માટુંગામાં ગેરકાયદે ફાસ્ટ-ફૂડ સેન્ટરમાં સ્પાર્ક થયો એટલે BMCએ હથોડો ઉગામ્યો

આડોશપાડોશની તમામ ગેરકાયદે હોટેલોનાં બાંધકામો પણ ધ્વસ્ત કરવામાં આવ્યાં

hotel

મમતા પડિયા

માટુંગામાં ખાલસા કૉલેજ પાસે આવેલા મહેતા બિલ્ડિંગમાં ચાલતી હોટેલના ગેરકાયદે બાંધકામ પર ગુરુવારે BMCએ હથોડો મારી દીધો હતો. ૮૦ વર્ષ જૂના મહેતા બિલ્ડિંગના કમર્શિયલ ગાળામાં એક નહીં, અનેક નાનીમોટી હોટેલો ચાલી રહી છે અને એમાંથી કેટલીક ગેરકાયદે છે. એ હોટેલને લીધે પડતી મુશ્કેલીઓ બાબતે રહેવાસીઓએ BMCમાં ફરિયાદ કરી છે. આ વિસ્તારના સ્થાનિક કૉર્પોરેટર ગુરુવારે સવારે કારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક આઉટલેટમાં ગૅસની લાઇનમાં લીકેજ થતાં સ્પાર્ક થયો હતો. એ સમયે BMCના અધિકારી એ વિસ્તારમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા જેમાં ગેરકાયદે બાંધકામ પર હથોડો ફટકારવામાં આવ્યો હતો. જોકે એ દરમ્યાન રહેવાસીઓએ ભેગા થઈને હોટેલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સવારે ૧૦ વાગ્યે મારી કાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી એમ જણાવીને કૉર્પોરેટર નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાની એવી ફૂડ-કોર્ટમાંથી યંગસ્ટર્સને દોડીને બહાર આવતા જોયા અને તપાસ કરી તો ગૅસની લાઇનમાં સ્પાર્ક થયો હોવાનું જાણવા મળ્યું. આ સ્પાર્ક નાનો નહોતો. સ્પાર્કને લીધે બિલ્ડિંગમાં થયેલા કંપનને લીધે પહેલા માળના રહેવાસીઓ નીચે દોડી આવ્યા હતા. રહેવાસીએ પોલીસ અને BMCને આ સંદર્ભે જાણ કરી હતી. એક તો આ બિલ્ડિંગ ઘણું જૂનું છે અને નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાયાના પથ્થર નબળા થઈ જશે તો રહેવાસીઓ માટે જીવનું જોખમ હશે.’

અમે ધગધગતા જ્વાળામુખી પર રહીએ છીએ એમ જણાવતાં મહેતા બિલ્ડિંગના ભાડૂત નીલેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું બિલ્ડિંગ ૮૦ વર્ષ જૂનું છે અને અત્યાર સુધીમાં ચાર વખત મ્હાડા સમારકામ કરી ચૂક્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર હોટેલો ચાલે છે અને એની બહાર ફુટપાથ પરનું બાંધકામ કાયદેસર છે કે નહીં એ પ્રશ્ન છે. રસના પંજાબ હોટેલ બ્યુટિફિકેશનના નામે પ્રિમાઇસિસમાં રસોઈ બનાવે છે. એ જ પ્રમાણે ક્લાસિક હોટેલે બહારનો ભાગ વિસ્તાર્યો છે. પ્રીતમ ફૂડ કોર્ટ જેમાં ગૅસ લીકેજ થયો હતો એ તથા આઇ લવ ફૂડ જેવાં આઉટલેટ જરૂરી લાઇસન્સ ધરાવતાં હશે કે નહીં એની શંકા છે. અહીં કામ કરતા વેઇટરનો જમાવડો અને બિલ્ડિંગમાં દિવસરાત તેમની અવરજવર રહે છે. ગ્રાઉન્ડ ફ્લોરના સાંકડા પૅસેજમાં તેઓ સવારે નાહતા પણ હોય છે. બિલ્ડિંગમાં સ્ત્રીઓ રહે છે એના પર ધ્યાન જ આપવામાં નથી આવતું.’

૨૦૧૦થી બિલ્ડિંગમાં ચાલી રહેલી હેરાનગતિ બાબતે પોલીસ અને BMCને વારંવાર ફરિયાદ કરવામાં આવે છે એમ જણાવીને અન્ય રહેવાસી અમિત શાહ અને જિગર હરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગ પ્રિમાઇસિસમાં થયેલાં ગેરકાયદે બાંધકામનો અમે વિરોધ કરીએ છીએ. બિલ્ડિંગ જૂનું છે અને જો આગ લાગવાની કે અન્ય ઘટના બને છે તો બહાર નીકળવું અમારે માટે મુશ્કેલ બનશે. અત્યાર સુધીમાં અમે ઢગલાબંધ ફરિયાદો કરી છે પણ એની તરફ આંખ આડા કાન કરવામાં આવે છે.’

મહેતા બિલ્ડિંગના મકાનમાલિક રોહન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં અનેક વર્ષોથી ભાડૂતો ગેરકાયદે બાંધકામ વિશે ફરિયાદ કરી રહ્યા છે અને એના પગલે અનેક વખત અમે ફરિયાદ કરી હતી. આખરે ગુરુવારે બનેલી નાની ઘટનાને પગલે BMCએ કાર્યવાહી કરી છે. કમર્શિયલ પ્રિમાઇસિસ ચલાવનારા જરૂરી પરવાનગી પણ અમારી પાસે લેતા નથી. રહેવાસીઓના સહયોગથી રીડેવલપમેન્ટ કરાવવાનો અમારો વિચાર છે, પરંતુ ફક્ત બાવન ટકા રહેવાસીઓ જ અમારી સાથે છે.’

અમને નોટિસ પણ નથી મળી : હોટેલમાલિક

અમારી હોટેલ આજકાલથી નથી, છેલ્લાં ૩૦ વર્ષથી ચાલી રહી છે એમ જણાવીને ક્લાસિક હોટેલના માલિક એન. બી. શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCએ અમને કોઈ પ્રકારની આગવી જાણ કર્યા વિના હોટેલના પ્રિમાઇસિસમાં બુલડોઝર ફેરવ્યું હતું. જો અમારું બાંધકામ ગેરકાયદે હતું તો તોડકામ પહેલાં નોટિસ આપવી જોઈતી હતી. અમારો એક પણ ભાગ ગેરકાયદે નથી અને અમે ભાડું ભરીએ છીએ. કમ્પાઉન્ડ-વૉલમાં ઓપન સ્પેસ તરીકે સર્વિસ આપવાની અમે પરવાનગી મેળવી છે. અમે થોડા દિવસ પહેલાં જ રિનોવેટ કરાવ્યું હતું એથી અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. હું જવાબદાર વ્યક્તિ છું અને બિલ્ડિંગના રહેવાસીઓના જીવ જોખમમાં ન નાખી શકું. મેં બધી તકેદારી રાખી છે. બિલ્ડિંગના દરેક કામ માટે મારો સહયોગ હોય છે.’

રસના પંજાબના કર્મચારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે હોટેલની બહાર થયેલા બાંધકામ વિશે BMCની પરવાનગી મેળવવામાં આવી હતી. જોકે હોટેલના માલિક સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK