સિદ્ધિવિનાયક મંદિરમાં થયેલા ગેરવહીવટ સામે સહીઝુંબેશ

પૈસાનો હિસાબ લઈને રહીશું એવું વલણ અપનાવીને ભ્રષ્ટાચાર વિરોધી કૃતિ સમિતિએ મહારાષ્ટ્રભરમાં શરૂ કર્યું આંદોલન

temple

મમતા પડિયા

સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટમાં શ્રદ્ધાળુઓના દાનની રકમનો ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ ગેરવ્યવહાર કર્યો છે એવો આક્ષેપ કરીને એને ઉઘાડો પાડવા સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર વિરોધી કૃતિ સમિતિએ મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં સહીઝુંબેશ આદરી છે. પચીસમી ફેબ્રુઆરીએ સિદ્ધિવિનાયક મંદિરના પ્રાંગણમાંથી શરૂ થયેલી સહીઝુંબેશ અત્યાર સુધીમાં મુંબઈ અને આસપાસનાં ૧૨ સ્થળોએ પહોંચી ગઈ છે અને એના હેઠળ ૫૦૦૦થી વધુ લોકોની સહી એકઠી થઈ હોવાનો દાવો સમિતિએ કર્યો છે. સિદ્ધિવિનાયક મંદિરમાં દાન કરાયેલા રૂપિયાનો દુરુપયોગ કરનારાઓ પાસેથી એ રૂપિયા વસૂલવા જોઈએ એવું વલણ અપનાવતાં આ સહીઝુંબેશ મુંબઈ પૂરતી સીમિત ન રાખતાં મહારાષ્ટ્રભરમાં ફેલાવાશે.

ભાંડુપમાં ત્રીજી અને ચોથી ફેબ્રુઆરીએ હિન્દુ જનજાગૃતિ સમિતિ દ્વારા પરિષદ યોજાઈ હતી જેમાં સિદ્ધિવિનાયક મંદિરમાં થયેલા ગેરવ્યવહારના મુદ્દે ચર્ચા થઈ હતી એમ જણાવીને સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર વિરોધી કૃતિ સમિતિના પ્રવક્તા સતીશ કોચેકરે કહ્યું હતું કે ‘થોડા સમય પહેલાં અમે ય્વ્ત્ ઍક્ટ હેઠળની અરજી મારફત મંદિરના ટ્રસ્ટ દ્વારા થયેલા પૈસાના વ્યવહારની માહિતી મેળવી હતી. આ માહિતી અંતર્ગત નિવૃત્ત જસ્ટિસ વી. પી. ટિપણીસના અહેવાલ મુજબ મંદિરના ટ્રસ્ટીઓએ લાખો રૂપિયાના વ્યવહાર કર્યા હતા અને એમાંથી ૩૭ ટ્રાન્ઝૅક્શન શંકાસ્પદ હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ બધામાં રાજકારણીઓના છેડા અડી રહ્યા હતા. મંદિરને દાનમાં મળેલી રકમમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારને ચલાવી નહીં લેવાય. આ વ્યવહાર માટે સંબંધિત અને જવાબદાર વ્યક્તિ પાસેથી મંદિરની રકમ વસૂલવી જોઈએ એવો અભિપ્રાય પરિષદમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. એ અંતર્ગત મુંબઈની જનતાનું ધ્યાન દોરવા વિવિધ સ્થળોએ સહીઝુંબેશ આદરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સહીઝુંબેશ મુંબઈ, થાણે અને નવી મુંબઈ સુધી સીમિત ન રાખતાં મહારાષ્ટ્રભરમાં યોજાશે.’

મંગળવારે આઝાદ મેદાનમાં અમે સહીઝુંબેશ આદરવાના છીએ એમ જણાવીને સતીશ કોચેકરે કહ્યું હતું કે ‘અમારી આ સહીઝુંબેશ અમર્યાદિત છે. અમારા કાર્યકરો આ મુદ્દે નાગરિકને સમજણ આપી રહ્યા છે અને તેમની સંમતિ મેળવીને સહી લે છે એથી આ ઝુંબેશ લાંબી ચાલશે અને એનો પડઘો ભારતભરમાં પડે એવા અમારા પ્રયત્ન રહેશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK