઈએ અમારી મદદ કરવી જોઈએ.’

આ સમસ્યા બાબતે સુધરાઈના અધિકારીઓએ મિડ-ડે LOCALને વચન આપતાં કહ્યું હતું કે ‘આ સમસ્યાથી અમે કંટાળી ગયા છીએ. અમને પોલીસ-પ્રોટેક્શન મળતું નથી. અમે આવતી કાલે શુક્રવારે આ ઝૂંપડાં ડિમોલિશ કરીશું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK