સુધરાઈ પોતાની અક્કલનું પ્રદર્શન કરે છે?

ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર ગાંધી માર્કેટ પાસે પડેલા ખાડા સુધરાઈએ ભર્યા ખરા, પણ એક અઠવાડિયામાં એ પાછા ખૂલી ગયા એટલે ફરી પાછા ભર્યા

વરસાદ પહેલાં ખાડા પૂરી દેવાનાં પ્રૉમિસ આપતી સુધરાઈએ પોતાના વાયદા પૂરા નથી કર્યા એવું ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પરથી પસાર થતા વાહનચાલકો તેમ જ ગાંધી માર્કેટ પાસે રહેતા લોકોનું કહેવું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી ગાંધી માર્કેટ પાસે રોડની હાલત કથળી ગઈ છે. આ રોડ પરથી દરરોજ અનેક વાહનો પસાર થાય છે.

સાયનને સાઉથ મુંબઈ સાથે જોડતો આ અતિ મહત્વનો રોડ હંમેશાં ટ્રાફિકથી ધમધમતો હોય છે. વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાઈ જતું હતું. ખાડામાં જો કોઈ બાઇકર બૅલૅન્સ ચૂકી જાય તો તેને નક્કી ઈજા થઈ શકે. કૉન્ક્રીટના આ રોડના સળિયા પણ દેખાઈ આવે એવા મોટા ખાડા પડી ગયા હતા. ૧૦ જુલાઈના મિડ-ડે LOCALમાં આ સમસ્યા પ્રસિદ્ધ થયા બાદ સુધરાઈએ ખાડા ભર્યા હતા, પણ ખાડા ભરાવાના એક વીકમાં ભારે વરસાદ આવતાં ખાડા ફરી ખૂલી ગયા હતા. ત્યાર બાદ ગયા સોમવારે ફરી પાછા ખાડાઓને પૂરવામાં આવ્યા હતા. આવી વેઠ ઉતારવાનો શું મતલબ છે એવો સવાલ લોકોના મનમાં ઉદ્ભવે છે.

આ બાબતે માહિતી આપતાં એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈ કાચાં કામ કરવામાં એક્સપર્ટ છે એનો આ નમૂનો છે. દર વર્ષે વરસાદ પહેલાં અનેક પ્રૉમિસ આપતી સુધરાઈના કોઈ વાયદા પૂરા થતા નથી. પહેલાં રોડ પર સુધરાઈ દ્વારા ડામર પાથરવામાં આવ્યો હતો, પણ એના પર રોડ-રોલર ફેરવવામાં ન આવતાં ત્યાં ખાડા પડી ગયા હતા. મિડ-ડે LOCALમાં આ સમસ્યા પ્રસિદ્ધ થયા બાદ સુધરાઈએ ખાડા ભર્યા હતા એને પણ સરખી રીતે જમીનમાં ન દબાવતાં એક વીકમાં જ ભારે વરસાદ આવવાથી ખાડા ફરી પાછા ખૂલી ગયા છે. હવે ફરી પાછા ખાડાને ભર્યા છે. હવે જોવાનું છે કે એ કેટલા દિવસ ટકે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK