દાદરમાં દાદાસાહેબ ફાળકે માર્ગ પર ફૂટપાથના ચાલી રહેલા કામને કારણે પબ્લિકને થતી હેરાનગતિ

ફૂટપાથો પર બેસેલા ફેરિયાઓ તેમ જ રેતી અને પેવર બ્લૉક્સના મોટા ઢગલાઓ રસ્તામાં ચાલતી વખતે લોકોને અડચણરૂપ બને છે

દાદર-ઈસ્ટમાં સ્વામિનારાયણ મંદિરથી ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડને જોડતા દાદાસાહેબ ફાળકે માર્ગની બન્ને બાજુની ફૂટપાથો ખોદી નાખી હોવાને કારણે રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. એમાંય આ ફૂટપાથો પર ફેરિયાઓ બેસી ગયા હોવાને કારણે તેમ જ રેતી અને પેવર બ્લૉક્સના મોટા-મોટા ઢગલાઓ રસ્તામાં ચાલતી વખતે અડચણરૂપ હોવાથી રાહદારીઓ તેમ જ રેલવે-સ્ટેશન અને બસ-સ્ટૉપના પ્રવાસીઓની સમસ્યાઓ વધી જાય છે.

આ વિશે ત્યાંથી પસાર થઈ રહેલા વિપુલ પટેલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રસ્તાની બન્ને બાજુની ફૂટપાથો ખોદી નાખી હોવાને કારણે રાહદારીઓએ રસ્તા પરથી ચાલવું પડે છે. એને કારણે અકસ્માત થવાનો ભય રહે છે. આ રોડ સ્ટેશન રોડ અને દાદરના ફ્લાયઓવરને જોડતો હોવાને કારણે મોટી સંખ્યામાં વાહનો અને લોકોની અવરજવર રહે છે. આ રસ્તાની ફૂટપાથો મોટી હોવાને કારણે અડધી ફૂટપાથો પર ફેરિયાઓ બેસી ગયા હોવાને કારણે તેઓ જગ્યા રોકી લે છે અને પ્રવાસીઓ ત્યાંથી ચાલી શકતા નથી. એ સિવાય કામ ચાલી રહ્યું હોવાને કારણે રેતી અને પેવર બ્લૉક્સના ઢગલા ઠેર-ઠેર કરી દેવામાં આવ્યા છે. આ રેતીના ઢગલા પર લોકો પાન ખાઈ પિચકારીઓ મારે છે અને એનાથી ગંદકી ફેલાય છે.’

અન્ય રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સ્વામિનારાયણ મંદિરની લેનમાં આવેલી ફૂટપાથો કૉર્નર પરથી ખોદી હોવાને કારણે રાહદારીઓએ ઊંચકનીચકની રમત રમવી પડે છે. થોડી વાર ફૂટપાથ પર, ત્યાર બાદ ખોદકામને કારણે રસ્તા પર, ફરી વાહનોથી અથડાઈને અકસ્માત ન થાય એવા ડરથી ફૂટપાથ પર એમ ચડ-ઊતર કરવી પડે છે. આને કારણે ખાસ કરીને બાળકો, સિનિયર સિટિઝનો અને ગર્ભવતી મહિલાઓને મુશ્કેલી થાય છે. ફૂટપાથો પર ફેરિયાઓનો કબજો અને પેવર બ્લૉક્સ તેમ જ રેતીના ઢગલાને કારણે ફૂટપાથ બ્લૉક થઈ જાય છે અને રાહદારીઓને ચાલવા માટે જગ્યા મળતી નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK