દાદરના ઉપેન્દ્રનગરના રહેવાસીઓમાં બૉમ્બ-બ્લાસ્ટ જેવી ઘટના બનવાનો ડર

નો પાર્કિંગનું બોર્ડ હોવા છતાં બહારનાં વાહનોના આડેધડ થતા પાર્કિંગને કારણે


દાદર-વેસ્ટમાં આવેલા ઉપેન્દ્રનગર પાસે વાહનચાલકો નો પાર્કિંગના બોર્ડ સાથે છેડછાડ કરી તેમનાં વાહનો પાર્ક કરીને જતા રહે છે એવો ઉપેન્દ્રનગરના રહેવાસીઓનો આક્ષેપ છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે આડેધડ થતા બહારનાં વાહનોના પાર્કિંગને કારણે ત્યાંના રહેવાસીઓ અને દુકાનદારોમાં બૉમ્બધડાકા જેવી કોઈ ઘટનાઓ તો નહીં બનેને એવો ગભરાટ રહે છે. એ સિવાય નાના એરિયાને કારણે સંકટ સમયે ફાયર-બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સ જેવાં વાહનો પણ અંદર જઈ શકતાં નથી.

આ વિશે સ્થાનિક રહેવાસી સુદર્શન માંડલિકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઉપેન્દ્રનગરમાં નો પાર્કિંગનું મોટું બોર્ડ લગાવ્યું હોવા છતાં સ્ટેશનથી આવતાં બહારનાં વાહનો અહીં અંદર ગમે એમ પાર્ક કરવામાં આવે છે. આ વિસ્તાર નાનો છે અને નાના વિસ્તારમાં જ્યાં જગ્યા મળે ત્યાં પાર્કિંગ થતું હોવાને કારણે ચાલવામાં તો તકલીફ થાય જ છે એ સિવાય આગ લાગે ત્યારે અથવા પેશન્ટ માટે ઍમ્બ્યુલન્સ અંદર લઈ જવી હોય એવા સમયે ફાયર-બ્રિગેડ કે ઍમ્બ્યુલન્સ જેવાં વાહનો પણ અંદર આવી શકતાં નથી. છેલ્લે ગણપતિના તહેવારમાં અહીં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે પાર્ક કરેલાં વાહનોને કારણે આગ બુઝાવવા ફાયર-બ્રિગેડ અંદર જઈ શકી નહોતી.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘આ વિસ્તાર પહેલાં રેસિડેન્શિયલ વિસ્તાર હતો, પરંતુ ધીમે-ધીમે અહીં દુકાનો શરૂ થતાં એ કમર્શિયલ બની ગયો છે. અહીં નજીકમાં ફૂલમાર્કેટ આવેલી છે. સુધરાઈના અધિકારીઓ કાર્યવાહી માટે અહીં આવે ત્યારે ફૂલનો ધંધો કરનારા વેપારીઓ આ જ વિસ્તારમાં અંદર આવી બેસી જાય છે. આમ બહારનાં વાહનો અને અજાણ્યા માણસોને કારણે અમને રહેવાસીઓને ડર છે કે કોઈ વાર અમારા વિસ્તારમાં કોઈ બૉમ્બધડાકા જેવી ઘટના બને નહીં.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK