જ્યારે દીકરીઓએ પિતાને કાંધ આપી ત્યારે લોકો જોતા રહી ગયા

માટુંગાના જૈન સિનિયર સિટિઝનની તમામ અંતિમ વિધિ પણ પાંચ બહેનોએ જ મળીને કરી

daughters

પ્રીતિ ખુમાણ ઠાકુર

દીકરી તો પારકી થાપણ, પારકું ધન કહેવાય જ્યારે દીકરો મા-બાપના વૃદ્ધાવસ્થાની લાકડી બનશે, તેમનો સહારો બનશે એવી ભેદભાવપૂર્ણ વિચારશૈલીને તમાચો મારતું એક ઉત્તમ ઉદાહરણ ગઈ કાલે માટુંગાના એક જૈન પરિવાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. સમાજના આ સૌથી મોટા તફાવતને દૂર કરવાનો એક સંદેશ આપતાં માટુંગાના સિનિયર સિટિઝનની પાંચ દીકરીઓએ દીકરાની કમી મહેસૂસ થવા ન દીધી તેમ જ ઘરેથી તેમના પાર્થિવ શરીરને સ્મશાનભૂમિ સુધી લાવવાની સાથે દરેક અંતિમ વિધિ પાંચ દીકરીઓએ જ કરી હતી. આ બધામાં બહેનોના પતિ એટલે કે જમાઈઓએ પણ એટલો જ સાથ આપ્યો હતો.

માટુંગા (વેસ્ટ)માં ટી. એચ. કટારિયા રોડ પર આવેલા રામ રતન બિલ્ડિંગમાં રહેતા ૭૯ વર્ષના અમૃતલાલ લખમશી સાવલા તેમનાં પત્ની પુષ્પાબહેન સાથે રહેતા હતા. મંગળવારે બપોરે તેમનું કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું. અમૃતલાલ સાવલાને પાંચ દીકરીઓ છે અને બધાનાં લગ્ન થઈ ગયાં છે. જોકે અમૃતલાલ સાવલાના મૃત્યુ બાદ તેમની અંતિમ ક્રિયાથી લઈને અંતિમ વિધિ કોણ કરશે એવો વિચાર જ નહોતો આવ્યો, કારણ કે ‘હમ પાંચ’ તરીકે જાણીતી આ બહેનો જ સાવલાપરિવારના દીકરાઓ છે અને તેમને એ જ રીતે પરિવારે મોટી કરી હતી.

મારા પપ્પાને પાંચ દીકરીઓ હોવાનો ગર્વ હતો એમ જણાવતાં અમૃતલાલ સાવલાની બીજા નંબરની દીકરી ઇના ઉમેશ દેસાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પાંચ બહેનો હોવા છતાં અમારાં મમ્મી-પપ્પા ક્યારેય અમને દીકરાથી ઓછી સમજ્યાં નથી. ઊલટાનું દીકરા અને દીકરીમાં શું તફાવત છે એ પણ અમને ક્યારેય તેમણે ફીલ થવા નથી દીધું. મારી મોટી બહેન ઇલા કિશોર ગડા અને હું કાંદિવલીમાં, બીના મિતેશ હરિયા થાનગઢમાં, હર્ષિદા ભાવિક બીદ થાણેમાં, હેતલ રિતેશ શાહ માઝગાવમાં રહે છે. મારાં મમ્મી-પપ્પા બહેનોના પતિઓને એટલે કે જમાઈઓને દીકરાઓની જેમ જ રાખતાં હતાં. આટલો મોટો પરિવાર હોવા છતાં તેમણે ક્યારે પાંચ દીકરીઓ છે એવો અનુભવ નથી કરાવ્યો, પરંતુ તેમને તો પાંચ દીકરી હોવાનો ગર્વ હતો.’

અંતિમ ક્રિયા અમે બહેનો કરીએ એવી તેમની ઇચ્છા હતી એમ કહેતાં ઇનાબહેન ભાવુક થઈને બોલ્યાં હતાં કે ‘પપ્પા વાતવાતમાં કહેતા કે હું જ્યારે ન હોઉં ત્યારે મારી અંતિમ વિધિ અને અગ્નિદાહ મારી દીકરીઓ જ આપે તો મને શાંતિ મળશે. પપ્પાને લિવર પર ગાંઠ થવાથી સાત મહિના પહેલાં તેમનું ઑપરેશન કરાવ્યું હતું. શિવાજી પાર્ક પાસે પચાસ વર્ષ જૂની અમારી ઑટો સ્પેરપાટ્ર્સની ખૂબ ફેમસ શૉપ હતી અને પાંચ વર્ષ પહેલાં જ પપ્પાએ રિટાયરમેન્ટ લીધું હતું. સાત મહિના પહેલાં થયેલું ઑપરેશન તેઓ સ્વસ્થ અને ઍક્ટિવ હતા એટલે ડૉક્ટરે કર્યું હતું, પરંતુ બે મહિના પહેલાં તેમની તબિયત લથડી અને તેમની તબિયત ખરાબ રહેતી હતી. બે દિવસથી તેઓ રિસ્પૉન્સ પણ નહોતા આપતા એટલે અમે તેમને હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં, પરંતુ સારવાર આપ્યા છતાં તેમનો જીવ ન બચ્યો.’

રસ્તા પર લોકો અમને જોતા હતા એમ કહેતાં ઇનાબહેને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે પપ્પાનું પાર્થિવ શરીર ખભા પર અમે બહેનોએ ઉપાડ્યું હતું અને અમારા પતિ અમારા સર્પોટમાં સાથે હતા. રસ્તા પર જતી વખતે લોકો અમને જોઈ રહ્યા હતા કે દીકરીઓ આવું કરી રહી છે. ઘરે થયેલી અંતિમ વિધિ અને શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં થયેલી દરેક વિધિ અમે પોતે જ કરી હતી. પપ્પા ખૂબ લાગણીશીલ સ્વભાવના હોવાથી મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. પપ્પાના અગ્નિદાહથી લઈને દરેક વિધિ અમે કરી એનો અમને ગર્વ છે કે અમે અમારા પિતા માટે દીકરો બનીને ઊભી રહી. જોકે ભારતના દરેક સમાજના લોકો પણ આ તફાવતને દૂર કરવા માટે કંઈ વિચારે તો સમાજમાં ઘણી પૉઝિટિવ અસર જોવા મળશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK