માટુંગાનું નપ્પુ ગ્રાઉન્ડ તળાવ બની ગયું

પ્રૉપર ડ્રેનેજની વ્યવસ્થા ન હોવાથી વરસાદનું પાણી ભરાતાં સ્થાનિક રહેવાસીઓને રોગચાળાનો ભય


મયૂર સચદે

માટુંગા-ઈસ્ટમાં આવેલા તેલંગ રોડ પર શાંતિલાલ સંઘાણી ચોક સામે આવેલા અને હાલમાં જ છ મહિના અગાઉ સુશોભીકરણ અને નૂતનીકરણ પામેલા નપ્પુ ગ્રાઉન્ડની હાલત કથળી ગઈ છે અને એ રેક્રીએશન ગ્રાઉન્ડની જગ્યાએ સ્વૈરવિહાર માટેનું જાણે તળાવ બની ગયું છે.

માટુંગા એની હરિયાળી અને ઓપન ગ્રાઉન્ડ માટે જાણીતું છે અને ત્યાંના લોકો દ્વારા એનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. નપ્પુ ગ્રાઉન્ડની સામે જ આર્ય મંદિર સ્કૂલ આવેલી છે અને તેના વિદ્યાર્થીઓ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત આ વિસ્તારનાં બાળકો રમતગમત માટે પણ એનો ઉપયોગ કરે છે. આ ગ્રાઉન્ડની હાલત ઘણી કથળેલી હતી અને ત્યાંના રહેવાસીઓની સતત માગણી બાદ સુધરાઈ દ્વારા માત્ર છ મહિના અગાઉ ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ-વૉલ અને ગેટ બનાવવામાં આવ્યાં હતાં. પરંતુ ગ્રાઉન્ડ પર પ્રૉપર ડ્રેનેજની વ્યવસ્થા ન કરી હોવાથી ખાતર પર દીવેલ જેવા હાલ છે. ભરવરસાદમાં અહીં જાણે તળાવ જ સરજાઈ જાય છે.

આ બાબતે નામ ન આપવાની શરતે એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ ગ્રાઉન્ડની સામે જ સ્કૂલનું પરિસર અને રહેણાક વિસ્તાર આવેલા છે. અહીં મુશળધાર વરસાદમાં ગ્રાઉન્ડમાં પાણી જમા થઈ જાય છે, જેના કારણે બાળકોની ઍક્ટિવિટી પણ બંધ થઈ જાય છે અને અમારા જેવા નાગરિકો જે આ ગ્રાઉન્ડનો વૉકિંગ માટે ઉપયોગ કરે છે એના પર પણ રોક લાગી જાય છે. આના કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ ઘણો વધી ગયો છે જેથી લોકોમાં ડેન્ગી, મલેરિયા, ટાઇફૉઇડ ફેલાવાનો ભય પ્રસયોર્ છે. સુધરાઈ પાણીના નિકાલ માટે પમ્પની તો વ્યવસ્થા નથી કરતી, પરંતુ આ ભરાયેલા પાણીને કારણે કોઈ રોગચાળો ન ફેલાય એ માટે કોઈ નક્કર પગલાં પણ ભરતી નથી. આથી અમે લોકો તકલીફ વેઠી રહ્યા છીએ. પૈસા ઉડાવવામાં માહેર સુધરાઈ પૈસાનું પાણી કરી રહી છે. સુધરાઈના અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરો વચ્ચે મિલીભગત હોય એમ લાગે છે અને એ બહાને અધિકારીઓ પોતાની તિજોરી તગડી કરી રહ્યા છે અને લોકો પિસાઈ રહ્યા છે. સુધરાઈ આ સમસ્યાનો જલદી નિવેડો લાવીને આ સમસ્યામાંથી મુક્તિ અપાવે તો એ અમારા પરનો ઉપકાર લેખાશે.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK