આંદોલનના નામે પજવણી

સાયનમાં દુકાન બંધ કરાવવા આવેલા ટોળાનો હિંમત સાથે વૃદ્ધ દંપતીએ સામનો કર્યો

sion2

મમતા પડિયા

ભીમા-કોરેગાવના રણસંગ્રામના ૨૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે પુણેની સણસવાડીમાં થયેલા બે ગ્રુપ વચ્ચેના વિવાદના તણખાનો પડઘો મુંબઈના કેટલાક વિસ્તારોમાં પડ્યો હતો. મુંબઈના ચેમ્બુર, બાંદરા, ગોરેગામ અને મુલુંડના વિસ્તારોમાં દલિત સમાજનાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં અને મુંબઈ બંધની હાકલ કરી હતી. સાયનમાં પણ એ જ રીતે મોદી સરકારની હાય-હાયની નારાબાજી પોકારીને દુકાનો બંધ કરાવવામાં આવી હતી. સાયનની એક પર્સની દુકાનમાં બળજબરીપૂર્વક ઘૂસી આવેલા ૧૦થી ૧૫ જણના ટોળાનો સિનિયર સિટિઝન દંપતીએ હિંમતથી સામનો કર્યો હતો. તેમણે પોતાને મહાવીરસ્વામીના અનુયાયી જણાવીને અમે શાંતિમાં માનીએ છીએ એવો સંદેશ આ ટોળાને આપ્યો હતો અને પોલીસના સર્પોટ સાથે પરિસ્થિતિ સંભાળી હતી.

અમે દુકાન બંધ કરવા માટે તેમની પાસે ૧૦ મિનિટ માગી, પરંતુ બંધ કરોની બૂમાબૂમ કરીને પંદરેક જણ ઘૂસી આવ્યા હતા એમ જણાવીને દુકાનનાં માલિક નિર્મલા મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પતિનું હાર્ટનું ઑપરેશન થયું છે. તેઓ બપોર પછી જ દુકાને આવે છે. બધી જગ્યાએ બંધ કરાવી રહ્યા હોવાની જાણ થતાં તેઓ દુકાને આવ્યા હતા. હું અંદર હતી અને અમારી દુકાનનો એક માણસ જમવા માટે ગયો હતો. કંઈક બૂમાબૂમનો અવાજ સંભળાતાં હું દોડીને બહાર ગઈ ત્યારે આ ટોળું મારા પતિ સાથે દુકાન બંધ કરાવવા બાબતે માથાઝીંક કરી રહ્યું હતું. મેં તેમને મોટા અવાજે પ્રશ્ન કર્યો કે આ તે કેવી રીત છે બંધ કરાવવાની? દુકાનમાં અંદર સામાન રાખતાં વાર લાગે કે નહીં. અમે જૈન છીએ અને મહાવીર ભગવાનના અનુયાયી છીએ. કોઈ પણ રીતે અમે કોઈને ત્રાસ આપવામાં નથી માનતાં અને મહાવીરના નામે અમે સાચું કામ કરીએ છીએ. શા માટે બધા કંગાળ અને ગરીબ હૃદયના બની ગયા છો. મારા પતિ તમને કહી રહ્યા છે કે મારી છાતી ફાડીને ઑપરેશન કરાયું છે તો હું સામાન નહીં ઊંચકી શકું. મને દસ મિનિટ આપો અમારા માણસો આવશે અને બધું અંદર રાખી દેશે.’

મારા પતિ તેમની સાથે મરાઠી ભાષામાં વાત કરીને સહકાર આપી રહ્યા હતા એમ છતાં ટોળાનો આક્રોશ ઓછો નહોતો થઈ રહ્યો અને તેઓ અમારી દુકાનમાં ઘૂસી આવ્યા હતા એમ જણાવીને નિર્મલા મારુએ કહ્યું હતું કે ‘તેમનો ધક્કો મારા પતિને લાગ્યો હતો. તેમને છાતીમાં દુખાવો થતો હોવાથી અમે અઠવાડિયા પહેલાં જ બધા રિપોર્ટ કઢાવ્યા હતા. મારા પતિ તેમને સમજાવી રહ્યા હતા કે અમે સાવા નાના વેપારી છીએ તો પણ આંખ આડા કાન કરીને તેમણે ધક્કો માર્યો. જો આજે બંધ રાખવાનું નક્કી જ હતું તો અમને સવારે જ કહી દેવાયને અમે દુકાન ખોલત જ નહીં અને અમારો સામાન બહાર ગોઠવ્યો જ ન હોત. જોકે બૂમાબૂમ થતાં પોલીસ તરત અમારી પાસે આવી અને તેમણે અમને સારો સહકાર આપ્યો અને છેલ્લે બધાને સમજાવીને છૂટા કર્યા હતા.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK