૧ જણને પગલે બીજા ૪ જણ પણ ૧૧ વર્ષ લગી કરતા રહ્યા બળાત્કાર

માટુંગાની મહિલાની શૉકિંગ ફરિયાદમાટુંગામાં રહેતી એક મહિલાએ ફરિયાદ કરી છે કે તેને બ્લૅકમેઇલ કરીને પાંચ માણસોએ વારફરતી તેના પર સતત અગિયાર વર્ષ સુધી બળાત્કાર કર્યો હતો. મહિલાએ આ ફરિયાદ માટુંગા પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. પાંચ આરોપીઓમાંથી ત્રણને પોલીસે તેમના ઘરેથી પકડી પાડ્યા હતા, જ્યારે બાકીના બે આરોપીઓ હાલ કતારમાં હોવાથી તેમની ધરપકડ થઈ શકી નથી.

પોલીસે જણાવ્યું હતું કે ‘આ બનાવ ૨૦૦૩માં બન્યો હતો. ત્યારે મહિલાનો પતિ નોકરીની શોધમાં કતાર ગયો હતો. મહિલા દરરોજ તેની સાંભળી અને બોલી ન શકતી દીકરીને સ્કૂલમાં લેવા-મૂકવા માટે જતી હતી ત્યારે પાંચ આરોપીઓમાંનો એક શબ્બીર શેખ રોજ તેનો પીછો કરતો હતો. બાદમાં તેણે મીઠું બોલીને મહિલા સાથે મિત્રતા કેળવી હતી અને થોડા દિવસ બાદ તેને ભોળવીને માટુંગાની એક લૉજમાં લઈ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર કર્યો હતો.’

માટુંગા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત બન્કરે કહ્યું હતું કે ‘શબ્બીરે મહિલા પર બળાત્કાર કર્યા બાદ એક દિવસ દારૂના નશામાં પોતાના અન્ય ચાર મિત્રો સમક્ષ આખો બનાવ કહ્યો હતો. એમાં એક ટૅક્સી-ડ્રાઇવર પણ હતો જે દરરોજ તે મહિલાને તેની દીકરી સાથે સ્કૂલમાં લેવા-મૂકવા માટે જતો હતો. ટૅક્સી-ડ્રાઇવર સુરેન્દ્ર પિલ્લેએ આ વાતનો ફાયદો ઉઠાવીને મહિલાને આ આખો બનાવ તેના પતિને કહી દેશે એમ કહીને બ્લૅકમેઇલ કરીને તેના પર બળાત્કાર કર્યો હતો. શબ્બીર શેખના બાકીના ત્રણ સાથીદારો રાજેશ રવિ, રફીક અને કાસિમને જ્યારે ખબર પડી કે ટૅક્સી-ડ્રાઇવરે પણ ૩૫ વર્ષની મહિલા પર બળાત્કાર કર્યો છે ત્યારે તેમણે પણ તકનો લાભ લઈને મહિલાને તેના પતિને બધી વાત કહી દેશે એમ કહી બ્લૅકમેઇલ કરીને તેના પર બળાત્કાર કર્યો હતો.’

વારાફરતી પાંચ પુરુષોએ વર્ષો સુધી બ્લૅકમેઇલ કરીને મહિલા પર બળાત્કાર કર્યો હોવાની વાત છેવટે તેના પતિને ખબર પડી હતી. તેણે પોતાની પત્નીને આ બાબતે પૂછપરછ કરતાં તેણે પૂરો બનાવ કહ્યો હતો. બાદમાં ગઈ કાલે પતિ-પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે શબ્બીર શેખ, રાજેશ રવિ અને સુરેન્દ્ર પિલ્લેની ધરપકડ કરી હતી. બાકીના બે આરોપીઓ કતારમાં નોકરી કરતા હોવાથી તેમની ધરપકડ થઈ શકી નહોતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK