પેવર બ્લૉક્સ ઊખડી જવાથી રોડ પર ને ફૂટપાથ પર પડતા ખાડાથી લોકો ત્રસ્ત

દાદર-વેસ્ટમાં સ્ટેશન સામે આવેલા સેનાપતિ બાપટ રોડ અને એને કનેક્ટેડ અન્ય રોડ પર ઘણી જગ્યાએ પેવર બ્લૉક્સ બેસાડવામાં આવ્યા છે અને ફૂટપાથ પર પણ સ્મૂધ (લાલ-પીળા) પેવર બ્લૉક્સ બેસાડવામાં આવ્યા છે. જોકે  સમસ્યા એ છે કે આ પેવર બ્લૉક્સમાંનો એક પણ પીસ એની જગ્યાએથી નીકળી જાય એટલી એની આજુબાજુના પીસ પણ નીકળવા માંડે છે અને ત્યાં ખાડો પડી જાય છે. એને કારણે રસ્તે ચાલતા રાહદારીઓએ તો સંભાળીને ચાલવું જ પડે છે, પણ વાહનો પણ એમાં પછડાતાં એનાં શૉક-ઍબ્સૉર્બર નબળાં પડે છે. 


દાદરમાં સેનાપતિ બાપટ રોડ પર સ્ટેશન સામે જ આવેલા કવિવર્ય કેશવસુત ફલાયઓવરની પાસે એલ્ફિન્સ્ટન રોડથી દાદર તરફ આવતી વખતે રાષ્ટ્રીય લંચ હોમ પાસે પેવર બ્લૉક્સ દબાઈ જવાને કારણે અનેક જગ્યાએ રોડ નીચે જતો રહ્યો છે અને ત્યાં ખાડા પડી ગયા છે. બાજુમાં ફૂલોની અનેક દુકાનો આવેલી હોવાથી એમાં વપરાતા પાણીને કારણે આ બ્લૉક્સની વચ્ચે પાણી ભરાઈ જાય છે અને ધીમે-ધીમે એની નીચેની માટી પોચી પડવા માડતાં એ નીચેની તરફ દબાઈ જાય છે અને ઘણી વાર એ બ્લૉક્સ એની જગ્યાએથી ઊખડી જતાં ખાડો તૈયાર થાય છે જે દરેક માટે ત્યાર પછી જોખમી બની જાય છે.

ઘણી વાર સુધરાઈ દ્વારા આ ખાડાને પૂરવા માટે ત્યાં સિમેન્ટ-કૉન્ક્રીટનું મિક્સ નાખવામાં આવે છે, પણ એનું લેવલિંગ જળવાઈ રહે એ માટે કાળજી રાખવામાં આવતી નથી. એને લીધે એ પૉર્શન ઊંચોનીચો થઈ જતાં પગ મચકોડાઈ જવાનો ભય રહે છે. 

પેવર બ્લૉક્સ ઊખડી જતાં એમાં કચરો અને પાણી ભરાઈ રહે છે, જેને લીધે સમસ્યા વધુ વકરે છે, વળી રાહદારીઓ અને વાહનો માટે પણ ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. દાદરનો સ્ટેશન પાસેનો આ વિસ્તાર ચોવીસ કલાક ધમધમતો રહેતો હોવાથી એની કાળજી લેવા વિશેષ દરકાર રાખવી જરૂરી હોય છે. સુધરાઈના કર્મચારીઓનું કહેવું છે કે અમે એને અવારનવાર રિપેર કરતા હોઈએ છીએ, પણ દિવસના ટાઇમે ત્યાં બહુ જ અવરજવર હોવાથી અમે બની શકે તો રાતે કામ કરીએ છીએ. 

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK