રેસિડેન્શિયલ વિસ્તારમાં સુધરાઈની ગાર્બેજ ટ્રક્સ હવેથી ઊભી નહીં રહે

માટુંગાના રહેવાસીઓની ત્રીસ વર્ષ જૂની સમસ્યાનો અંત લાવતો કોર્ટનો ચુકાદો, કોર્ટે આદેશ આપીને રહેઠાણો ન હોય એવી જગ્યાએ કચરાની ટ્રકોની એન્ટ્રી માટેની ચોકી ખોલવા માટે કહ્યું


રોહિત પરીખ

હાઈ કોર્ટે આપેલા ચુકાદાને પરિણામે આ મહિનાના અંતથી સુધરાઈની કચરો ભરેલી ટ્રકોની એન્ટ્રી માટેની ચોકી (મોટર લોડર ચોકી) વડાલાના રફી અહમદ કિડવાઈ રોડ પર ખસેડવામાં આવશે. માટુંગા અને કિંગ્સ સર્કલના રહેવાસીઓની ઘણા લાંબા સમયથી માગણી હતી કે કચરો ભરેલી ટ્રકો નૉન-રેસિડેન્શિયલ વિસ્તારમાં હોવી જોઈએ, પણ સુધરાઈના અધિકારીઓના મગજમાં આ વાત ઘૂસતી નહોતી. એને પરિણામે રહેવાસીઓએ કોર્ટનો સહારો લેવો પડ્યો હતો. એમાં સાત વર્ષે કોર્ટે રહેવાસીઓની ફેવરમાં ચુકાદો આપ્યો હતો.

સુધરાઈની કચરાથી ભરેલી ટ્રકો એની એન્ટ્રી કરવા માટે ૩૦ વર્ષથી વધુ સમયથી માટુંગા-ઈસ્ટના ભાઉદાજી રોડ અને તેલંગ રોડ પર આવીને ઊભી રહેતી હતી, જેને લીધે આ વિસ્તાર ચાર-પાંચ કલાક સુધી દુર્ગંધમય બની જતો હતો. એટલું જ નહીં, આ ટ્રકોમાંથી વેરાતા કચરાથી આ વિસ્તારમાં ગંદકી ફેલાતી હતી. આનાથી ત્રાસેલા રહેવાસીઓએ અનેક વાર સુધરાઈના સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરી હોવા છતાં તેમની ફરિયાદો પર સુધરાઈના અધિકારીઓએ ધ્યાન આપ્યું નહોતું. આખરે ૨૦૦૬માં તેલંગ રોડ રેસિડન્ટ્સ અસોસિએશન બનાવીને રહેવાસીઓએ હાઈ કોર્ટનો સહારો લીધો હતો. એમાં રહેવાસીઓની જીત થઈ હતી અને કોર્ટે આદેશ આપીને સુધરાઈને જ્યાં રહેઠાણો ન હોય એવી જગ્યાએ કચરાની ટ્રકોની એન્ટ્રી માટેની ચોકી ખોલવા કહ્યું હતું. કોર્ટના આદેશ પછી પણ સુધરાઈના અધિકારીઓએ આ બાબતે ઠંડું વલણ અપનાવ્યું હતું, પણ રહેવાસીઓની જાગરૂકતા અને મહેનત સામે આખરે સુધરાઈએ ઝૂકવું પડ્યું હતું અને કચરા ટ્રકો માટે જે વિસ્તારમાં સ્લમ કે અન્ય કોઈ રહેઠાણો ન હોય એવી જગ્યાએ એમની ચોકી બનાવવાનો નર્ણિય લેવો પડ્યો હતો.

આ માહિતી આપતાં આ ચોકી સામે અવાજ ઉઠાવનાર ગાંગજી દેઢિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આરોગ્ય માટે હાનિકારક એવી આ ચોકીથી અમારા વિસ્તારના રહેવાસીઓ ત્રસ્ત થઈ ગયા હતા. અમને સુધરાઈના અધિકારીઓ તરફથી કોઈ જ પ્રતિસાદ મળતો નહોતો, પણ અમે હાર્યા નહોતા. અમે આ ચોકીના વિરોધમાં જનહિતની અરજી કોર્ટમાં ફાઇલ કરી હતી, જેનો ચુકાદો મોડો-મોડો પણ અમારી ફેવરમાં આવ્યો એનો અમને આનંદ છે.’

જાગરૂકતાની જીત


આ કેસથી એ સાબિત થાય છે કે લોકો જાગરૂક રહે તો ગમે અવી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે એમ જણાવતાં ફ્લૅન્ક રોડ સિટિઝન્સ ફોરમના કાર્યકર ગૌરાંગ દામાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જેવો કોર્ટે તેલંગ રોડ પરથી ચોકી હટાવવાનો ચુકાદો આપ્યો કે તરત જ અમને ખબર પડી કે સુધરાઈ આ ચોકી ષણ્મુખાનંદ હૉલની બહાર લાવવાનો નર્ણિય લઈ રહી છે. તરત જ ૨૦૧૨માં અમારા અસોસિએશને કોર્ટમાં જનહિતની અરજી ફાઇલ કરી હતી, જેમાં ચોકી રહેઠાણ વિસ્તારની બહાર જ હોવી જોઈએ એવી માગણી કરી હતી. અમારી સમયસરની જાગરૂકતાને કારણે ચોકી તેલંગ રોડથી ષણ્મુખાનંદ હૉલ પાસે આવતાં અટકી ગઈ હતી અને વડાલાના રફી કિડવાઈ રોડ પર જ્યાં નથી સ્લમ કે નથી બિલ્ડિંગો એ વિસ્તારમાં શિફ્ટ કરવાનો કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેને સુધરાઈએ મને-કમને પણ સ્વીકાયોર્ હતો. ઑક્ટોબર ૨૦૧૩ના કોર્ટના ચુકાદા પછી સુધરાઈ આ કાર્યવાહી ખૂબ જ સ્લો કરી રહી હતી, પણ અમે હાથ જોડીને ન બેસતાં આખરે ડિસેમ્બર મહિનાના અંતમાં સુધરાઈ ચોકી વડાલામાં શરૂ કરશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK