સાયનમાં પ્રાઇવેટ બસોના પાર્કિંગના મામલામાં હજી પણ છે ઊકળતો ચરુ

ટ્રાવેલ્સવાળાઓએ ટ્રાફિકની સમસ્યા હલ કરવાની કોશિશ તો કરી હતી, પણ વર્ષોથી રહેલું વર્ચસ કોઈ પણ સંજોગોમાં છોડવું નથી એટલે અંદરખાને ઉશ્કેરાયેલા હોવાથી રહેવાસીઓને ડર


સાયન સર્કલ, સાયન સ્ટેશન અને સાયન-વેસ્ટમાં આવેલી ગુરુકૃપા હોટેલ પાસે ગેરકાયદે પાર્ક કરવામાં આવતી ટ્રાવેલ્સવાળાઓની પ્રાઇવેટ બસો વિશે ૬ ફેબ્રુઆરીએ મિડ-ડે LOCALમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ સાયન સર્કલ સિવાય અંદરના વિસ્તારોમાં બસોનું ગેરકાયદે પાર્કિંગ ઘણું ઓછું થયું છે. આ સામે ટ્રાવેલ્સવાળાઓએ ટ્રાફિકની સમસ્યા હલ કરવાની કોશિશ તો કરી હતી, પણ તેમનું વર્ષોથી રહેલું વર્ચસ તેઓ કોઈ સંજોગોમાં છોડવા ન માગતા હોવાનો અને તેઓ અંદરખાને ઉશ્કેરાયેલા હોવાનો નિર્દેશ રવિવારે નીતિન શેઠ અને ટ્રાવેલિંગ એજન્સીના માણસ સાથે બનેલી ઘટનાથી મળી રહ્યો છે.

રવિવારની ઘટનામાં સાયનના સ્થાનિક રહેવાસી નીતિન શેઠ ડિનર લઈને કારમાં ઘરે જઈ રહ્યા હતા. રસ્તાનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી રસ્તાને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યાંથી પસાર થતી વખતે રસ્તામાં વચોવચ પાર્ક કરેલી બાઇકને કારણે તેમની કાર જઈ શકે એટલી જગ્યા ન હોવાથી તેમની પત્ની હેમા શેઠે કારમાંથી નીચે ઊતરી આજુબાજુમાં બાઇક કોની છે એ બાબતે પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતાં તેમણે પોતે જ બાઇક હટાવવાની કોશિશ કરી હતી. જોકે બાઇકનું વજન તેઓ કન્ટ્રોલ ન કરી શકતાં બાઇક ઢળી પડી હતી. ત્યારે જ ત્યાં બાજુમાં ઊભા રહીને આઇસક્રીમ ખાઈ રહેલા બાવીસ વર્ષના શોએબ મોહમ્મદે મોટા અવાજે મારી બાઇકને હાથ કેમ લગાવ્યો એમ કહ્યું હતું. ત્યારે નીતિન શેઠે પણ કારમાંથી ઊતરી શોએબને બાઇક હટાવવા માટે રિક્વેસ્ટ કરી હતી. ત્યારે શોએબે બાઇક હટાવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. રિક્વેસ્ટ કર્યા પછી પણ બાઇક ન હટાવાતાં નીતિન શેઠે પોતે જ બાઇક હટાવવાની કોશિશ કરી હતી. એ સમયે શોએબે નીતિન શેઠને પાછળની તરફ ખેંચી જોર-જોરથી મારવાનું શરૂ કરી દીધું હતું. આ જોઈ ટ્રાવેલ્સવાળાની ઑફિસમાંથી શોએબના બે સાથીદારો પણ લડાઈમાં જોડાયા હતા અને નીતિન શેઠને મારવા લાગ્યા હતા. એથી હેમાબહેને તેમના પતિને બચાવવા માટે શોએબને રોકવાની કોશિશ કરી ત્યારે શોએબે તેમને પણ જોરથી ધક્કો માર્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. આ ઘટનાને કારણે નીતિન શેઠે તરત જ સાયન વેલ્ફેર ફોરમના મેમ્બરો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સાયન વેલ્ફેર ફોરમના મેમ્બરો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જોઈ આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ નિષ્ફળ રહ્યા હતા. પોલીસ સાથે પણ તેમણે દાદાગીરી કરતાં પોલીસની અન્ય ટુકડીની મદદ મગાવવી પડી હતી.

આ ઘટનાનો ભોગ બનેલા નીતિન શેઠે આક્ષેપ કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી ટ્રાવેલ્સવાળાઓ સાથેની લડત ચાલુ છે. મારા પર હાથ ઉપાડનાર અને મારઝૂડ કરનાર માણસ ટ્રાવેલ્સ એજન્સીવાળાઓનો જ માણસ છે.’

સાયન પોલીસે આ વિશે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આરોપી અને તેના સાથીદારોએ પોલીસ સાથે પણ દાદાગીરી કરી હતી. અમે કરેલી કાર્યવાહી બાદ અન્ય ટ્રાવેલ્સવાળાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાથી અમારે પોલીસની બીજી ટુકડી મગાવવી પડી હતી.’

આ પહેલાં શું બન્યું હતું?


સવારથી સાંજ સુધી સ્થાનિક વિસ્તારોમાં ગેરકાયદે પાર્ક કરવામાં આવતી ટ્રાવેલ્સવાળાઓની પ્રાઇવેટ બસો અને ગુડ્સના ટેમ્પોને કારણે સ્થાનિક રહેવાસીઓ છેડતી, ચોરી, ટ્રાફિક જૅમની સમસ્યા અને ખાસ કરીને ટ્રાવેલ્સવાળાઓની દાદાગીરીથી ત્રસ્ત થઈ ગયા છે. આ સમસ્યાઓને કારણે સ્થાનિક રહેવાસીઓ અને ટ્રાવેલ્સવાળાઓ વચ્ચે હંમેશાં ઝઘડો અને માથાકૂટ થાય છે અને વિવાદ ચાલે છે. આ વિવાદને પગલે સમસ્યાઓના ઉકેલ માટે કોળીવાડા વિકાસ મંચ અને સાયન વેલ્ફેર ફોરમ દ્વારા ૨૮ જાન્યુઆરીએ સ્થાનિક નગરસેવિકા, માટુંગાના ટ્રાફિક-અધિકારીઓ સાથે જૉઇન્ટ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં હાજર રહેલાં માટુંગાના ટ્રાફિક ડિવિઝનનાં ઇન્ચાર્જ સુજાતા પાટીલે સ્થાનિક રહેવાસીઓને ફક્ત સુફિયાણી સલાહ આપી આ સમસ્યા ટ્રાવેલ્સવાળાઓ સાથે મળીને જાતે જ પ્રૉબ્લેમ સૉલ્વ કરવા કહ્યું હતું. આ વિશે મિડ-ડે LOCALમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ સાયન સ્ટેશન અને સાયન સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં સમસ્યા એવી ને એવી જ છે, પરંતુ ગુરુકૃપા હોટેલ પાસેના અંદરના રસ્તાઓ પર બસો પાર્ક થતી હોવાનું ઘણું ઓછું થયું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું અને મિડ-ડે LOCALનો આભાર વ્યક્ત કર્યો હતો.

રવિવારની ઘટના પછી પ્રત્યાઘાત આપતાં સાયન વેલ્ફેર ફોરમના કુમાર વાલિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રવિવારે નીતિન શેઠ સાથે બનેલી ઘટના અન્ય સ્થાનિક લોકો સાથે પણ બની શકે છે. ટ્રાવેલ્સવાળાઓએ સ્થાનિક લોકોને ડરાવવા માટે હવે માફિયા જેવી ઍક્ટિવિટીઓ શરૂ કરી છે. તેઓ ઇચ્છે છે કે સ્થાનિક લોકો આ બધું ચૂપચાપ સહન કરી લે, પરંતુ તેમની દાદાગીરી અમે સહન કરી લઈશું નહીં. પ્રશાસન અને પોલીસને વિનંતી છે કે અમને સહકાર આપે અને જલદી અમારી આ સમસ્યાનો ઉકેલ આવે. અમે યુદ્ધ ઇચ્છતા નથી. અમે તેમનો ધંધો સારી રીતે ચાલે એ જ ઇચ્છીએ છીએ, પરંતુ સ્થાનિક લોકોને હેરાનગતિ આપીને નહીં. એથી બસોના પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે સર્વિસ રોડ પાસે પૂરતી જગ્યા પણ ફાળવી છે જે પ્રવાસીઓ અને બસો માટે ખૂબ જ અનુકૂળ છે. ત્યાં રેસિડેન્શિયલ વિસ્તાર પણ નથી કે કોઈને તકલીફ થાય.

આ માટે નગરસેવિકા રાજશ્રી શિરવાડકર પણ મદદ કરવા તૈયાર છે, પરંતુ ટ્રાવેલ્સવાળાઓ એકના બે થવા તૈયાર નથી.’

આ વિશે BJPનાં સ્થાનિક નગરસેવિકા રાજશ્રી શિરવાડકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે આ બાબતે પહેલાં પણ પોલીસને ફરિયાદ કરી છે. ટ્રાવેલ્સવાળાઓની દાદાગીરીને કારણે દિવસે-દિવસે આ મુદ્દો વધી રહ્યો છે. એથી ટ્રાવેલ્સવાળાઓને ચૂનાભઠ્ઠી પાસે રસ્તો ખાલી હોવાથી ત્યાં શિફ્ટિંગ આપવા કહ્યું હતું જ્યાં તેઓ બસો પાર્ક કરી શકશે અને લોકોને પણ તકલીફ થશે નહીં તેમ જ હંમેશાં માટે સૉલ્યુશન મળશે. હાલમાં આ બાબતે કાર્યવાહી ચાલુ છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK