મુંબઈ-૨૮થી જાણે પ્રેમ થઈ ગયો છે

સબ ટીવીની સિરિયલ ‘આર. કે. લક્ષ્મણ કી દુનિયા’માં કૉમન મૅન બનેલા ઍક્ટર અતુલ પરચુરે કહે છે...

દાદરમાં જો તમારું ઘર હોય તો આ ઘરને પિન કોડ-નંબર ૨૮ લાગુ પડે અને ઍડ્રેસમાં મુંબઈ-૨૮ લખાય. મને આ ‘મુંબઈ-૨૮’ સાથે પ્રેમ થઈ ગયો છે. અત્યારે મારું ઘર સિદ્ધિવિનાયક મંદિર પાસે આવેલા મૅડોના અપાર્ટમેન્ટમાં છે. આ ઘરથી લગભગ અડધી કિંમતે અને આટલી જ ફૅસિલિટી સાથે મને માહિમમાં ઘર મળતું હતું. મને ખાસ કંઈ વાંધો પણ નહોતો એ ઘરમાં, પણ જ્યારે ખબર પડી કે આ ઍડ્રેસમાં ‘મુંબઈ-૧૬’ લખાય છે કે તરત જ મારું મન એ ઘર ખરીદવામાંથી ઊતરી ગયું હતું. શક્ય છે કે મારો જન્મ દાદરમાં થયો છે એટલે મને આ વિસ્તાર માટે લાગણી હશે અને એ પણ શક્ય છે કે આ જ વિસ્તારમાં મેં મારી જિંદગીનાં ૪૫ વર્ષ ખર્ચી નાખ્યાં છે એટલે મને દાદર માટે પ્રેમ હશે. દાદર સિવાય હું બીજે ક્યાંય રહેવા જઉં એ વાત હવે મારા માટે લગભગ અશક્ય છે. દાદરનું મરાઠી કલ્ચર, મુંબઈઆખામાં નથી એવું વિશાળ શિવાજી પાર્ક, કીર્તિ કૉલેજ પાસેના વડાપાંઉ, સેનાભવનની બાજુમાં આવેલી પ્રકાશની ઑથેન્ટિક મરાઠી થાળી, સેનાભવનની પાસે જ આવેલી જિપ્સીનું ચાઇનીઝ ફૂડ, મારી સ્કૂલ અને મારી કૉલેજ મને બીજે ક્યાંય મળવાનાં નથી. આખો દિવસ હું ગમે ત્યાં હોઉં પણ સાંજ પડ્યે મને એક વાર શિવાજી પાર્ક આવવા જોઈએ. આજે પણ હું શૂટિંગ પૂરું કરીને આવું પછી જમીને અડધો કલાક શિવાજી પાર્ક પર બેસું છું. રાતના બે વાગ્યે પણ શિવાજી પાર્ક ગયાના દાખલા છે.

હું દાદરમાં જ જન્મ્યો, બાલમોહન વિદ્યામંદિર અને રૂપારેલ કૉલેજમાં ભણ્યો અને દાદરમાં જ મને થિયેટર-ઍક્ટિવિટી મળી. જો દાદરમાં ન હોત તો ચોક્કસપણે કહી શકાય કે હું ઍક્ટર બનવાને બદલે અકાઉન્ટન્ટ કે સેલ્સમૅન બની ગયો હોત. ત્રીસ વર્ષ પહેલાં મેં થિયેટરમાં એન્ટ્રી કરી ત્યારે દાદર થિયેટરજગતનું સેન્ટર પૉઇન્ટ હતું. થિયેટરને લગતી બધી ઍક્ટિવિટી અહીં જ થતી. મને પાકું યાદ છે કે શિવાજી મંદિર ઑડિટોરિયમની બહાર આવેલા એક વૃક્ષ નીચે દિલીપ પ્રભાવળકરે મને કહ્યું હતું કે તારામાં ઍક્ટિંગનું પોટેન્શિયલ છે, તું એ જ દિશામાં આગળ વધજે. તેમની એ સલાહ પછી જ મેં મારી ઍક્ટિંગ-સ્કિલને ગંભીરતાથી લીધી અને ઍક્ટિંગ શરૂ કરી. બહુ ઓછા લોકોને ખબર છે કે દાદરમાં પચીસ વર્ષ પહેલાં શેરી-નાટકો પણ થતાં હતાં. એ સમયે હું એ શેરી-નાટકોમાં ભાગ લેતો. એ શેરી-નાટકોને કારણે દાદરની મોટા ભાગની શેરી, ગલી અને રોડને મેં નજીકથી જોયાં છે. પચીસ વર્ષ પહેલાં એ નાટકો જોનારા લોકોમાંથી કેટલાય મને આજે પણ ઓળખી જાય છે અને કેટલાકને હું પણ ઓળખી જઉં છું. એ લોકોને જોઉં છું ત્યારે મને મારી યુથ-એજના દિવસો યાદ આવી જાય છે અને શરીરમાં વીજળીનો કરન્ટ પસાર થઈ જાય છે.

થોડા સમય પહેલાં મને મારાં બાળકોએ અંધેરી સાઇડ પર શિફ્ટ થવાનું કહ્યું હતું. એ સમયે મેં તેમને કહ્યું હતું કે દાદર સાથે મારા જીવના સંબંધો છે, જ્યારે મારો જીવ ન હોય ત્યારે તમે વિના સંકોચે અહીંથી શિફ્ટ થઈ જજો. મારા આ શબ્દોને હું જીવનપર્યંત પાળી રાખવાનો છું અને દાદરમાં જ રહેવાનો છું.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK