માટુંગામાં ગાર્ડન્સના મેઇન્ટેનન્સને બદલે સુધરાઈ કરે છે ફાલતુ રાઇડ્સ પાછળ ખર્ચ

જરૂર હોય ત્યાં પૈસા વાપરવાને બદલે લોકોના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો હોવાનો ગ્રીનરીપ્રેમીઓએ કર્યો આક્ષેપઅંકિતા સરીપડિયા

માટુંગા-ઈસ્ટમાં આવેલા સુધરાઈના BN વૈદ્ય અને નપુ ગાર્ડનમાં જ્યાં જરૂર છે એની પાછળ ખર્ચ કરવાને બદલે સુધરાઈ નકામી વસ્તુઓ પાછળ ખર્ચ કરીને લોકોના પૈસાનો વેડફાટ કરી રહી છે અને આ માટે કૉન્ગ્રેસનાં સ્થાનિક નગરસેવિકા નયના શેઠ જવાબદાર હોવાનો સ્થાનિક રહેવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે. રહેવાસીઓએ કહ્યું હતું કે ‘આ બન્ને ગાર્ડનમાં ચિલ્ડ્રન્સ ઝોનમાં રમતોનાં સાધનો તૂટેલાં અને ખરાબ હાલતમાં છે. એનું રિપ્લેસમેન્ટ કે સમારકામ કરવાને બદલે સ્થાનિક નગરસેવિકા દ્વારા અન્ય રમતોનાં સાધનો ઇન્સ્ટૉલ કરવામાં આવી રહ્યાં છે.’

આ સંદર્ભમાં ગ્રીનરીપ્રેમી અને ગ્રીનરી માટે વષોર્થી લડી રહેલા સામાજિક કાર્યકર નિખિલ દેસાઈએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હિન્દુ કૉલોની પાસે આવેલા BN વૈદ્ય ગાર્ડનના ચિલ્ડ્રન્સ ઝોનમાં અનેક સમસ્યાઓ છે. એના પર ધ્યાન આપવાને બદલે નગરસેવિકા તેમની નામના માટે બાળકો રમી પણ ન શકે એવી રમતનાં સાધનો ઇન્સ્ટૉલ કરી રહ્યાં છે. આમ કામની નહીં પરંતુ ન વપરાતી વસ્તુઓમાં ફન્ડ વાપરવામાં આવી રહ્યું છે. આ ગાર્ડનમાં બાળકો માટે ફક્ત એક જ હીંચકો છે, બાકીના બધા હીંચકાઓનાં ફક્ત સ્ટૅન્ડ લાગેલાં છે જેના પર કોઈ હીંચકા છે જ નહીં. ત્રણમાંથી એક સ્લાઇડની હાલત એટલી ખરાબ છે કે બાળકો એના પર ચડી શકે નહીં અને જો ચડી પણ જાય તો ઈજાગ્રસ્ત થવાની પૂરેપૂરી શક્યતા છે. એ સિવાય બેસવા માટેની બેન્ચ પણ તૂટેલી છે અને અન્ય સ્લાઇડ જે તૂટેલી હાલતમાં છે એ કાઢીને સાઇડમાં મૂકી દેવામાં આવી છે.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘અહીં બાજુમાં જ રેલવેનું યાર્ડ આવેલું છે જ્યાં સુરક્ષા માટે તાર બાંધવામાં આવ્યા છે, પરંતુ એ તાર પણ તૂટીને ગાર્ડનમાં અંદરની તરફ પડેલા હોવાથી બાળકોને એ વાગી જવાનો ભય રહે છે. બાળકો બિન્દાસ રમી શકતાં નથી. ગાર્ડનમાં રોપથી ઉપર ચડવાની એક ગેમ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે જેના પરથી એક બાળક પડી જતાં ઈજા થયા બાદ કોઈ બાળકો એના પર ચડતાં નથી. બૉલ નાખવાની એક ગેમ લગાવવામાં આવી છે એનો પણ બાળકો બૉલ વગર ઉપયોગ કરી શકતાં નથી. બેસવા માટેના બે-ચાર હીંચકાઓ લગાડી એના પર નગરસેવિકાએ પોતાના નામની તક્તી લગાડી દીધી છે, પરંતુ તેઓ મુખ્ય સમસ્યાઓ પર ધ્યાન નથી આપી રહ્યાં.’

આ જ રીતે નપુ ગાર્ડનમાં પણ અનેક સમસ્યાઓ હોવાને કારણે બાળકો આ બધી સુવિધાઓનો લાભ નથી લઈ શકતાં. સુધરાઈનું ફન્ડ ક્યાં વાપરવામાં આવી રહ્યું છે એવો પ્રશ્ન નગરસેવિકા નયના શેઠને કરતાં તેમણે આ બાબતે કંઈ પણ જવાબ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK