સાયન ને કોલીવાડા રોડ પર કાર-મેકૅનિકો દ્વારા પાર્ક થતાં તથા અજાણ્યાં વાહનોનો ત્રાસ

મહિનાઓ સુધી વાહનો આડેધડ પાર્ક થતાં હોવાથી આ વિસ્તાર અસુરક્ષિત અને ગંદો બની ગયો હોવાનો રહેવાસીઓનો આક્ષેપ : અહીંની સ્વચ્છતા અને સુરક્ષા માટે ૭૭ વર્ષનાં સાઉથ ઇન્ડિયન સિનિયર સિટિઝન લડત ચલાવી રહ્યાં છેરોહિત પરીખ

પોલીસ મોટી-મોટી જાહેરાતો કરીને લોકોને ચેતવણી આપે છે કે અજાણી વસ્તુઓથી સાવધાન રહો, કોઈક અજાણી વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરો; પરંતુ એનાથી વિપરીત પરિસ્થિતિ સાયન-કોલીવાડા રોડની છે. આ રોડની આજુબાજુના વિસ્તારમાં મહિનાઓથી અજાણ્યાં વાહનો પાર્કિંગ થયેલાં પડ્યાં હોવા છતાં પોલીસ આ બાબતે કોઈ જ પગલાં નથી લેતી એવો આક્ષેપ આ વિસ્તારના રહેવાસીઓ કરી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓએ કહ્યું હતું કે ‘પોલીસ અને રાજકારણીઓ સાથેની સાઠગાંઠના પરિણામે આ વિસ્તારમાં કાર-મેકૅનિકો આડેધડ વાહન પાર્ક કરે છે અને મહિનાઓ સુધી અજાણ્યાં પડેલાં વાહનોને હટાવવામાં આવતાં નથી. એને પરિણામે આ વિસ્તાર અસુરક્ષિત બની ગયો છે. સુધરાઈ તરફથી આ વિસ્તારમાં સાફસફાઈ પણ થતી નથી. આ વિસ્તારમાં પોલીસ બીટ-ચોકી અને ૧૦૦ મીટરના અંતરે જ માટુંગાની RTO ચોકી આવી હોવા છતાં રહેવાસીઓને આમાંથી મુક્તિ મળતી નથી. ઉપરથી કાર-મેકૅનિકોના તેઓ દુશ્મન બની જાય છે.’

સૌથી મહત્વની આ વિસ્તારની વાત એ છે કે આ વિસ્તારમાં આવેલી રામનિવાસ સોસાયટી સામે જ એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેની કૅરટેકર રામનિવાસ સોસાયટી જ છે. આ ગાર્ડનની ત્રણે બાજુ સ્થાનિક રહેવાસીઓ તો કાર પાર્ક કરે જ છે, પણ એની સાથે નંબર-પ્લેટ વગરની અનેક ભંગાર અને ધૂળ ખાતી મોટરબાઇક અને કાર પાર્ક થયેલી છે જેને કારણે આ ગાર્ડનની આસપાસ ગંદકી વધી રહી છે. રામનિવાસ સોસાયટીમાં રહેતાં ૭૭ વર્ષનાં સાઉથ ઇન્ડિયન સિનિયર સિટિઝન જેમને કારણે આ ગાર્ડન ઊભું થયું છે તેઓ વર્ષોથી આ સમસ્યા માટે લડી રહ્યાં હોવા છતાં તેમને પોલીસ કે સુધરાઈ તરફથી જોઈતો સહકાર મળતો નથી.

આ સંદર્ભે વાતચીત કરતાં જાનકી સ્વામીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું કોઈની રોજીરોટીની વિરોધી નથી છતાં જેમ તેમને કમાવાનો અધિકાર છે એમ અમારો પણ શાંતિથી રહેવાનો અધિકાર છે. એના પર કોઈ તરાપ મારે ત્યારે એની સામે લડવું જરૂરી બની જાય છે. આવી જ એક લડત આજથી બે વર્ષ પહેલાં સાયન-કોલીવાડા રોડની આજુબાજુ આવેલી બધી સોસાયટીના રહેવાસીઓએ સાથે મળીને આ વિસ્તારમાં થતા ગેરકાયદે પાર્કિંગ સામે શરૂ કરી હતી. જેને ચૅલેન્જ આપી હતી તે કાર-મેકૅનિકોની મદદે એ વખતે અહીંનો એક રાજકારણી આગળ આવ્યો હતો, જેથી પોલીસ અને સુધરાઈના હાથ બંધાઈ ગયા હતા. રાજકારણીએ કરેલી મધ્યસ્થીને લીધે થોડી ધમાલ થઈ હતી. એમ છતાં હું હિંમત નથી હારી. ગાર્ડન એટલે આરોગ્યવર્ધક સ્થાન. ગ્રીનરીની આસપાસ રહેનારાઓના આરોગ્યને એનાથી ફાયદો થાય છે. એ જ ગાર્ડનની આસપાસની સાફસફાઈ સુધરાઈના કર્મચારીઓ ઇચ્છતા હોવા છતાં કરી શકતા નથી એટલું જ નહીં, અજાણ્યાં વાહનોનું પાર્કિંગ પણ અસુરક્ષિત છે છતાં પોલીસ એ વાહનોને હટાવવા આગળ નથી આવતી એનાથી નવાઈ લાગે છે. અહીંની ફૂટપાથ પણ કાર-મેકૅનિકોએ કબજે કરી લીધી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK