માટુંગાના બિલ્ડિંગમાંથી બ્રૅન્ડેડ બૂટની ચોરી

CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ બે મહિલા આરોપી

cctv

જોઈ લો આરોપી:  બૂટની ચોરીમાં સંડોવાયેલી બે મહિલાઓ.


મંદિરની બહારથી ચંપલ-બૂટની ચોરી એક સામાન્ય બનાવ છે, પરંતુ માટુંગા (ઈસ્ટ)ના ભાઉદાજી રોડ પર આવેલા પાશ્વર્નાથ ભુવનના છઠ્ઠા માળેથી મોંઘાંદાટ બ્રૅન્ડેડ બે જોડી બૂટની ચોરીએ સ્થાનિક રહેવાસીઓને ચોંકાવી દીધા હતા.

આ બનાવ બુધવારે સાંજના પોણાપાંચ વાગ્યે બન્યો હતો. એની માહિતી આપતાં ૫૩ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયર સુબ્રમની ગણપતિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંદાજે ૪૫ વર્ષની અને ૬૦ વર્ષની સાઉથ ઇન્ડિયન જેવી દેખાતી બે મહિલાઓ સિક્યૉરિટીને સાતમા માળે રહેતા મારા ભાઈનું નામ લઈને તેને કામ માટે મળવા જવું છે એમ કહીને લિફ્ટમાં સાતમા માળે પહોંચી હતી. બિલ્ડિંગમાં લાગેલા CCTV કૅમેરા પ્રમાણે આ મહિલાઓ એક વાર બિલ્ડિંગમાં આવીને પાછી ગઈ હતી. સાતમા માળે આ મહિલાઓ પહોંચી ત્યારે લિફ્ટની સામે મારા ભાઈનું ઘર ખુલ્લું હતું અને મારી ભાભી સામે જ બેઠી હતી. એટલે ભાભીને જોઈને આ બન્ને મહિલાઓ નીચે ઊતરી ગઈ હતી. તેઓ ત્યાંથી છઠ્ઠા માળે લિફ્ટમાં જ આવી હતી. પછી મારા ઘરની બહાર રૅકમાં પડેલાં ૧૧,૦૦૦ રૂપિયાનાં બે જોડી બ્રૅન્ડેડ બૂટ ચોરીને લઈ ગઈ હતી.’

બિલ્ડિંગની સુરક્ષા વિશે માહિતી આપતાં સુબ્રમનીએ કહ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં મારી કઝિન મારા ઘરે રોકાવા આવી હતી. એ સમયે તેનાં ૧૫,૦૦૦ રૂપિયાનાં ઇમ્પોર્ટેડ બૂટ ચોરી થયાં હતાં. ત્યાર પછી અમારા બિલ્ડિંગમાં એક-બે નહીં પણ મારા ખર્ચે બિલ્ડિંગમાં અને મારા ફ્લોર પર ચાર-ચાર CCTV કૅમેરા બેસાડેલા છે. આમ છતાં આ મહિલાઓએ ચોરી કરવા આવવાની ડેરિંગ કરી હતી. ચોરીનો આખો બનાવ કૅમેરામાં ઝડપાઈ ગયો છે. એનું ફુટેજ મેં પોલીસ-સ્ટેશનને આપ્યું છે. આ મહિલાઓ ધારાવીની એક ગૅન્ગ સાથે સંકળાયેલી હોવાની શંકા છે. અમે આ બનાવનો વિડિયો વાઇરલ કયોર્ છે જેથી અન્ય બિલ્ડિંગોના રહેવાસીઓ સાવધાન થઈ શકે.’

માટુંગા પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સુબ્રમની ગણપતિની ફરિયાદ નોંધી છે. તેમણે અમને તપાસમાં ઉપયોગી થાય એ માટે ફુટેજ પણ આપ્યું છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK