સિદ્ધિવિનાયકના ઑક્શનને મળ્યો એકદમ પાંખો પ્રતિસાદ

મોટા ભાગના લોકો મિડ-ડેને લીધે આવ્યા : ઑક્ટોબરના ૩૫ લાખની સામે ફક્ત ૧૬ લાખ રૂપિયાના દાગીના વેચાયા : મિની વેકેશનને કારણે લોકો ઓછા આવ્યા હોવાનો અંદાજ

auction2

અંકિતા સરીપડિયા

પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં હજારો ભાવિકોએ આખું વર્ષ ગણપતિબાપ્પાને અર્પણ કરેલા સોના-ચાંદીના દાગીનાની આ વર્ષની છેલ્લી હરાજી ગઈ કાલે સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાઈ હતી. એમાં ગુજરાતીઓ પણ જોવા મYયા હતા. અમુક ગુજરાતીઓ ‘મિડ-ડે’માં રવિવારે પ્રકાશિત થયેલા ઑક્શનના અહેવાલને વાંચીને મંદિર સુધી પહોંચ્યા હતા અને ગણપતિબાપ્પાને અર્પણ કરાયેલા દાગીનાની હરાજીમાં સહભાગી થઈને દાગીના ખરીદ્યા હતા. લાંબા વીક-એન્ડને કારણે તેમ જ ક્રિસમસ વેકેશનની રજાઓને કારણે બહારનાં શહેરોમાંથી મુંબઈ ફરવા અને સિદ્ધિવિનાયકનાં દર્શન કરવા આવેલા ભક્તો સહિત ભોપાલ, કલકત્તા, લખનઉ, ગુજરાત, ઓડિશા જેવાં વિવિધ શહેરોમાંથી આવેલા ભાવિકોએ પણ દાગીના ખરીદ્યા હતા.

પ્રભાદેવીના એસ. એન. ટંડને હરાજીમાં ૭૦.૪૪૦ ગ્રામ વજનની બાવીસ કૅરૅટની સોનાની ચાર બંગડીઓ ૧,૯૬,૨૧૬ રૂપિયામાં ખરીદી હતી. એ સિવાય ગુજરાતીમાં દર વખતની જેમ આ વખતે પણ વિલે પાર્લેના જયક્રિષ્ના પાઠકે ૧,૫૪,૫૦૦ રૂપિયામાં સોનાનું બિસ્કિટ અને છત્ર એમ બે વસ્તુ ખરીદી હતી અને ગુજરાતીઓમાં ટૉપ પર રહ્યા હતા.

auction1

મંદિરના અધિકારીએ શું કહ્યું?

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંજીવ પાટીલે ગઈ કાલના ઑક્શનમાં ભાવિકોના પ્રતિસાદ વિશે જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑક્ટોબરમાં યોજાયેલા ઑક્શન કરતાં ગઈ કાલના ઑક્શનમાં ભાવિકોનો ધસારો ઘણો ઓછો હતો એનું કારણ સળંગ રજાઓ હોઈ શકે છે. મુંબઈના લોકો રજાઓ માણવા બહારગામ ગયા હોવાથી તેમ જ બહારથી આવેલા ભાવિકોએ નાની વસ્તુઓની ખરીદી કરી હોવાથી હરાજી પર અસર જણાઈ હતી. ગઈ કાલે યોજાયેલું ઑક્શન આ વર્ષનું ચોથું અને અત્યાર સુધીનું કુલ ચોવીસમું ઑક્શન હતું. એમાં મોદક, ગણપતિબાપ્પાની મૂર્તિ, રિંગ, ચેઇન, બાલી, કડાં, બંગડી, બિસ્કિટ, પેન્ડન્ટ, છત્ર જેવા દાગીના મળીને કુલ ૪૬૧ આઇટમો રાખવામાં આવી હતી. એમાંથી કુલ ૧૦૯ સોનાની વસ્તુઓ ૧૫,૯૫,૦૦૦ રૂપિયામાં વેચાઈ હતી. છેલ્લું ઑક્શન આઠ ઑક્ટોબરે રાખવામાં આવ્યું હતું. એ પછી ૧૯ નવેમ્બરે રાખવામાં આવ્યું હતું, પરંતુ અમુક કારણોસર એ રદ કરવામાં આવતાં ગઈ કાલે ફરી રજાના દિવસે એનું આયોજન કરવામાં આવ્યું હતું.’

auction

ગુજરાતીઓ ઊમટ્યા

વિલે પાર્લેમાં રહેતા યાર્ન માર્કેટના મુંબઈના પ્રેસિડન્ટ જયક્રિષ્ના પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાપ્પાને પ્રસાદરૂપે ચડાવવામાં આવેલા દાગીના ખરીદવા માટે હું દર વર્ષે સિદ્ધિવિનાયક મંદિરમાં થતી દાગીનાની હરાજીમાં ભાગ લઉં છું અને દાગીના ખરીદીને ઘરે ભગવાનના પ્રસાદ તરીકે રાખું છું. મોટા ભાગે વિવિધ વસ્તુઓ મળી રહે છે, પરંતુ આ વખતે સિક્કાઓ વધુ હોવાથી મેં બિસ્કિટ અને છત્રની પસંદગી કરી હતી. એમાંથી ૪૯ ગ્રામ વજનનું ૨૪ કૅરૅટનું બિસ્કિટ ૧,૪૨,૫૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું અને ૩.૪૯૦ ગ્રામ વજનનું બાવીસ કૅરૅટનું છત્ર ૧૨,૦૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું.’

મંદિરના ટ્રસ્ટથી મળેલા મેસેજથી ઑક્શનમાં પત્ની સાથે પહોંચેલા અંધેરીના હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે ‘અમે ત્રીજી વખત ઑક્શનમાં જોડાયા છીએ. આ પહેલાં પણ અમે બે વખત દાગીના ખરીદ્યા છે. ગઈ કાલે અમે પાંચ ગ્રામ વજનનો ૨૪ કૅરૅટનો ગોલ્ડ કૉઇન ૧૫,૧૪૨ રૂપિયામાં ખરીદ્યો છે. દાગીના પ્રસાદ તરીકે મળે છે એટલે ખરીદીએ છીએ.’

રવિવારે ‘મિડ-ડે’માં ઑક્શનનો અહેવાલ વાંચીને પોતાની બે પુત્રીઓ માટે ઑક્શનમાંથી પહેલી વાર દાગીના ખરીદવા આવેલાં ઘાટકોપરના ગોરડિયાનગરમાં રહેતાં ૪૯ વર્ષનાં નીતા નવસારીવાલાએ કુલ ૭૧,૦૦૦ રૂપિયાના દાગીના ખરીદ્યા હતા. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને રવિવારના ‘મિડ-ડે’ ન્યુઝપેપરમાં છપાયેલા ઑક્શન વિશેના સમાચારથી ખબર પડી હતી. એથી હું સ્પેશ્યલી ઘાટકોપરથી સિદ્ધિવિનાયક મંદિર મારી બે પુત્રીઓ માટે દાગીના ખરીદવા આવી હતી અને સારીએવી કિંમતનું સોનું ખરીદવા પ્રિપેર થઈને આવી હતી. આ ઑક્શનમાંથી મેં ૪૩,૦૦૦ રૂપિયાનું બાવીસ કૅરૅટનું સોનાનું સુંદર કડું અને ૨૫,૯૦૦ રૂપિયાની સોનાની ચેઇન ખરીદ્યાં હતાં.’

મુલુંડમાં રહેતાં પંચાવન વર્ષનાં ચેતના પટેલ ‘મિડ-ડે’માં રવિવારે છપાયેલા ઑક્શન વિશેનો અહેવાલ વાંચીને પોતાનાં મમ્મી અને ભાણી સાથે ઑક્શનમાં આવ્યાં હતાં. મારી ભાણીએ ઑક્શન જોવા જવું છે એવું કહેતાં અમે ફક્ત ઑક્શન જોવા આવ્યાં હતાં એમ જણાવીને ચેતના પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ભાણીએ ઑક્શન વિશે વાંચતા તેણે ઑક્શન જોવા જવાની માગણી કરી હતી. એથી અમે આવ્યાં હતાં, પરંતુ ઑક્શનમાં પહોંચ્યા બાદ અમને બાપ્પાના પ્રસાદવાળો મોદક ગમી ગયો હતો અને મેં એ ૨.૫૯૦ ગ્રામ વજનનો સોનાનો ૨૩ કૅરૅટનો મોદક ૭૬૦૦ રૂપિયામાં ખરીદી લીધો હોવાથી અમે ખૂબ જ ખુશ છીએ.’

અમદાવાદથી પણ ભક્તો આવ્યા

અમદાવાદથી ફૅમિલી સાથે મુંબઈ ફરવા અને સિદ્ધિવિનાયકનાં દર્શન કરવા આવેલા ૩૩ વર્ષના અમિત ઘુબેએ કહ્યું હતું કે ‘અમે અમદાવાદના રહેવાસી છીએ અને ફરવા આવ્યા છીએ. મંદિરમાં ઑક્શન ચાલી રહેલું જોઈને પ્રસાદ તરીકે દાગીનો લેવા માટે અમે બે ગ્રામ વજનનો ૨૪ કૅરૅટનો કૉઇન ૬૦૦૦ રૂપિયામાં લીધો હતો.’

પુત્રના બર્થ-ડેના દિવસે સોનું લઈને શુકન કર્યું એવું કહેતાં થાણેના પરબ પરિવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પુત્ર જીતને ૧૪ વર્ષ પૂરાં થઈને ૧૫મું વર્ષ શરૂ બેઠું છે. તેના બર્થ-ડે નિમિત્તે અમે મંદિરમાં બાપ્પાના આર્શીવાદ લેવા આવ્યા હતા. ત્યાં ઑક્શન ચાલુ હોવાથી અમે જીત માટે ૩.૫ ગ્રામ વજનની સોનાની ચેઇન ૧૦,૨૦૦ રૂપિયામાં ખરીદી હતી. એ પછી મારી પત્ની અને મારા માટે એમ બે વીંટીઓ પણ ખરીદી હતી. એમ અમે શુકન અને પ્રસાદરૂપે ૨૦,૦૦૦ રૂપિયાના દાગીના ખરીદ્યા હતા.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK