સુધરાઈ સ્કૂલ, કૉલેજ, મૉલ ને સાર્વજનિક જગ્યાઓમાં ફાયર સેફ્ટી માટે લાપરવાહ

૨૦૧૨માં મંત્રાલયમાં આગ લાગ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે સક્યુર્લર બહાર પાડીને મીરા-ભાઇંદર, વસઈ-વિરાર સુધરાઈને એક મહિનાની અંદર ફાયર સેફ્ટી માટે કેવાં પગલાં લેવામાં આવ્યાં છે એનો રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો, પણ એની જગ્યાએ ફક્ત નોટિસ જ આપવામાં આવી છે


મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલો સર્ક્યુલર.


પ્રીતિ ખુમાણ

૨૦૧૨માં મંત્રાલયમાં ભીષણ આગ લાગ્યા બાદ મહારાષ્ટ્ર શાસનની ઊંઘ ઊડતાં એણે દરેક સુધરાઈને બે વખત સર્ક્યુલર મોકલ્યા હતા. આ સર્ક્યુલર પ્રમાણે સુધરાઈએ એક મહિનાની અંદર ગવર્નમેન્ટ તેમ જ નૉન-ગવર્નમેન્ટ સ્કૂલ, કૉલેજ, મૉલ્સ કે પછી સાર્વજનિક જગ્યા, હૉસ્પિટલ વગેરે બિલ્ડિંગનો ફાયર સેફ્ટી ઑડિટ રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું; પણ આ સર્ક્યુલરનો જવાબ એક મહિનામાં આપવાનો હતો એની જગ્યાએ હજી સુધી સુધરાઈએ ફક્ત નોટિસ જ ફટકારી છે.

૨૦૧૨માં મંત્રાલયમાં ભીષણ આગ લાગવાથી શાસનને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઈને મહારાષ્ટ્ર શાસને દરેક સુધરાઈમાં એક સર્ક્યુલર મોકલ્યો હતો. ૨૦૧૨ની ૨૨ જૂને અને ૨૦૧૨ની ૨૫ જૂને એમ બે સર્ક્યુલર મોકલવામાં આવ્યા હતા. આ સર્ક્યુલર પ્રમાણે સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલ, મૉલ, ગવર્નમેન્ટ અને નૉન-ગવર્નમેન્ટ ઑફિસમાં ફાયર સેફ્ટીનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો. આ રિપોર્ટ એક મહિનાની અંદર સબમિટ કરવાનો હતો, પણ એની સામે અત્યાર સુધી ફક્ત નોટિસ જ ફટકારવામાં આવી છે. મીરા-ભાઈંદરની સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલ વગેરેને સુધરાઈ દ્વારા નોટિસ આપવામાં આવી છે; પણ એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ ઉપરાંત વસઈ-વિરારમાં પણ ગવર્નમેન્ટ કાર્યાલયનો ફાયર સેફ્ટી રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે; પણ સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલ વગેરેને સુધરાઈ દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ પરથી દેખાઈ રહ્યું છે કે આટલી ઘટનાઓ બન્યા બાદ પણ ફાયર સેફ્ટીને અહીં કેટલું મહત્વ આપવામાં આવી રહ્યું છે.

વસઈ-વિરાર સુધરાઈના ફાયર-ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ આ વિશે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સર્ક્યુલર પ્રમાણે કાર્યાલયનો ફાયર સેફ્ટી ઑડિટ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે; જ્યારે સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલ વગેરેને નોટિસ મોકલવામાં આવી છે.’

મીરા-ભાઈંદર સુધરાઈના ડેપ્યુટી કમિશનર સંભાજી પાનપટ્ટેએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સર્ક્યુલર મળ્યા બાદ અમે સ્કૂલ, કૉલેજ, હોસ્પિટલમાં નોટિસ ફટકારી છે એથી તેમણે અમારી પાસે સમય માગ્યો છે. આ કામ એક મહિનાની અંદર થઈ શકે એમ નથી એથી આગળની કાર્યવાહી માટે થોડો સમય તો લાગશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK