ફેરિયાઓ અને ફૂલવાળા પર કેમ સુધરાઈ કોઈ કાર્યવાહી કરતી નથી?

દાદરના સેનાપતિ બાપટ માર્ગના રહેવાસીઓ પૂછી રહ્યા છે સવાલ, તેમનું કહેવું છે કે સામાન્ય નાગરિક રસ્તામાં ગંદકી કરે તો તેને ફાઇન કરવામાં આવે છે, પણ જે લોકો રોજ ગંદકી કરે છે તેઓ તો હાથ ખંખેરીને જતા રહે છે

દાદર-વેસ્ટના સેનાપતિ બાપટ માર્ગ પર આવેલી ફૂલમાર્કેટને કારણે આ વિસ્તારમાં ગંદકી ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ‘અમારો ફૂલમાર્કેટ સામે વિરોધ નથી, પણ સુધરાઈએ જ્યારે આટલી મોટી ફૂલમાર્કેટ ચલાવવાની પરવાનગી આપી છે તો આ વિસ્તારમાં ફૂલમાર્કેટને લીધે થતી ગંદકી સાફ કરવા માટેનો પ્રબંધ કરવો પણ એટલો જ જરૂરી છે. સુધરાઈએ કાયદો બનાવીને જે ફૂલવાળાઓ અને ફેરિયાઓ અહીં કચરો ફેંકીને જતા રહેતા હોય તેમના પર દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે સુધરાઈએ ક્લીન-અપ માર્શલની સામાન્ય નાગરિક પર નજર રાખવા નિમણૂક કરી છે એ જ સુધરાઈ કેમ ફેરિયાઓ પર દંડાત્મક કાર્યવાહી કરતી નથી.’

આ ફરિયાદ કરતાં આ વિસ્તારના યુવાન સામાજિક કાર્યકર અને સ્થાનિક રહેવાસી પિન્કેશ પૂજે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એક-બે દિવસની વાત હોય તો સહન પણ કરી લેવાય, પણ અહીં તો રોજનું થઈ ગયું છે. વષોર્થી ગંદકી કરે કોઈ અને ભોગવે કોઈનો ઘાટ ચાલી રહ્યો છે. ફૂલવાળાઓ તેમનો ધંધો કરી હાથ ખંખેરીને જતા રહે છે. તેમને લીધે થતી ગંદકી નથી તેઓ સાફ કરીને જતા, નથી સુધરાઈ એને સાફ કરવા આગળ આવતી. અહીંની ગટરોની અંદર ફૂલવાળાઓને લીધે ભેગો થતો કચરો જમા થાય છે. ગટરો સમયે-સમયે સાફ ન થતી હોવાથી અંદરથી જૅમ થઈ જાય છે જેની અસર નજીકનાં બિલ્ડિંગોને અને માર્કેટોને થાય છે. આ બાબતમાં અનેક વાર ફરિયાદ કરવામાં આવવા છતાં સુધરાઈ તરફથી કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK