કુદરત આટલી નિષ્ઠુર કેમ?

૬ વર્ષના કચ્છી છોકરાનું ગાર્ડનમાં રમતાં-રમતાં મોત: સિમેન્ટની તૂટી ગયેલી બેન્ચ હેઠળ દબાઈ ગયા પછી બે કલાક નીચે ફસાયેલો રહ્યો એમાં જીવ નીકળી ગયો

yashરોહિત પરીખ

નાનાં બાળકો રમવા જાય ત્યારે તેના માવતરોએ કે અન્ય કોઈકે બાળક સાથે રહેવું જ જોઈએ એવી વણમાગી સલાહ આપતો બનાવ રવિવારે સાંજે દાદરની હિન્દમાતા સોસાયટીમાં બન્યો હતો. ૬ વર્ષનો યશ વીરા તેના મિત્રો સાથે શાંતિદૂત હોટેલવાળા ગાર્ડનમાં રમવા ગયો હતો અને ગાર્ડનનો તૂટેલો સિમેન્ટનો બાંકડો તેના પર પડતાં તેનું મોત થયું હતું. યશના મૃત્યુથી હિન્દમાતા સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ છે. નાના-મોટા સૌ બે રાત સૂતા નહોતા. આજે તેનાં દાદા-દાદી અમેરિકાથી આવશે ત્યાર બાદ યશની સ્મશાનયાત્ર નીકળશે.

માટુંગાની શિશુવન સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતો કચ્છી વીસા ઓસવાળ જૈન યશ પ્રીતેશ વીરા વેકેશનને લીધે પંચગનીથી આવેલા તેના ભાઈ તથા અન્ય મિત્રો સાથે ગઈ કાલે સાંજે નજીકના ગાર્ડનમાં રમવા ગયો હતો. તેનો ભાઈ આર્યન અને તેના મિત્રો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે યશ એકલો અલગ રમતો હતો. રમતાં-રમતાં તે ગાર્ડનમાં રહેલા સિમેન્ટના બાંકડા પાસે ગયો હતો. બાંકડો તૂટેલો હતો એટલે એ હીંચકા જેવો બની ગયો હતો. એ વખતે યશ બાંકડા પર બેઠાં-બેઠાં હીંચકા ખાઈ રહ્યો હતો ત્યારે અચાનક બાંકડો તૂટી ગયો અને યશ બાંકડા નીચે દબાઈ ગયો હતો. તેના માથામાં સખત માર વાગતાં તે ત્યાં જ મૃત્યુ પામ્યો હતો, પણ કોઈને એની જાણ બે કલાક સુધી નહોતી થઈ શકી. ગાર્ડનમાં રમવા ગયેલો યશ મોડે સુધી ઘરે પાછો ન ફરતાં યશનાં મમ્મી-પપ્પા અને પરિવારના અન્ય સભ્યો તેમના મિત્રો સાથે યશને શોધવા નીકળ્યાં હતાં.

હિન્દમાતા સોસાયટીના એક વડીલે રડતાં-રડતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે સોસાયટીના રહેવાસીઓ યશને શોધવા ગયા ત્યારે યશ બાંકડા નીચે લોહીલુહાણ હાલતમાં પડેલો દેખાયો હતો. તેનું ચંપલ બહાર દેખાતું હતું. યશ ફક્ત સોસાયટીનો જ નહીં, હિન્દમાતા માર્કેટનો લાડકો દીકરો હતો. આટલી નાની વયમાં મોટા લોકો સાથે તે જાણે વડીલ હોય એ રીતે વાતો કરતો હતો. તે ચાલ્યો જવાથી ફક્ત તેની મમ્મી રશ્મિ અને પિતા પ્રીતેશ જ નહીં, સોસાયટીએ એનો પુત્ર ખોયો છે, સોસાયટીનું હાસ્ય ખોયું છે. યશનું મોત એક વાત શીખવાડી ગયું છે કે બાળક ભલે એકલું રમવા જાય, પણ માવતરનું ધ્યાન તેના પર હોવું ખૂબ જરૂરી છે. દાદા મગનભાઈ અને દાદી અમેરિકાથી આવ્યા બાદ આજે યશની સ્મશાનયાત્રા નીકળશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK