સિદ્ધિવિનાયકને ધરાતા રૂપિયા પંડિતજી સરકાવી લે છે?

મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ગર્ભગૃહમાં પૂજારીને આપવામાં આવતા પૈસાને પ્રસાદપાત્રમાં છુપાવવાનો વિડિયો વાઇરલ થયો : મંદિરનું પ્રશાસન કહે છે કે આ તો અમારી પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયાસ

temple3

મમતા પડિયા

સિદ્ધિવિનાયક મંદિરમાં દાનની રકમ દાનપાત્રમાં ન રાખીને એ પ્રસાદના પાત્રમાં છુપાવતા પૂજારીના વિડિયોએ સોશ્યલ મીડિયા પર હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વિડિયો મંદિરની પ્રતિષ્ઠા ખરડાવા માટે વાઇરલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ મંદિરના પ્રશાસને કર્યો છે. મંદિરના પ્રશાસને આ વિડિયો વિશે તપાસસમિતિ બેસાડી છે અને સંબંધિત સામે પગલાં ભરવામાં આવશે એવું વલણ અપનાવ્યું છે. ૧૨ ફેબ્રુઆરીએ સિદ્ધિવિનાયક મંદિરના ગભારાનો વિડિયો ઉતારનાર યુવાને અગાઉ પ્રશાસનને મહારાજની ગેરરીતિ બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે મહારાજનું વલણ બદલાયું છે કે નહીં એની ચકાસણી કર્યા બાદ તેને સમાજ અને મંદિરના પ્રશાસન સમક્ષ ઉઘાડો પાડવાના આશયથી વિડિયો ઉતાર્યો હોવાનો દાવો યુવાને કર્યો છે.

temple

વૉટ્સઍપ પર વાઇરલ થયેલા વિડિયોમાં સિદ્ધિવિનાયક મંદિરના ગર્ભગૃહમાં ગણેશજીની મૂર્તિ પાસે પ્રસાદ ચડાવતા પૂજારીને એક મહિલા ૧૦૦ રૂપિયાની નોટ આપે છે. પૂજારી ૧૦૦ રૂપિયાની આ નોટ દાનપાત્રમાં રાખે છે. ત્યારે તરત જ એક પુરુષ પૂજારીને ૫૦૦ રૂપિયાની નોટ આપે છે. ૫૦૦ રૂપિયાની નોટ દાનપાત્રની જગ્યાએ પ્રસાદ માટે રાખવામાં આવેલા તપેલામાં છુપાવીને રાખે છે. વિડિયો ઉતારનારે ૧૦૦ અને ૫૦૦ રૂપિયાનું વિશ્લેષણ કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં વહેતો કર્યો છે.

temple2

૯ ફેબ્રુઆરીએ મંદિરમાં પૂજારીએ જે કર્યું એ જોઈને હું સ્તબ્ધ થયો હતો એમ જણાવીને IT કંપનીમાં જૉબ કરતા ૩૧ વર્ષના આતિશ કરંજાવનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રદ્ધાળુ દ્વારા પૂજારીને અપાતી ૫૦૦ રૂપિયાની નોટ પ્રસાદપાત્રમાં મૂક્યા બાદ હળવેથી તે ધોતિયાના ગમછામાં છુપાવતો હતો. મેં પૂજારીનું નામ જાણીને આ વિશે ચંદ્રકાંત મૂળે નામના પૂજારી સામે લેખિતમાં મંદિરના પ્રશાસનને ફરિયાદ કરી હતી. મારી ફરિયાદની અસર થઈ છે કે નહીં એ જોવા ફરી ૧૨ ફેબ્રુઆરીએ હું ત્યાં ગયો. ત્યારે પૂજારીના વલણમાં જરાય ફરક પડ્યો નહોતો એ જોઈને હું આર્ય પામ્યો હતો, કારણ કે પહેલી વખત મેં ફરિયાદ કરી ત્યારે મંદિરના પ્રશાસને મને વિશ્વાસ અપાવ્યો હતો કે ભવિષ્યમાં પૂજારીઓ દ્વારા પૈસા સ્વીકારવામાં નહીં આવે અને જે પૂજારી પૈસા સ્વીકારશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એથી હું સામાન્ય જનતા અને મંદિરના પ્રશાસન સમક્ષ પુરાવો રજૂ કરી શકું એ માટે મેં વિડિયો ઉતાર્યો, પરંતુ સિક્યૉરિટીએ મને જોઈ લીધો. તેણે મારો મોબાઇલ બંધ કરવાનું કહ્યું. નહીં તો પૂજારી પ્રસાદના પાત્રમાંથી ૫૦૦ રૂપિયાની નોટ પોતાના ધોતિયાના ગમછામાં છુપાવે છે એ પણ સ્પષ્ટ દેખાડી શકાત.’

temple1

૯ ફેબ્રુઆરીએ મેં ફરિયાદ કરીને ગર્ભગૃહના CCTV કૅમેરાના ફુટેજની માગણી મંદિરના પ્રશાસન પાસે કરી હતી એમ જણાવીને આતિશ કરંજાવને કહ્યું હતું કે ‘સિક્યૉરિટીનું કારણ આગળ કરીને મને પ્રશાસને ફુટેજ આપવાની મનાઈ કરી હતી. ત્યારે મેં તેમને પ્રશ્ન કર્યો હતો કે કેટલીક ચૅનલોમાં પરોઢિયે થતી આરતીનાં લાઇવ દર્શનની લિન્ક પસાર કરવામાં આવે છે ત્યારે કેમ સુરક્ષાનો પ્રશ્ન નથી થતો. RTI ઍક્ટ હેઠળ અરજી કરીને મેં ૯ અને ૧૨ ફેબ્રુઆરીનાં CCTV કૅમેરાનાં ફુટેજ મેળવવાની અરજી કરી છે. ૧૨ ફેબ્રુઆરીએ ત્રણ પૂજારીમાંથી બે પૂજારીએ મારી નજર સામે પૈસા ગમછામાં રાખ્યા હતા અને CCTV કૅમેરાના ફુટેજમાં એ સ્પષ્ટ દેખાશે. મને ઑફિસમાં બેસાડીને આ મામલો રફેદફે કરવા માટે જણાવવામાં આવ્યું અને કાર્યવાહીના નામે માત્ર પૂજારી સામે પ્રશાસને શોકૉઝ નોટિસ બજાવી હતી. ગર્ભગૃહમાં થતી ગતિવિધિ દરેક શ્રદ્ધાળુ જોઈ શકે એ માટેની સુવિધા પૂરી પાડો, દાનપાત્રમાં પૈસા નાખવાનાં બોર્ડ મૂકો અને અનાઉન્સમેન્ટ કરાવતી પારદર્શકતા લાવવાની પદ્ધતિ મંદિરે અપનાવી જોઈએ એવી મેં દલીલ કરી હતી. અહીંના સ્થાનિક લોકો અને મંદિરના કેટલાક સ્ટાફને વિશ્વાસમાં રાખીને મેં માહિતી મેળવી હતી કે મંગળવાર, ગણેશોત્સવ અને સંકષ્ટીના દિવસે પૂજારીઓ ઓછામાં ઓછા ૨૦,૦૦૦ રૂપિયાથી વધુની આ રીતે કમાણી કરે છે. ૧૦૦ રૂપિયાની નોટ આપો તો તિલક કરે, ૫૦૦ રૂપિયા આપો તો શ્રીફળ અને હાર મળે અને ૨૦૦૦ રૂપિયાની નોટ મૂકો તો ઓમ ભટ્ટ સ્વાહા કરીને પૂજારી મંત્ર ઉચ્ચારે અને શ્રદ્ધાળુને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપીને થોડી વાર ઊભા રહેવા દે છે. આ મુદ્દે હું મુંબઈના પોલીસ-કમિશનર દત્તા પડસળગીકર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સુધી જઈશ.’

પૈસા દાનપાત્રમાં રાખવાનાં બોર્ડ મંદિરમાં લગાડવામાં આવ્યાં છે એમ જણાવીને સિદ્ધિવિનાયક મંદિરના પ્રેસિડન્ટ આદેશ બાંદેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિર દ્વારા વારંવાર શ્રદ્ધાળુઓને પેસા દાનપાત્રમાં નાખવાની અપીલ કરવામાં આવે છે અને પૂજારીઓ દ્વારા લેવાતી દક્ષિણા પણ મંદિરના દાનપાત્રમાં નાખવામાં આવે છે. રહી વાત વાઇરલ થયેલા વિડિયોની તો જેણે પણ આ વિડિયો ઉતાર્યો છે એ ખૂબ જ ચપળતાપૂર્વક અને યોજનાબદ્ધ કૃત્ય છે. બ્લૅક ઍન્ડ વાઇટ, ઝૂમ તેમ જ સ્પેશ્યલ ઇફેક્ટ આપીને એમાં ચેડાં કરવામાં આવ્યાં છે જેથી મંદિરની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે. અત્યંત ખોટી રીતે પૂર્વગ્રહ રાખીને આ વિડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. આવો વિડિયો વાઇરલ કરવા પાછળ તે વ્યક્તિને શું વ્યક્તિગત રસ છે એની અમને ખબર નથી. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સાત કરોડ દરદીઓને આર્થિક સહાય આપવા અને ડાયાલિસિસનાં ૧૦૨ મશીનની મદદ જેવાં જનતાનાં અનેક કામ કરવામાં આવે છે ત્યારે વિડિયોનું કૃત્ય ઊભું કરીને વર્ષો જૂના દેવસ્થાનની પ્રતિષ્ઠાનો ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે આ વિડિયો બાબતે મંદિર-પ્રશાસનના સ્તરે તપાસ બેસાડી છે અને એનો અહેવાલ મળતાં સંબંધિતો સામે આકરાં પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK