ચોરી પર સીનાજોરી

રસ્તો પચાવી પાડનારા ટ્રાવેલ્સવાળાઓની દાદાગીરી માઝા મૂકે છે, સાયન સર્કલ પર આવેલી ટ્રાવેલિંગ એજન્સીઓ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ રવિવારે મારઝૂડ સુધી પહોંચ્યો : ગુજરાતી કપલ પર હાથ ઉપાડનારા પાંચની ધરપકડઅંકિતા સરીપડિયા

સાયન સર્કલ પાસે આવેલી કલ્પતરુ રેસિડન્સીમાં રહેતા ૪૬ વર્ષના નીતિન શેઠ તેમની ૪૩ વર્ષની પત્ની હેમા અને પુત્ર સાથે રવિવારે રાતે સવાઆઠ વાગ્યે ડિનર લઈને ઘરે જઈ રહ્યાં હતાં. એ વખતે રસ્તામાં વચ્ચોવચ પાર્ક થયેલી ૨૨ વર્ષના શોએબ મોહમ્મદની મોટરબાઇકને હટાવવા બદલ થયેલા ઝઘડામાં શોએબે નીતિન શેઠ અને તેમની પત્નીની મારઝૂડ કરી હતી. આ મોટરબાઇકવાળો ત્યાં આવેલી ટ્રાવેલ્સવાળાઓની ઑફિસમાં કામ કરે છે એટલે ઝઘડો થતાં તેના અન્ય સાથીદારો પણ મારામારીમાં જોડાયા હતા. આ ઘટના બાદ સાયન પોલીસે મારઝૂડ કરનારા ટ્રાવેલ્સવાળા પાંચ જણની ધરપકડ કરી હતી અને સોમવારે તેમને ર્કોટમાં રજૂ કર્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સાયન વેલ્ફેર ફોરમના મેમ્બરો અને સ્થાનિક નગરસેવિકા રાજશ્રી શિરવાડકર મદદ માટે દોડી આવ્યા હતા.

આ ઘટના વિશે જણાવતાં નીતિન શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે હું ડિનર લઈને કામાણી માર્ગ પરથી મારી કારમાં ઘરે જઈ રહ્યો હતો. કામાણી માર્ગનું થોડા સમયથી રિનોવેશન ચાલી રહ્યું છે. એને લીધે વાહનોને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. હું ત્યાંથી મારી કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં વચ્ચોવચ એક મોટરબાઇક પાર્ક કરેલી હતી એટલે મેં હૉર્ન વગાડ્યું હતું, પરંતુ કોઈ રિસ્પૉન્સ ન મળતાં મારી પત્નીએ કારમાંથી નીચે ઊતરી પાનના ગલ્લાવાળાને બાઇક વિશે પૂછયું ત્યારે ગલ્લાવાળાએ બાઇક વિશે કશી જાણ ન હોવાનું કહ્યું હતું. મારી પત્નીએ ત્યારે બાઇક હટાવવાની કોશિશ કરી જોઈ, પણ તેનાથી બૅલૅન્સ ન સચવાતાં બાઇક ઢળી પડી હતી. એ જોઈને ગલ્લાની બાજુમાં ઊભો રહીને આઇસક્રીમ ખાઈ રહેલો યુવક મારી બાઇકને હાથ કેમ અડાડ્યો કહીને મારી પત્ની પર ખિજાઈ રહ્યો હતો. એટલે હું તરત જ કારમાંથી નીચે ઊતર્યો અને મેં મારી કાર આગળ લઈ જવા માટે રસ્તા પરથી બાઇક હટાવવાની તેને રિક્વેસ્ટ કરી હતી. યુવકે તરત જ ના પાડી દીધી અને મેં મારી રીતે બાઇક હટાવવાની કોશિશ કરી જોઈ, પણ એટલામાં તો આરોપીએ મને તરત જ પાછળની તરફ ખેંચી લીધો હતો અને જોર-જોરથી મારવાનું શરૂ કરી દીધું. અમારી વચ્ચે મારામારી થતાં ટ્રાવેલ્સની ઑફિસમાંના તેના બીજા બે સાથીદારો પણ મારઝૂડ કરવા આવી પહોંચ્યા હતા. મારઝૂડ દરમ્યાન મારી પત્નીએ મને બચાવવાની કોશિશ કરી તો આરોપીઓએ તેને પણ જોરથી ધક્કો મારી દઈને અપશબ્દો કહ્યા હતા.’

આ ઘટના બાદ મેં સાયન પોલીસ-સ્ટેશનમાં ફોન કરીને ફરિયાદ કરી હતી એમ જણાવતાં નીતિન શેઠે કહ્યું હતું કે ‘ફરિયાદ બાદ ૧૦ મિનિટમાં જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જોકે ત્યારે આરોપીઓએ પોલીસને જોઈને ભાગવાના પ્રયાસ કર્યા હતા, પણ પોલીસે પીછો કરીને તેમને પકડી પાડ્યા હતા. એ વખતે અહીંના ટ્રાવેલ્સવાળાઓએ પોલીસ સાથે પણ ઝઘડો કર્યો હતો અને બૂમાબૂમ કરી મૂકી હતી. ટ્રાવેલ્સવાળાઓની સંખ્યા અને દાદાગીરી જોઈને પોલીસે વધુ ટુકડી બોલાવી લીધી હતી.’

વિવાદ શું ચાલે છે?

સાયન સર્કલ, સાયન સ્ટેશન અને ગુરુકૃપા હોટેલ પાસેના વિસ્તારોમાં તેમ જ અંદરના નાના રસ્તાઓ પર પણ ટ્રાવેલ્સની પ્રાઇવેટ બસો અને ગુડ્સના ટેમ્પો પાર્ક કરવામાં આવે છે. પ્રાઇવેટ બસોના પાર્કિંગને લીધે અંદરના રસ્તાઓ સહિત મોટા રસ્તાઓ પર પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને એને લીધે સ્થાનિક લોકોએ અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. એ સિવાય ચોરી અને મહિલાઓ છેડતીના પણ અનેક બનાવ બને છે. આ બાબતે સાયન વેલ્ફેર ફોરમના મેમ્બરો લડત ચલાવી રહ્યા છે. આ લડતમાં ટ્રાવેલ્સવાળાઓની હારને પગલે તેમણે હવે લોકોની મારઝૂડ શરૂ કરી દીધી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK