‘નો મુસ્લિમ’ એવી જાહેરાત બ્રોકરે પ્રૉપર્ટીની વેબસાઇટ પર મૂકતાં વિવાદ

દાદરની હિન્દુ કૉલોનીમાં ઘર વેચવા માટે વિશાલ ડિસોઝા નામના બ્રોકરે આ ઍડ મૂકી હતી. કોઈના પ્રત્યે પૂર્વગ્રહને કારણે નહીં પરંતુ સોસાયટીમાં કોઈ મુસ્લિમ નથી રહેતા એમ જણાવવા માટે તેણે આ જાહેરાત મૂકી હતી. જોકે ઘણો વિવાદ ઊભો થતાં પછી વિવાદાસ્પદ શબ્દને હટાવવામાં આવ્યો


શહેરમાં પોતાની માલિકીનું સુંદર ઘર શોધવું એક મુશ્કેલ કાર્ય છે, પરંતુ સમાજના એક ચોક્કસ વર્ગ માટેના પૂર્વગ્રહને કારણે તેમના માટે આ કામ મુશ્કેલ ઉપરાંત અશક્ય પણ છે. તાજેતરમાં જ એક પ્રૉપર્ટીની વેબસાઇટ પર મુસ્લિમો પ્રત્યેના પોતાના આ પૂર્વગ્રહને ઍડ્વર્ટાઇઝ આપીને પ્રગટ કર્યો હતો.

બીજી નવેમ્બરે વેબસાઇટ પર મૂકવામાં આવેલી જાહેરાતનું લખાણ આ મુજબનું હતું : ‘ક્રૉસ વેન્ટિલેશન સહિતનો ન્યુ 2BHK ફુલી ફર્નિશ્ડ ફ્લૅટ, કુદરતી હવાઉજાસ, કૉસ્મોપૉલિટન સોસાયટી, નો મુસ્લિમ, કારપાર્કિંગની સુવિધા ધરાવતો પાંચમા માળે આવેલો ફ્લૅટ તરત વેચવાનો છે. રસ ધરાવતી પાર્ટી તરત સંપર્ક કરે.’

દાદરની હિન્દુ કૉલોનીમાં આવેલા આ ફ્લૅટના વેચાણની જાહેરાત વિશાલ ડિસોઝા નામના બ્રોકરે મૂકી હતી. સમાજના કોઈ ચોક્કસ વર્ગ સાથેના પૂર્વગ્રહને કારણે આ જાહેરાત મૂકી હોવાની વાતનો ઇનકાર કરતાં વિશાલ ડિસોઝાએ કહ્યું હતું કે મારો કહેવાનો અર્થ એવો હતો કે સોસાયટીમાં કોઈ મુસ્લિમ નથી.

સમગ્ર મુદ્દે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર હોબાળો થતાં વિશાલે ‘નો મુસ્લિમ’ જેવા શબ્દને હટાવી દીધો હતો. જોકે આ કોઈ પહેલી ઘટના નથી. ચોક્કસ કૉમ્યુનિટીના લોકો માટે જ હોય એવાં કંઈકેટલાંય બિલ્ડિંગો છે. પહેલી વખત આ વાત જાહેરમાં કહેવામાં આવી છે.

એક બ્રોકરે કહ્યું હતું કે ‘માત્ર મુસ્લિમો પ્રત્યે જ પૂર્વગ્રહ છે એવું નથી. કેટલાંક બિલ્ડિંગોમાં નૉન-વેજિટેરિયન તો અમુક કાસ્ટના લોકોને ઘર વેચવામાં નથી આવતું. શહેરની પારસી કૉલોનીમાં પણ અન્ય લોકોને ઘર નથી મળતું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK