તમારી પાસે કોઈ વિશ્વાસુ માણસ હોય તો આપો, અમે તેને તરત જ કામ પર લગાડી દઈશું; તેની પાસેથી એક પણ રૂપિયો નહીં લઈએ

૨૪ કલાક ટૉઇલેટનું ધ્યાન રાખે અને જવાબદારી સંભાળી શકે એવો માણસ ન મળતાં સેન્ટ્રલ રેલવેના માટુંગા સ્ટેશનના સ્ટેશન-મૅનેજરે મિડ-ડે LOCALને કહ્યું, બાર મહિના કરતાં વધુ સમયથી પ્લૅટફૉર્મ-નંબર એક અને બે વચ્ચે આવેલાં ટૉઇલેટ અને યુરિનલને તાળાં લગાવવામાં આવ્યાં છે

તમારી પાસે કોઈ વિશ્વાસુ માણસ હોય તો આપો, અમે તેને તરત જ કામ પર લગાડી દઈશું. તેની પાસેથી એક પણ રૂપિયો નહીં લઈએ.

સેન્ટ્રલ રેલવેના માટુંગા સ્ટેશન પર છેલ્લા બાર મહિનાથી ટૉઇલેટ અને યુરિનલને તાળાં લગાડી દેવામાં આવ્યાં છે. આની તપાસ કરવા ગયેલા મિડ-ડે LOCALને સ્ટેશન-મૅનેજરે આવો જવાબ આપ્યો હતો.

યાત્રીઓને સુરક્ષા અને સુવિધા આપવાના નામે રેલવે ગમે એ સમયે રેલવેનાં ભાડાંમાં વધારો કરે છે, પણ ભાડાં વધ્યા પછી સુવિધાના નામે તો મીંડું જ હોય છે. આનું એક ઉદાહરણ સેન્ટ્રલ રેલવેનું માટુંગા સ્ટેશન છે. આ સ્ટેશન પરથી રોજના રેલવે વર્કશૉપના હજારો કર્મચારીઓ, સ્કૂલ અને કૉલેજના સ્ટુડન્ટ્સ, બિઝનેસમેન અને અન્ય યાત્રીઓ મુંબઈના વિવિધ ખૂણાઓમાં અપ-ડાઉન કરે છે. અહીંના એક અને બે નંબરના પ્લૅટફૉર્મ પર ઘ્લ્વ્ તરફ વર્ષોથી યુરિનલ અને ટૉઇલેટની વ્યવસ્થા હતી જે બાર મહિના કરતાં વધુ સમયથી બંધ કરી દેવામાં આવી છે.

આ સમસ્યાનું કારણ આપતાં માટુંગા રેલવે-સ્ટેશનના મૅનેજરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અત્યારે બહુ જ કટોકટીનો સમય ચાલી રહ્યો છે. લેડીઝ ટૉઇલેટની સંભાળ લેવી હવે પહેલાં કરતાં વધુ મહત્વનું થઈ ગયું છે. ૨૪ કલાક અહીંના ટૉઇલેટનું ધ્યાન રાખે એવી વ્યક્તિ જોઈએ અને તે પણ જવાબદારી સંભાળી શકે એવી હોવી જોઈએ. અહીંના ટૉઇલેટની સંભાળ અને જાળવણીની જવાબદારી કૉન્ટ્રૅક્ટરની છે. રેલવેએ અનેક વાર આ માટે ટેન્ડર કાઢ્યાં હોવા છતાં અહીંનાં ટૉઇલેટ્સ-યુરિનલની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. અહીં પાણીથી લઈને બધી જ સુવિધા છે, પણ કમાણી નથી એટલે કોઈ માણસ નોકરીમાં ટકતું નથી. રેલવેને સો રૂપિયા ચૂકવનાર જો દિવસના ૨૦૦ રૂપિયા ન કમાય તો એનો કંઈ ફાયદો નથી.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘લેડીઝ ટૉઇલેટમાં ગયેલી લેડી પર કોઈ માણસ રેપ ન કરી જાય કે તેનો વિનયભંગ ન કરે એવી વ્યક્તિ હવે રાખવી અત્યંત જરૂરી છે. ગમે એવા માણસના હાથમાં આ કારોબાર સોંપવાના દિવસો રહ્યા નથી. રેલવે પાસે આવા માણસો છે જ નહીં. વચ્ચે દાદરથી એક સિનિયર સિટિઝન બાઈને રાખવામાં આવી હતી. તે બેજવાબદારીપૂર્વક એક દિવસ અહીં એક માણસને પૂરીને જતી રહી હતી. આ તો સમયસર કોઈનું ધ્યાન ગયું, નહીંતર લેવાના દેવા થઈ જાત. આ સ્ટેશન પરથી મોટી સંખ્યામાં સ્ટુન્ડટ્સ અવરજવર કરે છે એટલે અહીંનાં ટૉઇલેટનો બહુ ઉપયોગ થતો નથી. સ્ટેશન પાસે જ હવે સુધરાઈની માર્કેટમાં આવેલા ટૉઇલેટનો લોકો વધુ ઉપયોગ કરે છે. આમ છતાં તમારી પાસે પણ કોઈ સારો અને વિશ્વાસુ માણસ હોય તો લઈ આવો, રેલવેના સત્તાવાળાઓ હવે કંટાળી ગયા છે. તેઓ એક પણ રૂપિયાના સ્વાર્થ વગર તે માણસને અહીંની જવાબદારીનું કામ સોંપી દેશે.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK