સુધરાઈ ખાડા પૂરે છે કે મજાક કરે છે?

ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર ગાંધી માર્કેટ પાસે પડેલા ખાડા સુધરાઈએ ભર્યા પછી એક અઠવાડિયામાં એ પાછા ખૂલી ગયા ને ફરી પાછા ભર્યા બાદ પણ ગયા અઠવાડિયે પાછા ખૂલી ગયા




મયૂર સચદે

પહેલાં તો વરસાદની ડેડલાઇન પહેલાં ખાડા પૂરી દેવાનાં પ્રૉમિસ આપતી સુધરાઈએ પોતાના વાયદા પૂરા નથી કર્યા એવું ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પરથી પસાર થતા વાહનચાલકો તેમ જ ગાંધી માર્કેટ પાસે રહેતા લોકોનું કહેવું હતું, પણ પછી મોડી-મોડી જાગેલી સુધરાઈએ એ ખાડાઓને વરસાદ ચાલુ થયા બાદ ભર્યા હતા. ખાડા ભર્યા તો એવા ભર્યા કે ખાડા ફરી પાછા ખૂલી ગયા. ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી ગાંધી માર્કેટ પાસે રોડની હાલત અત્યંત કથળી ગઈ છે. આ રોડ પરથી દરરોજ અનેક વાહનો પસાર થાય છે. સાયનને સાઉથ મુંબઈ સાથે જોડતો આ અતિ મહત્વનો રોડ હંમેશાં ટ્રાફિકથી ધમધમતો હોય છે. વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાઈ જતું હતું. ખાડામાં જો કોઈ બાઇકર બૅલૅન્સ ચૂકી જાય તો તેને નક્કી ઈજા થઈ શકે. ૧૦ જુલાઈના મિડ-ડે LOCALમાં આ સમસ્યા પ્રસિદ્ધ થયા બાદ સુધરાઈએ ખાડા ભર્યા હતા, પણ એક વીકમાં ભારે વરસાદ આવતાં ખાડા ફરી ખૂલી ગયા હતા. ત્યાર બાદ ૨૧ જુલાઈએ ફરી પાછા ખાડાઓને પૂરવામાં આવ્યા હતા જે ફરી ખૂલી ગયા છે. સુધરાઈ ખાડા પૂરે છે કે મજાક કરે છે એવો સવાલ લોકોના મનમાં આવે છે.

આ બાબતે માહિતી આપતાં એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈને તો કાચાં કામ કરવા માટે અવૉર્ડ આપવો જોઈએ. સુધરાઈ બરાબર ખાડા નથી ભરતી એનો આ નમૂનો છે. દર વર્ષે વરસાદ પહેલાં અનેક પ્રૉમિસ આપતી સુધરાઈના કોઈ વાયદા પૂરા થતા નથી. પહેલાં રોડ પર સુધરાઈ દ્વારા ડામર પાથરવામાં આવ્યો હતો, પણ એના પર રોડરોલર ફેરવવામાં ન આવતાં ત્યાં ખાડા પડી ગયા હતા. મિડ-ડે LOCALમાં આ સમસ્યા પ્રસિદ્ધ થયા બાદ સુધરાઈએ ખાડા ભર્યા હતા. એને પણ સરખી રીતે જમીનમાં ન દબાવતાં એક વીકમાં જ ભારે વરસાદ આવવાથી ખાડા ફરી પાછા ખૂલી ગયા હતા. ત્યાર બાદ ફરી પાછા ખાડાને ભર્યા હતા. ૨૧ જુલાઈના ભરેલા ખાડા દસ દિવસ પણ નથી ટક્યા. સુધરાઈ પોતાનાં ખિસ્સાં ભરવાનાં કામ કરતી હોય છે.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK