માટુંગા ફ્લાયઓવરની નીચે પાર્ક બનાવવાની પરમિશન આખરે મળી

સ્થાનિક રહેવાસીઓને બે વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા પછી આખરે સુધરાઈએ મંજૂરી આપી : એક કિલોમીટર લાંબો પાર્ક બનશે, જેને બનાવવા અને મેઇન્ટેન કરવા ત્રણેક કરોડ રૂપિયાની જરૂર પડશે


માટુંગાના રહેવાસીઓ કિંગ્સ સર્કલના તુળપુળે ચોક ફ્લાયઓવરની નીચેના એરિયાનું બ્યુટિફિકેશન પોતાની મેળે જ કરીને મુંબઈગરાઓ માટે એક ઉદાહરણ પુરું પાડવા સજ્જ થયા છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી પરમિશનો મેળવવા અહીંથી ત્યાં બે વર્ષ સુધી ધક્કા ખાધા બાદ આખરે આ ફ્લાયઓવર નીચેના એરિયાનું બ્યુટિફિકેશન કરવાની છૂટ મળતાં આ રહેવાસીઓ ઉત્સાહિત છે. તુળપુળે ફ્લાયઓવર નીચે અતિક્રમણ, પાર્કિંગ અને ગંદકીનું સામþાજ્ય હતું એનાથી ચેતી ગયેલા આ વિસ્તારના લોકોએ સુધરાઈનો સંપર્ક કરીને આ એરિયાનું બ્યુટિફિકેશન કરીને મેઇન્ટેન કરવાની ઇચ્છા દર્શાવી હતી.

આખરે બે વર્ષે આ રહેવાસીઓની મહેનત રંગ લાવી અને ગયા ગુરુવારે સુધરાઈએ તેમની યોજનાને પરમિશન આપી હતી. પ્લાન પ્રમાણે ફ્લાયઓવરની નીચે મહેશ્વરી ઉદ્યાનથી દાદર ટ્રામ ટર્મિનસ તરફ એક કિલોમીટર વિસ્તારમાં પાર્ક બનાવવામાં આવશે. આ પાર્કને તૈયાર કરવા અને મેઇન્ટેન કરવા માટે ત્રણેક કરોડ રૂપિયાની જરૂર હોવાથી રહેવાસીઓ મલ્ટિનૅશનલ કૉર્પોરેટ કંપનીઓનો સંપર્ક કરવા માગે છે.

આ વિસ્તારમાં રહેતા રવિ ચંદ્રને માહિતી આપી હતી કે ‘અમારા વિસ્તારના આ ફ્લાયઓવરની નીચે અમે મુંબઈનો બેસ્ટ પાર્ક બનાવવા માગીએ છીએ. એક દિવસ આ સ્થળે અમારી યોજના પ્રમાણેનું બ્યુટિફિકેશન થશે જ એવી આશાએ અમે આ જગ્યાનું ધ્યાન રાખવા બે વર્ષ પહેલાં જ એક વૉચમૅનની વ્યવસ્થા પણ કરી હતી. હવે સુધરાઈની પરમિશન મળી ગયા બાદ અમારું લક્ષ્ય છે પાર્ક માટેની સ્પૉન્સરશિપ. જરૂર પ્રમાણેનું ફન્ડ મળી જશે એટલે માત્ર ત્રણ જ મહિનામાં આ પ્રોજેક્ટ માટે જરૂરી બાંધકામ શરૂ કરવામાં આવશે.’ સુધરાઈના ઍડિશનલ કમિશનર એસ.વી.આર. શ્રીનિવાસે આ સમાચારને પુષ્ટિ આપતાં જણાવ્યું હતું કે આ ફ્લાયઓવર નીચે બ્યુટિફિકેશન માટે સુધરાઈએ પરમિશન આપી છે અને કામ પણ શરૂ થઈ ગયું છે. 


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK