રસ્તાઓ અને નાળાંનું ખોદકામ ફરી શરૂ રાહદારીઓની પરેશાનીમાં વધારો થયો

એને કારણે વાહનચાલકોને ટ્રાફિક જૅમમાં અટવાવું પડે છે : લોકોને પણ કરવો પડે છે અવાજ અને ધૂળનો સતત સામનો


બકુલેશ ત્રિવેદી

વરસાદની સીઝન પૂરી થતાં જ સુધરાઈ દ્વારા રસ્તાઓના નૂતનીકરણ અને નાળાંઓની સફાઈનું કામકાજ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. એને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ખોદી કાઢવામાં આવતાં વાહનચાલકોએ ડાયવર્ઝન લેવું પડતું હોય છે અને ઘણી વાર એને કારણે ટ્રાફિક જૅમમાં પણ અટવાવું પડતું હોય છે. આના કારણે રાહદારીઓએ પણ હાડમારી ભોગવવી પડતી હોય છે, જ્યારે એ વિસ્તારની આસપાસ રહેતા લોકોને એ કામને કારણે સતત અવાજ અને ધૂળનો સામનો કરવો પડે છે. ઘણી વખત તો સારા રોડને તોડીને સુધરાઈ દ્વારા નવા બનાવવામાં આવતા હોય છે.

સાયનમાં રોડનું કામ પૂરઝડપે

સાયનમાં સિંધી કૉલોની પાસે ગલી-નંબર ૧૨ (ગુરુકૃપા)થી આગળ રસ્તાના કૉન્ક્રીટીકરણનું કામ ચાલી રહ્યું છે એટલે અત્યારે એ રસ્તા પરનો ટ્રાફિક અન્યત્ર વાળવામાં આવ્યો છે. અડધા રસ્તા પર એક સાઇડ કૉન્ક્રીટનો રસ્તો બની રહ્યો છે, જ્યારે લ્ત્ચ્લ્ કૉલેજ સામે હજી એ રસ્તો ખોદાઈ રહ્યો છે. સુધરાઈનું કહેવું છે કે રસ્તાનું કામકાજ આવતા ત્રણ મહિનામાં પૂરું થઈ જવાની શક્યતા છે.

રસ્તાની બન્ને બાજુ ફૂટપાથ હોવાથી પગપાળા જતા લોકોને મુશ્કેલી નથી પડી રહી, પણ વાહનચાલકોને અને મુખ્યત્વે એ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનોને આ કારણે વાહનમાં જવું હોય તો હાડમારી ભોગવવી પડી રહી છે.

દાદરમાં પણ રોડનું કામ ચાલુ

દાદર (વેસ્ટ)માં ગોખલે રોડને જોડતા પ્રો. વી. એસ. આગાશે રોડને ખોદી કાઢવામાં આવ્યો છે અને ત્યાં રસ્તાની બન્ને બાજુ ગટરના સિમેન્ટના પાઇપ બેસાડવામાં આવશે અને રસ્તાનું નૂતનીકરણ કરવામાં આવી રહ્યું છે.

રાહદારીઓ માટે માત્ર એક સાઇડની ફૂટપાથ ચાલુ રાખવામાં આવી છે. એને કારણે મહિલાઓ અને સિનિયર સિટિઝનોને આવવા-જવામાં હાડમારી ભોગવવી પડી રહી છે.

ડ્રેનેજનું રિપેરિંગ છ મહિના ચાલશે  

એલ્ફિન્સ્ટનમાં ટિટવાલા લેન અને સેનાપતિ બાપટ રોડના જંક્શન પર અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજને ખોલવામાં આવ્યું છે. ત્યાં કામ કરી રહેલા સુધરાઈના કર્મચારીએ આ બાબતે કહ્યું હતું કે ‘આ મેઇન ડ્રેનેજનું અન્ડરગ્રાઉન્ડ નાળું છે, જે અંદરથી અત્યારે ચૉક-અપ થઈ ગયું છે. એની સફાઈ ચાલી રહી છે. ત્યાર બાદ બધી જ બાજુ એને લોખંડની નેટિંગ કરીને એનું સમારકામ કરવામાં આવશે. આ કામ અંદાજે છ મહિના ચાલે એવી શક્યતા છે.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK