દાદર પોલીસ-સ્ટેશનમાંથી નાસી ગયેલી બાર-ગર્લ પકડાઈ

આજકાલ ક્રિમિનલો કસ્ટડીમાંથી નાસી ગયા બાદ પોલીસને સતત દોડતી રાખે છે. જોકે દાદર પોલીસને ગયા અઠવાડિયે તેના તાબામાંથી છટકી ગયેલી એક બાર-ગર્લને પાછી પકડી લેવામાં સફળતા મળી છે.


૧૫ ઑક્ટોબરે ૨૧ વર્ષની આરોપી હેમા રવિ સરદાર મનીરુદ્દીન શેખે દાદર (વેસ્ટ)ના કબૂતરખાના નજીકના રાઠોડ જ્વેલર્સમાં તેના એક પુરુષસાથીદાર સાથે ગઈ હતી. તેનો સાથીદાર થૂંકવાને બહાને આ જ્વેલરી શૉપમાંથી ત્રણ તોલા સોનાનું બ્રેસલેટ લઈને નાસી ગયો હતો અને હેમા ત્યાં જ રહી ગઈ હતી.

દાદર પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુનીલ જાતકે કહ્યું હતું કે ‘જ્વેલરનો વિશ્વાસ જીતવા માટે આ ચોરીના ત્રણ દિવસ પહેલાં આ ચોરે ત્યાંથી બે હજાર રૂપિયાની રિંગ પણ ખરીદી હતી. બાદમાં આ છોકરીને સાથે લાવીને તે બ્રેસલેટ લઈને નાસી ગયો હતો.’

સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રકાશ પાટીલે કહ્યું હતું કે ‘એ દિવસે જ આરોપી હેમાને કસ્ટડીમાં લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ તે પોલીસ-સ્ટેશનના લેડીઝ રૂમમાંથી નાસી ગઈ હતી. આ રૂમમાં તેના પર ધ્યાન રાખવા કોઈ લેડીઝ પોલીસ નહોતી એથી મોકો જોઈને તે એક બારીમાંથી છટકી ગઈ હતી.’

તુરંત જ તેની શોધ શરૂ કરવામાં આવી હતી. આરોપી હેમાએ પોલીસને ખોટું સરનામું આપ્યું હતું, પરંતુ તે જ્યાં કામે જતી હતી એવા વિવિધ બારમાંથી જાણવા મળ્યું હતું કે તેના કોઈ સગા ડોમ્બિવલીમાં રહે છે. ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે હેમા તો બોરીવલી શિફ્ટ થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે છેલ્લા સાતેક દિવસથી તે પોતાના સગા સાથે જ રહેતી હતી અને બોરીવલીથી ડોમ્બિવલી વચ્ચે આવ-જા કરતી હતી. આખરે પોલીસે તેના મોબાઇલ નંબર ટ્રેસ કરીને લોકેશન મેળવી સોમવારે બોરીવલીથી તેને ફરીથી પકડી પાડી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK