માટુંગા ચેઇન-સ્નૅચરોનું ફેવરિટ

જૂન મહિનામાં અહીં લગભગ ૩૬ ચેઇન-સ્નૅચિંગ, પરંતુ એમાંનો એક પણ પકડાયો નથી



શિરીષ વક્તાણિયા


માટુંગા સેન્ટ્રલમાં જૂન મહિનામાં કુલ ૩૬ જેટલી ચેઇન-સ્નૅચિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે, પણ એમાંના એક પણ ચેઇન-સ્નૅચરને પોલીસ પકડી શકી નથી. પોલીસના આંકડા મુજબ આ એરિયામાં દરરોજ એક ચેઇન-સ્નૅચિંગ થાય છે અને ચેઇન-સ્નૅચર બાઇક પર આવીને રસ્તા પર ચાલતી મહિલાની ચેઇન ખેંચીને ભાગી જાય છે.

માટુંગા પોલીસ-સ્ટેશનના ડિટેક્શન ઑફિસર શિવાજી પાટીલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા એરિયામાં ગયા મહિને કુલ ૩૬ જેટલાં ચેઇન-સ્નૅચિંગ દિનદહાડે થયાં હતાં, પણ અમે આ ચેઇન-સ્નૅચરોને પકડી શકતા નથી, કારણ કે માટુંગા સેન્ટ્રલમાં કુલ ૬૪ ગલીઓ છે અને આ વિસ્તારમાં સૌથી વધુ મંદિર, સભાગૃહો આવેલાં છે એથી ચેઇન-સ્નૅચરોનો આ ફેવરિટ સ્પૉટ બની ગયો છે. આ ચેઇન-સ્નૅચરો ચેઇન-સ્નૅચિંગ બાદ સીધા વિવિધ ગલીઓમાંથી મેઇન રોડ પર ભાગી જાય છે એટલે અમે તેમને પકડી શકતા નથી. આ એરિયામાં ચેઇન-સ્નૅચિંગ થવાનું બીજું કારણ એ છે કે આ વિસ્તારમાં સૌથી વધુ સંખ્યામાં મદ્રાસી અને ગુજરાતી લોકો રહે છે. આ સંખ્યામાં વધુપડતી મદ્રાસી મહિલાઓ વધુ તોલાવાળું મંગળસૂત્ર પહેરતી હોય છે એથી તેમને સૌથી વધુ નુકસાન થાય છે અને મંદિરે જતી ગુજરાતી મહિલાઓ પણ આ જ રીતે ચેઇન-સ્નૅચરોનો શિકાર બની રહી છે.’

આ બાબતે વધુમાં શિવાજી પાટીલે એમ પણ કહ્યું હતું કે ‘અમે આ વિસ્તારમાં ઘણા કૅમેરા લગાવ્યા છે અને અહીંની ઘણી દુકાનોમાં દુકાનદારોને CCTV કૅમેરા લગાવવા પણ કહ્યું છે તથા આ વિસ્તારમાં ચેઇન-સ્નૅચરોથી સાવધાનનાં ઘણાં બોર્ડ પણ લગાવવામાં આવ્યાં છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK