દાદરમાં સમસ્યાઓની ભરમાર : લોકોએ ભોગવવી પડે છે હાડમારી

દાદર-ઈસ્ટમાં એક નહીં, અનેક સિવિક સમસ્યાઓ છે જે દાદર સ્ટેશનથી બહાર નીકળતાં જ નજરે પડે છે. ફેરિયાઓ, તૂટેલી ફૂટપાથો, રસ્તા પર કરવામાં આવેલાં ઢંગધડા વગરનાં પૅચવર્ક આ બધી જ કાયમની સમસ્યાઓ છે જેને કારણે લોકોએ રોજ હાડમારી ભોગવવી પડે છે. સુધરાઈ આ સમસ્યાઓ વકરી જાય ત્યારે કામ કરે છે, પણ એ બાબતે કાયમી ઉપાય યોજવામાં આવતા નથી.


 સુધરાઈનું કહેવું છે કે પાણી, ઇલેક્ટ્રિસિટી, સિવરેજ લાઇન, ટેલિફોનના કેબલ, પાઇપ્ડ ગૅસ આ બધી સુવિધાના કેબલ અને પાઇપલાઇન અન્ડરગ્રાઉન્ડ હોવાથી કોઈ પણ સમસ્યામાં ફૉલ્ટ આવે એટલે એને સૉલ્વ કરવા રોડ ખોદવા પડે છે. લોકોને હેરાન ન થવું પડે એ માટે અમે અમારાથી બનતી કોશિશ કરતા જ હોઈએ છીએ. એક સમસ્યા પૂરી થાય એ પહેલાં જ ફરી બીજી કોઈ સમસ્યા ઊભી થાય છે, જેને લીધે રિપેરિંગનું કામ સતત ક્યાંક ને ક્યાંક ચાલુ જ હોય છે.

આ પાર્ક કરવામાં આવેલી પોલીસ-વૅન પણ એક સમસ્યા છે. પોલીસની આ વૅન બરાબર સ્ટેશનના મેઇન ગેટ, જ્યાંથી લોકો અવરજવર કરતા હોય છે, એની સામે જ પાર્ક કરવામાં આવેલી હોય છે. વેસ્ટર્ન અને સેન્ટ્રલ બન્ને લાઇન સાથે જોડાયેલા દાદર સ્ેટશન પર માત્ર પીક-અવર્સમાં જ નહીં, પણ આખો દિવસ રશ-અવર્સ જેવી જ ગિરદી હોય છે. એ ઉપરાંત બહારગામની ટ્રેનના પૅસેન્જરો પણ તેમના લગેજ સાથે ત્યાં આવ-જા કરતા હોય છે. એથી બરાબર ગેટ સામે જ પાર્ક કરાયેલી આ પોલીસ-વૅન સમસ્યામાં વધારો જ કરે છે.

રેલવે-સ્ટેશનની આજુબાજુ ૧૦૦ ફૂટના વિસ્તારમાં ફેરિયાઓને બેસવાની મનાઈ છે છતાં દાદર-ઈસ્ટમાં રેલવેના વચલા ફૂટઓવર બ્રિજથી સ્ટેશનની બહાર નીકળતાં જ સામે ફેરિયાઓ પથારો પાથરીને તેમનો ધંધો બેરોકટોક કરતા દેખાય છે. એ બ્રિજથી માત્ર કેટલાંક ડગલાંના અંતરે જ પોલીસની વૅન પાર્ક કરેલી હોય છે, પણ તેમને એનો કોઈ જ ડર હોતો નથી.

સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા યોગી સભાગૃહ સામે ફૂટપાથ પર કોઈ સિવિક સમસ્યાના નિવારણ માટે ફૂટપાથ ખોદીને કામ કરવામાં આવ્યું હતું. એ કામ તો પતી ગયું છે, પણ ફૂટપાથ પરની કાઢી નાખવામાં આવેલી ટાઇર્લ્સ ફરી લગાડવાની દરકાર રાખવામાં આવી નથી.

દાદર સ્ટેશનથી ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ તરફ જતા સ્ટેશનની સામે જ રોડનું પૅચવર્ક કરવામાં આવ્યું છે. એ પૅચવર્ક કરવામાં રોડના લેવલિંગનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવ્યું; એ અનઈવન છે, જેને કારણે રસ્તે જતા-આવતા રાહદારીઓને તો તકલીફ થાય જ છે સાથે વાહનોમાં બેસેલા લોકો પણ એનાથી પરેશાન થઈ જાય છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર પોસ્ટ-ઑફિસના કૉર્નર પર બહારગામની પ્રાઇવેટ બસોનું બુકિંગ કરતા એજન્ટોની ઑફિસો આવેલી છે. એની બહાર ફૂટપાથ પર ફેરિયાઓએ તેમનો અડ્ડો જમાવી દીધો છે. નાનીએવી ફૂટપાથ પર બન્ને બાજુ ફેરિયાઓ બેસી જતાં રાહદારીઓએ ભારે હાડમારી ભોગવવી પડે છે.

ડૉ. આંબેડકર રોડ પરના ફલાયઓવર નીચે પુણે અને નાશિક-શર્ડિી વગેરે માટે લૉન્ગ ડિસ્ટન્સનું કાર-પાર્કિંગ છે. જોકે એમાં એન્ટ્રી લેતાં જ સિગ્નલ પાસેના વિસ્તારમાં ભયંકર ગંદકી છે. પાણી અને કચરાને કારણે ત્યાં કાદવ જમા થઈ ગયો છે અને મચ્છરનો ત્રાસ ફેલાઈ રહ્યો છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK